Abtak Media Google News

પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો: આરોપીને શાપરથી વેશ પલટો કરી પોલીસે દબોચી લીધો

રાજકોટમાં ગત તા.27મી જૂનની સાંજે આજી ડેમ ચોકડી તરફ જતાં રસ્તે આવેલા યુવરાજનગર ખાતેથી લાકડા વીણવા ગયા બાદ લાપતા થયેલી તરુણીની ત્રીજા દિવસે અમુલ ઇન્ડસ્ટ્રીઝના બંધ કારખાનામાંથી અર્ધનિર્વસ્ત્ર હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ખોફનાક મર્ડર મિસ્ટ્રીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને તરુણી સાથે પરિવારનાં પરિચિત્તે જ દુષ્કર્મ આચર્યા બાદ તેણી પરિવારને જાણ કરશે તેવા ડરનાં કારણે બોથડ પદાર્થનાં ઘા ઝીંકી પતાવી દીધી હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી પણ બાળકીની શોધખોળ કરવામાં જોડાઈ ગયો હતો. જોકે પોલીસે જયદીપ ઉર્ફે જયું ઉમેશભાઈ પરમાર નામના શખ્સની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વેશ પલ્ટો કરીને આરોપીને શાપરથી દબોચી લીધો હતો અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને આજીડેમ પોલીસ મથકના સ્ટાફે રાતદિવસની મહેનત કરી રેપ વિથ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી વેશ પલટો કરી પોલીસે હેવાન જયદીપ ઉર્ફે જયુને દબોચી લીધો હતો. આ અંગે ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલનાં જણાવ્યા અનુસાર ગત તા.27મી જૂને સાંજે બળતણના લાકડા વિણવા ઘરેથી નિકળેલી તરૂણી લાપતા થયાની ઘટના સામે આવી હતી. જેને લઈને પોલીસે તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન 29 જૂને તેણીની લાશ મળી આવતા આ મામલો હત્યામાં પલટાયો હતો. જેને પગલે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશ્નરે સીટની રચના કરી હતી. જેમાં સાઇબર ક્રાઇમના એ.સી.પી વિશાલ રબારીની અધ્યક્ષતામાં ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ વાય.બી. જાડેજા અને આજી ડેમ પોલીસ મથકનાના પી.આઈ એલ.એલ. ચાવડા તથા તેમની ટીમ દ્વારા રાત-દિવસની જહેમત બાદ પડકારજનક મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો.

તપાસ અધિકારીઓ દ્વારા છેલ્લા 4 દિવસથી તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 40થી વધુ શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. બાદમાં હ્યુમન રિસોર્સનાં આધારે ઘટનાને અંજામ આપનારો જયદીપ ઉર્ફે જયું ઉમેશ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આરોપી આ બનાવની ફરિયાદ નોંધાવવામાં આવતા બાદમાં મોબાઈલ બંધ કરી ફરાર થયો હોવાનું સામે આવ્યું હતું. આરોપી અંગેની માહિતી મળતા પીએસઆઈ એ. એન. પરમાર અને કે.ડી.પટેલ દ્વારા રીક્ષા પેસેન્જરનો વેશધારણ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીની કલાકો સુધી પૂછપરછ કરી હતી. જેમાં છેવટ સુધી પોતે નિર્દોષ હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. જો કે, આકરી પૂછપરછ થતા તેણે સમગ્ર બનાવની વિગતો જણાવતા કબુલ્યું હતું કે, મૃતકનાં કાકા સાથે મિત્રતા થયા બાદ તે તરૂણીનાં ઘરે આવતો-જતો હોવાથી તેની નિયત બગડી હતી. આ કારણે બનાવના દિવસે પીડિતાને અમૂલ ઇન્ડસ્ટ્રીઝની અવાવરૂ જગ્યામાં લાકડા વીણવા જતા જોઈ તેની પાછળ-પાછળ ત્યાં પહોંચ્યો હતો. જ્યાં એકલતાનો લાભ લઇ લલચાવી-ફોસલાવી અંદરનાં રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

જો કે, ભોગ બનનારે આ વાત અંગે પરિવારને જાણ કરશે તેવા ડરથી ઉશ્કેરાટમાં આવી નજીકમાં પડેલા લોખંડનાં પાર્ટસ વડે તરૂણીને આડેધડ ઘા ઝીંકયા હતા. જેને પગલે તેણી લોહીલુહાણ થઈને ઢળી પડતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં પોતાના કેટલાક મિત્રોને મળ્યો હતો. તેમજ ત્યારબાદ બાળકીની શોધખોળમાં જોડાઈ ગયો હતો. પરિવાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતા ત્યાં પણ જયદીપ સાથે ગયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ ગયા બાદ ફરાર થઇ ગયો હતો. આરોપી સામે અગાઉ પીક પોકેટનાં ચાર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. પોલીસે હેવાનિયત આચરનાર આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.