રાજકોટ: આર.ઓ.પ્લાન્ટમાં કોર્પોરેશનના દરોડા, સાતને નોટિસ

માનવ વોટર, એક્વાટીક ડ્રીન્કીંગ વોટર, હરિઓમ, એપલ, ડીવાઇન, ક્રિષ્ના અને એક્વા ન્યૂ ફ્રેશ મિનરલ વોટરમાં આરોગ્ય શાખાનું ચેકીંગ

શહેરમાં ગેરકાયદે ધમધમતાં આર.ઓ. પ્લાન્ટમાં કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતું ન હોવાની જનરલ બોર્ડમાં બુમરાળ ઉઠતા કોર્પોરેશનનું તંત્ર આજે સફાળું જાગ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સાત સ્થળે આર.ઓ. પ્લાન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તમામને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી. વારંવાર નોટિસ આપવા છતાં જો કોઇ કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં આર.ઓ. પ્લાન્ટને સીલ કરી દેવા સહિતના પગલા લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા ફૂડ ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મહેતાએ જણાવ્યું હતું કે આજે ફૂડ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આર.ઓ. પ્લાન્ટમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઢેબર કોલોનીમાં આવેલા માનવ વોટર, નાનામવા મેઇન રોડ પર એક્વાટીક ડ્રિકીંગ વોટર, ઓમ નગર 40 ફૂટ રોડ પર હરિઓમ મિનરલ વોટર અને એપલ મિનરલ વોટર, જીવરાજ પાર્કના પુલ પાસે ડિવાઇન મિનરલ વોટર, બિગ બજારની પાછળ ક્રિષ્ના વોટર અને બાલાજી હોલ પાસે ઓમ નગર વિસ્તારમાં આવેલા એક્વા ન્યૂ ફ્રેશ વોટરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ દ્વારા પીવાનું લૂઝ પાણી સપ્લાય કરવામાં આવે છે. તમામને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી. સ્થળ પર બોરના પાણીના સેમ્પલનો રિપોર્ટ અને ત્યારબાદ પાણી શુદ્વ કરાયાના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં 300થી વધુ મિનરલ વોટરના પ્લાન્ટ છે. છતાં કોર્પોરેશનના ચોંપડે માત્ર 13 જ નોંધાયેલા હોય આ મુદ્ે ગત સોમવારે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં જબ્બરી બબાલ થયા બાદ આરોગ્ય શાખા હરકતમાં આવી છે. આજે સાત સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નોટિસ આપવામાં આવી છે.