Abtak Media Google News

એડવાન્સ ટેકસમાં ગત વર્ષની સરખામણીમાં આવકવેરા વિભાગને ૬૮ ટકાનો થયો ફાયદો

૨.૧૨ લાખ નવા કરદાતાઓના ટાર્ગેટની સામે ૧.૪૨ નવા કરદાતાઓ નોંધાયા

ગત વર્ષની સરખામણીમાં રિવાઈઝડ ટાર્ગેટ વધુ હોવાથી વેરા વસુલાતમાં જોવા મળી રહ્યો છે થોડો ઘટાડો

આવક વેરા વિભાગ દ્વારા ૩૧ માર્ચ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આવકવેરા વિભાગ દ્વારા કર વસુલવાની કામગીરીને જાણે વેગ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર ગત વર્ષની સરખામણીમાં આવકવેરા વિભાગ રેવન્યુ કલેકશનમાં ઘણો સારો ગ્રોથ મળ્યો છે. પરંતુ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તેમાં મહદઅંશે વધારો પણ જોવા મળ્યો છે જેને લઈ કલેકશન ટાર્ગેટની સરખામણીમાં ઓછુ થયું હોવાનું પણ સામે આવ્યું છે.

ગત વર્ષની સરખામણીની વાત કરવામાં આવે તો ગત વર્ષે રાજકોટ આવકવેરા વિભાગનો ૨૮૯૦ હજાર કરોડનો ટાર્ગેટ નિર્ધારીત કરવામાં આવ્યો હતો. જયારે ચાલુ વર્ષે આવકવેરા વિભાગને ૨૯૦૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેને પહોંચી વળવા રાજકોટ આવકવેરા વિભાગ તનતોડ મહેનત કરી રહ્યું હોય અને કલેકશન માટે અનેકવિધ પ્રકારની વ્યૂહરચના ઘડવાની પણ વાત સૂત્રો દ્વારા સામે આવી રહી છે.

જયારે આવકવેરા વિભાગના નેટ બજેટ કલેકશનની વાત કરવામાં આવે તો ૧૮ માર્ચ ૨૦૧૯ સુધીમાં આવકવેરા વિભાગનું કલેકશન ૨૪૪૩ કરોડનું રહ્યું હતું. કે જે, ગયા વર્ષે ૧૯૪૦ કરોડ જેટલું રહ્યું હતું. ત્યારે કહી શકાય કે ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગનું જે બજેટ કલેકશન છે તે ગત વર્ષની સરખામણીમાં ૨૭ ટકાનો વધારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે બાકી રહેતા ૧૩ દિવસમાં પણ આંકડો નવા શિખર પર પહોંચે તેવી પણ આશા સેવાઈ રહી છે.

આવકવેરા વિભાગમાં એડવાન્સ ટેકસ કલેકશન તે હરહંમેશ મુખ્ય પ્રશ્ન અને સતાવતો મુદ્દો રહ્યો છે પરંતુ રાજકોટ શહેરમાં એડવાન્સ ટેકસની વસુલાત પણ ખુબજ ઐતિહાસિક માનવામાં આવી રહી છે. ગત વર્ષે આવકવેરા વિભાગ દ્વારા એડવાન્સ ટેકસ પેટે ૧૬૮૦ કરોડની વસુલાત કરી હતી. જયારે ચાલુ નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૨૩૦ કરોડનું કલેકશન કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યાનુસાર ગત વર્ષની સરખામણીમાં કર વસુલાતમાં આવકવેરા વિભાગને ઘણો ફાયદો થતાં તે અન્ય કરતા આગળ રહ્યું છે. પરંતુ જે રિવાઈઝડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેની પહોંચી વળવા વિભાગ દ્વારા ખૂબજ મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, બાકી રહેતા ૧૩ દિવસમાં જે નિર્ધારીત કરવામાં આવેલા રિવાઈઝડ ટાર્ગેટને રાજકોટ આવકવેરા વિભાગ પહોંચી વળે છે કે કેમ ? રિવાઈઝડ ટાર્ગેટને વાત કરવામાં આવે તો તેના જવાબમાં વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રિવાઈઝડ ટાર્ગેટ નકકી કરવા માટે કોઈપણ પ્રકારના ધારાધોરણ રહેતા નથી.

પરંતુ જે તે વિસ્તારમાં અને જે સ્થળ પર કલેકશન ઓછુ થયું હોય તેને સરભર કરવા માટે જે આંકડો આપવામાં આવતો હોય તેને અનુસંધાને રિવાઈઝડ ટાર્ગેટ જે તે વિસ્તાર અને રિઝીયન માટે નકકી કરાતો હોય છે. વાત કરવામાં આવે રાજકોટ શહેરની તો રાજકોટ શહેરનો જે નિર્ધારીત કરેલ ટાર્ગેટ હોય કે જે રાજકોટ કે સૌરાષ્ટ્રના વિસ્તારને આવરી લેવામાં આવતું હોય તેની સરખામણીમાં રાજકોટનો ટાર્ગેટ ઉંચો આપવામાં આવતો હોય છે. ત્યારે કહી શકાય કે કોઈપણ નીતિ નિયમ કે ધારાધોરણ વીના અન્ય કલેકશનને સરભર કરવા માટે રિવાઈઝડ ટાર્ગેટ અપાય છે.

ચાલુ વર્ષમાં આવકવેરા વિભાગ દ્વારા ૧૯ માર્ચ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો નવા એસએસસી ૧.૪૨ લાખ રહ્યાં છે જયારે સીબીડીટી દ્વારા રાજકોટને નવા એસએસસીનો ટાર્ગેટ ૨.૧૨ લાખનો આપવામાં આવ્યો હતો. એટલે કયાંકને કયાંક કહી શકાય કે નવા એસએસસીની વૃદ્ધિમાં ૬૭ થી ૬૮ ટકાનો ગ્રોથ રેટ જોવા મળ્યો છે જે ખૂબજ સરાહનીય કહી શકાય.

ચાલુ વર્ષમાં આવકવેરા વિભાગ દ્વારા અનેકવિધ મોટી આવક વેરાની રેઈડ હાથ ધરવામાં આવી હતી અને તેમાં જે કલેકશન હાથ ધરવામાં આવ્યું છે તે આડકતરી રીતે આવકવેરા વિભાગ દ્વારા જે વેરો વસુલવામાં આવી રહ્યો છે તેની અસર જોવા મળશે પરંતુ તે ચાલુ નાણાકીય વર્ષમાં નહીં પરંતુ આવતા નાણાકીય વર્ષમાં તેની અસર જોવા મળી શકે છે. ત્યારે કહી શકાય કે માર્ચ એન્ડીંગ આવતાની સાથે જ આવકવેરા વિભાગ સજ્જ થઈ જતાં બાકી રહેતો કર વસુલવામાં આવી રહ્યો છે અને સીબીડીટી દ્વારા જે ટાર્ગેટ નિર્ધારીત કરવામાં આવ્યો છે તેની પહોંચી વળવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.