Abtak Media Google News

સરકારે કોરોનાના કેસમાં થયેલા ભયંકર વધારાને ધ્યાને લઈને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાયના વેપાર ધંધાઓ બંધ કરવાનો આદેશ જારી કરી મીની લોકડાઉન અમલમાં મૂક્યું હતું. જેનાથી વેપારધંધાની ચેઇન તૂટી ગઇ હોય અને સામે કોરોનાની સ્થિતિ પણ સુધરી હોય હવે ધંધા રોજગારની તૂટેલી ચેઇન ઉપર શણગારેલું થીગડુ મારવાના ભાગરૂપે મીની લોકડાઉન હટાવી દેવામાં આવ્યું છે.

Advertisement

કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારે 36 શહેરોમાં પ્રતિબંધો જાહેર કરી જીવન જરૂરી સિવાયની ચીજવસ્તુઓની દુકાનો ખોલવા ઉપર રોક લગાવી દીધી હતી. જેના કારણે નાના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી વેપારીઓ સરકાર પાસે દુકાનો ખોલવાની છૂટ આપવા આજીજી કરી રહ્યા હતા. જેથી તેઓ આર્થિક સંકટ દૂર કરૂ શકે. કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છુટથી નાના, મધ્યમ અને છુટક વેપારીઓના ધંધા ફરીથી શરૂ થશે. સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તીની ખરીદી કરવાની તક મળશે.

Screenshot 2 20

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે. સાથે જણાવાયુ છે કે આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ કરવામા આવશે.

રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ યથાવત

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિમાં સુધારો થતા અને કેસ તથા મૃત્યુની સંખ્યા સતત ઘટી રહી છે. જેને જોતા રાજ્ય સરકારે 36 શહેરોમાં લગાવવામાં આવેલા નિયંત્રણમાં છૂટ આપી છે.

આ 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ ઉપરાંત નિયંત્રણો 21 મે સવારે 6 વાગ્યા સુધી હતા. ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી જાહેરાત કરતા હવે 21 મેથી સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જોકે, રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રહેશે.

લોકડાઉન નહોતું છતાં તેના જેવી જ પરિસ્થિતિ કેમ ઉભી થઇ ?

કોરોનાના કેસો વધતા સરકારે આંશિક પ્રતિબંધો મુક્યા હતા. જેમાં જરૂરી વસ્તુઓના વેચાણ માટે દુકાનોને છૂટ મળી હતી. બાકીની દુકાનો તેમજ વેપાર ધંધા બંધ રખાવ્યા હતા.

આમ સરકારે જે અમલમાં મૂક્યું તે લોકડાઉન તો ન હતું. પણ સ્થિતિ તો લોકડાઉન જેવી જ થઈ હતી. કારણકે જેમને છૂટ હતી તેવા અમુક ઉદ્યોગો અને ધંધાઓ જે બંધ હાલતમાં હતા તેવા ઉદ્યોગો અને ધંધાઓ ઉપર આધારિત હતા. એટલા માટે નાછૂટકે જેમને છૂટ હતી તેમને પણ ઉદ્યોગ અને ધંધાઓ બંધ રાખવા પડે તેવી નોબત આવી હતી. આમ ધંધા- રોજગારની આખી સાયકલ તૂટી જવા પામી હતી.

કોરોના મહામારીના પગલે એક તરફ વેપારીઓને પહેલેથી જ ધંધા-રોજગાર મંદ પડયા હતા તેવામાં મીની લોકડાઉન અમલમાં આવતા પડતા પર પાટું લાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. વેપારીઓ ધંધારોજગાર બંધ થવાના કારણે પાયમાલ થઇ ગયા હતા.

કોર્પોરેટને છૂટ, નાના વેપારીઓને નહિં: આવો ભેદભાવ કેમ ?

કોરોનાના કેસો વધરા રાજ્ય સરકારે જે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા હતા. તેના કોર્પોરેટ જગત ઉપર જાણે સરકારે ચાર હાથ મુક્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો. કારણ કે જે કોર્પોરેટ ઓફિસોમાં સેંકડો માણસો કામ કરતા હોય તે ઓફિસોને 50 ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે સામે માત્ર એક કે બે વ્યક્તિઓ જે દુકાનો ચલાવતા હતા તેને બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણયથી એવો પણ ગણગણાટ જોવા મળ્યો હતો કે કોર્પોરેટ જગત સરકારનો કમાઉ દીકરો હોય જેથી તેને છૂટછાટ આપવામાં આવી હતી.

જો કે હવે વેપારીઓને પણ આંશિક છૂટ મળી જતા તેઓએ હાંશકારો અનુભવ્યો છે. ઉલ્લેખનીય છે કે વેપારીઓમાં એવો પણ આક્રોશ હતો કે અમે તો એક કે બે વ્યક્તિઓ જ મળીને દુકાન ચલાવતા હોઈએ છીએ. સામે કોર્પોરેટ ઓફિસોમાં ઢગલાબંધ માણસો બેસીને કામ કરતા હોય છે. છતાં તેઓને છૂટ અને અમને છૂટ નહિ. શુ તેઓ કોરોનાનું સંક્રમણ ફેલાવી શકતા નથી?

રોજનું કમાઈને ખાનારા નાના વેપારીઓની હાલત દયનિય, બે ટંક જમવાના પણ ફાંફા પડ્યા

મીની લોકડાઉને કારણે સવરોજગારોને મોટો ફટકો પડયો હતો. કામ ધંધા બંધ રહેતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ખાવાના પણ ફાંફા પડી ગયા હતા. જેને પગલે લોકોએ અનેક વખત તંત્ર સમક્ષ છૂટછાટની માંગ પણ ઉઠાવી હતી. ખાસ કરીને રોજનું કમાઈને રોજનું ખાનારા લોકોની હાલત અત્યંત દયનિય બની ગઈ હતી. તેઓને બે ટંક જમવાના પણ ફાંફા પડી ગયા હોય તેઓને લાચારીમાં બધું સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે હવે સરકાર તરફથી આંશિક છૂટછાટ મળતા નાના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ઉલ્લેખનીય છે કે વેપારી સંગઠનોને વારંવાર જિલ્લા કલેક્ટરોને આવેદન પાઠવીને રજૂઆતો કરી હતી કે તેઓને હવે બે ટંકના ભોજનના પણ ફાંફા પડી રહ્યા છે. કોઈની સામે હાથ ક્યાં સુધી ફેલાવવા હવે દુકાનો ખોલવાની છૂટ આપો તો જ રાહત મળી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.