Abtak Media Google News

ડીજીપી વિકાસ સહાયે પોલીસ અધિકારીઓને લખેલા પત્રમાં અનેક સૂચનો આપ્યા

બોટાદમાં કસ્ટોડિયલ ડેથને લગતા કેસમાં ગુજરાત હાઈકોર્ટે દરમિયાનગીરી કર્યાના દસ દિવસ પછી ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે પોલીસ અધિકારીઓને એક પત્ર લખ્યો છે કે, આ ઘટના બાદ તમામ પોલીસ અધિકારીઓએ શીખ લઇ જાગૃત થવાની જરૂર છે. ડીજીપી વિકાસ સહાય સમગ્ર મામલાથી ભારે નારાઝ હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય બાબત છે કે, થોડા દિવસો પૂર્વે જ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપમાં ઝડપાયેલા આરોપીનું પણ મોત થયું હતું. જે મામલાની પણ હાલ તપાસ ચાલી રહી છે.

ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે ગુજરાત કેડરના એસપી અને તેનાથી ઉપરના તમામ પોલીસ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું આ પત્ર એ આધાર પર લખું છું કે એફઆઈઆરની સામગ્રી (બોટાદ કસ્ટોડિયલ ડેથ કેસમાં) મોટાભાગે સાચી છે. તેમણે કહ્યું કે પોલીસ દળે તેમાંથી શીખ લેવાની જરૂર છે.

14 એપ્રિલે બોટાદ પોલીસ દ્વારા કાલુ પાધારસી નામના 25 વર્ષીય મજુરને ગોંધી રાખવામાં આવ્યા બાદ 14 મેના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મજુરનું મૃત્યુ થયું હતું. મામલામાં ત્રણ પોલીસકર્મીઓ  અમીરાજ બોરીચા, નિકુલ સિંધવ અને રાહી સિદાતારાએ કથિત રીતે પધારસી પર હુમલો કર્યો હતો તેવો આક્ષેપ મુકવામાં આવ્યો છે.

કાલુના પિતા ઉસ્માન પધારસીએ આ કેસમાં એફઆઈઆર નોંધવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેમના પુત્રના કસ્ટડીમાં ત્રાસના પુરાવા સુરક્ષિત કરવામાં આવે.

12 મેના રોજ હાઈકોર્ટે બોટાદના એસપીને બોટાદ પોલીસ સ્ટેશનમાંથી જે દિવસે પધારસીને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો તે દિવસના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે નિર્દેશ આપ્યો હતો, હાઈકોર્ટમાં થયેલી  અરજીમાં કહેવામાં આવ્યું છે કે આરોપી પોલીસકર્મીઓ પધારસીનું નિવેદન લેવા માટે હોસ્પિટલ ગયા હતા. પધારસીના મૃત્યુ અંગેના હોબાળા બાદ પોલીસે 15 મેના રોજ ત્રણેય પોલીસ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આ કિસ્સામાં સહાયે કહ્યું છે કે, કસ્ટોડિયલ ટોર્ચર મૃત્યુ તરફ દોરી જાય છે. જો કે, કસ્ટોડિયલ ટોર્ચર મૃત્યુમાં પરિણમ્યું ન હોવાના અહેવાલો છે. આવી કસ્ટોડિયલ ટોર્ચર વ્યાવસાયિક પોલીસિંગની નીતિશાસ્ત્રની વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2021 અને 2022માં 189 કસ્ટોડિયલ મૃત્યુ નોંધાયા હતા. તેમાંથી 35 પોલીસ કસ્ટડીમાં થયા હતા પરંતુ બોટાદ કેસમાં હાઈકોર્ટમાં થયેલી અરજીએ ગુજરાત ડીજીપી માટે “વેક-અપ” કોલ તરીકે કામ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.