Abtak Media Google News

પંચાયતીરાજ સંમેલનમાં વડાપ્રધાને કરેલા સુચનનો ફિાસ્કો

રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં ફરી ચુંટાયેલા મહિલા સભ્યોના પતિઓ હાજર રહેતા વિવાદ સર્જાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજેલ પંચાયતી રાજ સંમેલનમાં પંચાયતી સંસ્થાઓમાં મહિલા સભ્યોના પતિઓને ન બેસવા સલાહ આપી હતી. તેનો થોડો સમય અમલ થયાં બાદ રાજકોટ જીલ્લા પંચાયતમાં ફરી આ સુચનને અભેરાઇએ ચડાવી દેવામાં આવ્યું છે.

રાજકોટ જીલ્લા પંચાયતની મળેલી સંકલનની બેઠકમાં ફરી મહિલા ચેરમેનો અને સભ્યોના પતિદેવો હાજરી આપતા ફરીવાર વિવાદ છેડાયો છે.

ભાજપ શાસિત રાજકોટ જીલ્લા પંચાયતમાં શાસન અને વહીવટી પાંખ વચ્ચે સંકલન જળવાઇ એ માટે પહેલા મહીને એકવાર સંકલનની બેઠક બોલાવવાનું નકિક કરાયું હતું. પરંતુ બાદમાં સપ્તાહના દર સોમવારે આ સંકલન બેઠક બોલાવવાનું આયોજન કરાયું હતું.

દર સપ્તાહના સોમવારે મળતી આ બેઠકમાં છેલ્લી ત્રણ-ચાર બેઠકોમાં ત્રણ-ચાર ચેરમેનો જ હાજર રહેતા હતા. ચુંટાયેલા મહિલા સભ્યોના પતિઓ હાજર ન રહે તેવી સુચના અપાતા તેઓ હાજર રહેતા ન હતા.

ગઇકાલે મળેલી સંકલન બેઠકમાં વધુ સભ્યોની હાજરી થાય તે માટે મહિલા ચેરમેન સભ્યોના પતિઓ પણ હાજર રહ્યા હતા. એક કિસ્સામાં તો ચુંટાયેલા મહિલા સભ્યના બદલે તેમના સસરાએ હાજરી આપી હતી. આ બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, બાંધકામ સમીતીના ચેરમેન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

રાજકોટ જીલ્લા પંચાયતમાં ડીડીઓ  અને શાળા અધિકારીઓની હાજરીમાં મળેલ સંકલન બેઠકમાં ચોમાસા પૂર્વે સિંચાઇ-બાંધકામના કાર્યો પુરા કરવાં સુચનાઓ અપાઇ હતી. કેટલાંક કિસ્સામાં બદલીઓને લઇને પણ કેટલાક સભ્યોના સુચનો ઘ્યાને લેવામાં આવ્યા હતા.

રાજકોટ જીલ્લા પંચાયતની મળેલ સંકલન બેઠકમાં  ફરી ચુંટાયેલા મહિલા સભ્યોના બદલે તેમના પતિ દેવો હાજર રહેતા વિવાદ થયો હતો. અને વડાપ્રધાને પંચાયતી રાજ સંમેલનમાં કરેલ સુચનને અભેરાઇએ ચડાવી દીધાની વાત બહાર આવી હતી.

વિકાસકામોની ચર્ચા અભેરાઈએ મુકાઈ અને આંતરિક ઝઘડાઓ સામે આવ્યાં:  વિપક્ષી નેતા ખાટરિયા

Img 20220607 Wa0051

રાજકોટ જિલ્લા પંચાયતમાં દર સોમવારે શાસકોની સંકલન બેઠક મળે છે. છેલ્લા ત્રણ મહિનાથી ચૂંટાયેલા મહિલા સભ્યોના પતિદેવો જ હાજર રહે છે. તો બીજી તરફ સંકલનની બેઠકમાં વિકાસકામોની ચર્ચા અભેરાઈએ મુકી દેવામાં આવ્યાં છે. સંકલન બેઠકમાં આંતરિક ઝઘડાઓ મુદ્દે જ માત્ર ચર્ચા કરાઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. જિલ્લા પંચાયતના સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની પણ અવગણના કરી રહ્યાં છે.

જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુનભાઈ ખાટરીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લા પંચાયતમાં દર સોમવારે શાસકપક્ષ દ્વારા વિકાસકામોની સમીક્ષા કરવા માટે સંકલન બેઠક કરવામાં આવી રહી છે. થોડા સમય પૂર્વે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામપંચાયતોમાં ચૂંટાયેલા સરપંચો સાથે સીધો સંવાદ કરવા માટે મહાસંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે પંચાયતમાં ચૂંટાયેલી મહિલાઓએ જ કમાન સંભાળવી અને તેના પતિદેવોએ તેમના કામમાં દખલગીરી નહીં કરવા માટે અપીલ કરી હતી. ત્યારે હવે જિલ્લા પંચાયતમાં સત્તાધિશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની જ અવગણના કરી રહ્યાં છે. ગઈકાલે રાજકોટ જિલ્લા પંચાયતમાં યોજાયેલી સંકલન બેઠકમાં ફરી ચૂંટાયેલા સભ્યોના પતિદેવો હાજર રહેતા વિવાદ વકર્યો છે. જિલ્લા પંચાયતના મહિલા સભ્યોના પતિદેવો અને મુખ્યપદાધિકારીઓ વચ્ચે સામ-સામેનો જંગ જોવા મળ્યો છે. સંકલનની બેઠકમાં જ વિકાસકાર્યોની સમીક્ષા કરવાનું તો દુર રહ્યું પણ આંતરિક ઝઘડાઓ સામે આવી રહ્યાં છે. ભાજપના શાસકો સભ્યો અને મુખ્યપદાધિકારીઓ વચ્ચે સંકલન સાધવામાં પણ નિષ્ફળ નિવડ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.