Abtak Media Google News

આજી રિવરફ્રન્ટ પ્રોજેકટની બજેટમાં ઘોર ઉપેક્ષા

આજી નદીના બંને તરફ ઈન્ટર સેપટીંગ સીવર અને અન્ય કામો માટે સામાન્ય રકમ ફાળવાઈ

નવનિયુકત મેયર ડો.પ્રદિપ ડવે આજી રિવરફ્રન્ટ પ્રોજેકટને પોતાનો મહત્વકાંક્ષી અને ડ્રિમ પ્રોજેકટ ગણાવ્યો છે. વર્ષોથી મહાપાલિકાના સત્તાધીશો આજી રિવરફ્રન્ટ પ્રોજેકટને સાકાર કરવાની મસમોટી વાતો કરે છે પરંતુ આ પ્રોજેકટ આજ સુધી સાકાર થયો નથી. રામનાથ મહાદેવ આજે પણ ગંદકીમાં બિરાજમાન હોય તેવું ભાવિકો મહેસુસ કરી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં મહાદેવ પરથી જાણે ગટરના પાણી વહેતા હોય તેવો ભાસ થતો હોય છે. આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કદની દ્રષ્ટિએ ઐતિહાસિક કહી શકાય તેવું મહાપાલિકાનું 2275.80 કરોડનું કદાવર બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે પરંતુ તેમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેકટની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. માત્ર હાજરી પુરાવવા પુરતી નાણાકિય જોગવાઈ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ કયારે સાકાર થશે તે કહેવું અને કરવું મુશ્કેલ બની રહ્યું છે. શહેરના પ્રથમ નાગરીક તરીકે જયારે પ્રદિપ ડવે ચાર્જ સંભાળ્યો ત્યારે એવું કહ્યું હતું કે, આજી રિવરફ્રન્ટ એ મારો ડ્રિમ પ્રોજેકટ છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર માટે આ પ્રોજેકટ માત્ર સામાન્ય આયોજનથી વિશેષ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણકે આજી રિવર રિ-ડેવલોપમેન્ટ અંતર્ગત આજી નદીના બંને તરફ ઈન્ટર સેપીંગ રિવર અને આનુસંગિક કામો માટે રૂા.7.5 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને આ રકમમાં માત્ર આજી રિવરફ્રન્ટનો નહીં પરંતુ અન્ય એક-બે પ્રોજેકટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરની આગવી ઓળખ ઉભી થાય તે હેતુથી રેસકોર્સ, રાંદરડા લેક ડેવલોપમેન્ટ અને આજી રિ-ડેવલોપમેન્ટ જેવા કામનો સમાવેશ ચોકકસ બજેટમાં કરવામાં આવ્યો છે પરંતુ તેને જેટલી નાણાકિય જોગવાઈ કરવી જોઈએ તેટલી કરવામાં આવી નથી. શહેરના મધ્યમમાંથી પસાર થતી આજી નદીની જો કાયાપલટ કરવામાં આવે તો વાસ્તવમાં રાજકોટ સ્માર્ટ સિટી બની જાય તેમ છે અને આખા દેશમાં શહેરનો ડંકો વાગે તેમ છે પરંતુ ન જાણે કેમ આ પ્રોજેકટ વર્ષોથી માત્ર ફાઈલોમાં અટવાયેલો રહેલો છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડદ્વારા થોડુ ઘણુ કામ કરીને  પ્રોજેકટને પડતો મુકી દેવામાં આવ્યો છે. હવે એવું લાગી રહ્યું છે કે, શું રામનાથ મહાદેવે અને ત્યાં દર્શને આવતા શિવભકતોએ કાયમ માટે ગટરના ગંધાતા પાણીની વાંસ સહન કરવી જ પડશે ? અન્ય સામાન્ય પ્રોજેકટ માટે પણ કરોડોની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે ત્યારે આજી રિવરફ્રન્ટ પ્રોજેકટની ઘોર ઉપેક્ષા કરાઈ છે અને માત્ર નામ પુરતી સામાન્ય રકમ ફાળવી દેવામાં આવી છે.  નવનિયુકત મેયર ડો.પ્રદિપ ડવ જેને પોતાનો ડ્રિમ પ્રોજેકટ ગણાવી રહ્યા છે તે આજી રિવરફ્રન્ટ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હવે કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.