Abtak Media Google News

ડેન્ગ્યુના ૭, ચિકનગુનિયાના ૯ અને મેલેરીયાના ૫ કેસો મળી આવ્યા: મચ્છરની ઉત્પતિ સબબ ૩૪ વ્યકિતઓને નોટિસ

ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા સહિતના રોગચાળાને જાણે રાજકોટ શહેરની ફરતે અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાંથી તાવ, અને ઝાડા-ઉલ્ટીના ૪૪૭ જેટલા કેસો નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે.

Advertisement

આ અંગે મહાપાલિકાની આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાંથી સામાન્ય અને તાવના ૨૨૩ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૭૪ કેસ, ટાઈફોઈડ તાવના ૫ કેસ, ડેન્ગ્યુ તાવના ૭ કેસ, ચિકનગુનિયાના ૯ કેસ, મરડાના ૯ કેસ, મેલેરીયા તાવના ૫ કેસ, કમરાના ૪ કેસ અને અન્ય તાવના ૨૧ કેસો મળી આવ્યા છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૨૧ રેંકડી, ૨૦ દુકાન, ૨૨ ડેરીફાર્મ, ૧૮ હોટલ, ૨૦ બેકરી અને ૩૩ અન્ય સ્થળ સહિત કુલ ૧૩૪ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૪ કિલો જેટલો અખાદ્ય ખોરાકનો નાશ કરી પાંચ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે શહેરમાં ૫૫,૪૧૦ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ૪૫૧૨ ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરની ઉત્પતિ સબબ શાળા, કોલેજ, હોટલ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત ૨૧૩ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મચ્છરની ઉત્પતિ સબબ ૧૦૮ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મહાપાલિકા દ્વારા નળ વાટે કરવામાં આવતું પાણી વિતરણમાં કલોરીનની ચકાસણી માટે સેન્ટ્રલ ઝોનમાં ૧૬૧, વેસ્ટ ઝોનમાં ૧૭૪ અને ઈસ્ટ ઝોનમાં ૧૫૯ સ્થળેથી પીવાના પાણીના નમુના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે તમામ પરીક્ષણમાં પાસ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.