Abtak Media Google News

રાષ્ટ્રીય બેંકોના સ્વાયત ડિરેકટર તરીકે રાજકીય નિમણૂંકો; માહિતી કમિશનરની વરણી, ઈવીએમમાં નોવોટ બટન, માનવ અધિકાર, ગુજરાતી માધ્યમના શિક્ષકો દ્વારા ઈંગ્લીશ મીડિયમના પુસ્તકો તૈયાર કરવા સહિતના મુદ્દાને પ્રફુલભાઈ દેસાઈના કારણે જ ન્યાય મળ્યો હતો

સમાજ સેવા માટે પીઆઈએલના માધ્યમથી કાયદેસરની લડત ચલાવતા પ્રફૂલ દેસાઈનું નામ ગુજરાત હાઈકોર્ટમાં દશકાઓથી ગુંજી રહ્યું છે. તેમણે રાજકોટના કાઉન્સીલર્સને લોકોના પૈસે વિદેશ પ્રવાસની મોજ માણતા અટકાવવા સહિતના અનેક સરાહનીય લડત ચલાવી હતી. મુળ વડોદરાના પ્રફૂલ દેસાઈનું આવી જ એક લડતમાં ગુજરાત હાઈકોર્ટની કામગીરી દરમિયાન ચાલુ કોર્ટે હાર્ટ એટેકથી ઢળી પડયા બાદ નિધન થયું છે.

ગુજરાત હાઈકોર્ટમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિ શીવેન્દ્ર ગુપ્તાને હટાવવા મામલે પીઆઈએલની સુનાવણી દરમિયાન પ્રફુલ દેસાઈ છાતીમાં દુ:ખાવાના કારણે પડી ગયા હતા. જેથી તેમને સારવાર અર્થે તત્કાલ ખસેડવા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જો કે, એમ્બ્યુલન્સને પહોંચવામાં મોડુ થતાં ચિફ જસ્ટીસે તેમને નજીકના દવાખાને કોર્ટના વાહનમાં ખસેડવા આદેશ આપ્યો હતો. જયાં તબીબોએ તેમનો જીવ બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ તેમનું નિધન થયું હતું.

આ મામલે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પી.આર.પટેલે કહ્યું છે કે, પ્રફુલભાઈ ખુબજ સજ્જન વ્યક્તિ હતા. તેઓ સામાજીક મુદ્દાઓ બાબતે ખુબજ ચિંતીત હતા. અમારે વારંવાર મુલાકાત થતી હતી. કારણ કે તેઓ કેસમાં વ્યક્તિગત ધ્યાન આપતા હતા.

પ્રફુલભાઈ દેસાઈ નિવૃત બેંક અધિકારી હતા. તેમણે પોતાની પ્રથમ પીઆઈએલ વર્ષ ૨૦૦૮માં દાખલ કરી હતી અને રાષ્ટ્રીય બેંકોમાં રાજકારણને ખટાવવા ઈન્ડિપેન્ડેડ ડિરેકટરની નિમણૂંકમાં પોલીટીકલ એપોઈમેન્ટનો મુદ્દો પડકાર્યો હતો. તેમના આ પગલાથી બેન્કિંગ ક્ષેત્રને અનેક ફાયદા થયા છે. પ્રફુલભાઈ દેસાઈની પીઆઈએલના કારણે હાઈકોર્ટે રાજય સરકારને માહિતી કમિશનરની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રફુલભાઈ દેસાઈએ જાગતે રહો પાર્ટી નામના રાજકીય પક્ષની રચના પણ કરી હતી. તેમણે ચૂંટણીમાં સુધારા લાવવા વિવિધ અદાલતોમાં અરજીઓ કરી હતી. વર્ષ ૨૦૧૨માં તેમને પીઆઈએલ કરીને ઈવીએમમાં નોવોટ બટન દાખલ કરાવવા પ્રયાસ કર્યા હતા.

તેમણે હાઈકોર્ટમાં માનવ અધિકારનો મુદ્દો પણ ઉછાળ્યો હતો. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણતા બાળકોની જવાબવાહી ગુજરાતી માધ્યમના શિક્ષકો તૈયાર કરતા હોવાનો મુદ્દો પણ તેમના કારણે જ પ્રકાશમાં આવ્યો હતો. તેમણે કેદીઓ ભાગી જવાની ઘટનામાં બેદરકાર પોલીસ અધિકારી સામે કડક પગલા લેવા માટે પણ અરજી કરી હતી. તેમની અરજીઅરોના કારણે સમાજમાં અનેક પ્રકારની જાગૃતિ આવી છે જેને અવગણી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.