Abtak Media Google News

9 ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ: 58 તડીપાર, 57 સામે પાસા, 1.71 લાખનું ડ્રગ્સ જપ્ત કરાયું

વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના વડપણ હેઠળ તથા ખાસ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયાના નિરીક્ષણમાં પોલીસ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.

શહેરમાં દારૂ, માદક દ્રવ્યો તેમજ રોકડ સહિતની હેરાફેરી રોકવા શહેર ફરતે 9 ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ દ્વારા ચૂંટણી જાહેર થઈ ત્યારથી એટલે કે 3 નવેમ્બરથી 20 નવેમ્બર સુધીમાં 2544 ધરપકડ વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે 2929 હથિયાર જમા લેવામાં આવ્યા છે.

દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં, રૂ.12,23,425ની કિંમતનો 3767 બોટલ (2021 લીટર) વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જ્યારે રૂ.55,590ની કિંમતનો 2780 લીટર દારૂ જપ્ત કર્યો છે.

3 નવેમ્બરથી 21 નવેમ્બર સુધીમાં 58 શખ્શોને તડીપાર કરાયા છે, જ્યારે 57 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જ્યારે 934 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા 10 આરોપી તથા ગંભીર ગુનામાં સંડોવાયેલા 20 આરોપી મળી 30 જેટલા આરોપીને ઝડપી લીધા છે.

એન.ડી.પી.એસ. અંતર્ગત પોલીસે આશરે રૂ. 1,71,100ની કિંમતનું 17.11 ગ્રામ મેફી ડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે.ચેકપોસ્ટ પર તહેનાત પોલીસ સ્ટાફે દારૂ પીને વાહન ચલાવવાના ગુના અંતર્ગત 28 કેસ કર્યા છે, જ્યારે જાહેરનામા ભંગના 71 કેસ કર્યા છે.આ સમગ્ર કામગીરી આશરે 1400 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.