Abtak Media Google News
  • 38 સર્કલોએ મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા નિયમ ભંગ કરનારાઓ સામે બાજ નજર
  • મવડી ચોકડી ખાતેથી સૌથી વધુ 335 ઇ-મેમો ઇશ્યૂ કરાયા: બીજા ક્રમે પાણીના ઘોડા પાસેનો ચોક

કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 38 સર્કલ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. જેમાં છેલ્લા આઠ માસ દરમિયાન 577 આસામીઓને નિયમ ભંગ કરવા બદલ ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ઇ-મેમો મવડી ચોકડી ખાતેએથી આપવામાં આવ્યા છે. જો કે, દંડની રકમ માત્ર 54 વ્યક્તિઓએ જ ભરપાઇ કરી છે. હજુ 523 લોકો પાસે દંડ પેટે રૂ.1.17 લાખ રૂપિયા બાકી નીકળે છે. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ગત 1-એપ્રિલથી આજ સુધીમાં 577 લોકોને ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે.

જેની દંડની રકમ 1,28,800 રૂપિયા જેવી થવા પામે છે. જે પૈકી છેલ્લા આઠ માસમાં માત્ર 54 વ્યક્તિઓએ જ દંડની રકમ પેટે રૂ.11,300 કોર્પોરેશનની તીજોરીમાં જમા કરાવ્યા છે. સૌથી વધુ ઇ-મેમો મવડી ચોકડી ખાતેથી ઇશ્યૂ કરવામાં આવ્યા છે. અહિંથી કુલ 335 ઇ-મેમો આપવામાં આવ્યા છે. જે પૈકી 38 આસામીઓએ દંડની રકમ ભરપાઇ કરી દીધી છે અને હજુ 297 લોકો દંડ ભરવા ડોકાયા નથી. બીજા નંબરે પેડક રોડ પર પાણીના ઘોડા પાસેના સર્કલ પાસેથી 83 ઇ-મેમો અને ત્રીજા ક્રમે નાગરિક બેંક ચોક ખાતેથી ઇ-મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જાહેરમાં કચરો ફેંકવા, પાનની પીચકારી મારવી સહિતના ગુનાઓમાં નાગરિકોને સીસીટીવી કેમેરાની મદદથી ઇ-મેમો ફટકારવામાં આવે છે. જો કે મેમો આપ્યા બાદ કોઇક કડક ઉઘરાણી કરવામાં આવતી નથી. જેના કારણે પેન્ડિંગ રકમનો આંક સતત વધતો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.