Abtak Media Google News

ભાદરમાંથી ૪૦ એમએલડીના બદલે માત્ર ૧૦ એમએલડીનો ઉપાડ: બેડી ફિલ્ટર પ્લાન્ટની કેપેસીટી બમણી કરાઈ

ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અપુરતા વરસાદને કારણે શહેરની જળ જ‚રીયાત સંતોષતા એક પણ જળાશયમાં સંતોષકારક પાણીની આવક થવા પામી ન હતી. હાલ રાજય સરકાર દ્વારા શહેરના મુખ્ય બે જળાશયો આજી ડેમ અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠલવાઈ રહ્યાં છે. ભાદરમાંથી પણ પાણીનો ઉપાડી માત્ર ૨૫ ટકા જ કરી દેવામાં આવતા હવે રાજકોટ પાણી પ્રશ્ર્ન સંપૂર્ણપર્ણે નર્મદાના નીર પર આધારીત થઈ ગયો છે. દૈનિક ૨૭૭ એમએલડીની જ‚રીયાત સામે ૨૬૭ એમએલડી પાણી નર્મદાનું ઉપાડવામાં આવી રહ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટને ભાદર ડેમમાંથી દૈનિક ૪૦ એમએલડી પાણી મળે છે. આગામી ૩૧મીના રોજ ડેમ ડુકી જાય તેવી સ્થિતિ છે. આવામાં ભાદર ડેમમાંથી રોજ ૪૦ એમએલડીના બદલે હવે ૧૦ એમએલડી પાણી ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની ઘટ પૂરી કરવા માટે બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૨૫ને બદલે ૫૦ એમએલડી નર્મદાનું પાણી લેવામાં આવશે અને રૈયાધાર ખાતે ૫૪ એમએલડી નર્મદાના નીર લેવામાં આવશે.

ભાદર ડેમમાંથી જે પાણી ઉપાડવામાં આવે છે તેનું વિતરણ જયુબેલી અને ગુરુકુળ ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૨,૩,૭,૧૩ અને ૧૪ના વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. હાલ ભાદરનું પાણી ઘટાડી નર્મદાનું પાણી વધારી બેડી ફિલ્ટર પ્લાન્ટથી ગુરુકુળ અને જયુબેલી પંમ્પીંગ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી વિતરણ કરવામાં આવી રહ્યું હોવા છતાં એક પણ વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા કે સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જો ભાદરનું પાણી ઝીરો થઈ જશે ત્યારે અમુક વિસ્તારમાં પાણી વિતરણનો સમય પણ ફરશે. હાલ શહેરના ૧૮ વોર્ડમાં દૈનિક ૨૭૭ એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. જે પૈકી સ્થાનિક સ્ત્રોતમાંથી માત્ર ૧૦ એમએલડી પાણી ઉપાડવામાં આવતું હોય રાજકોટ પાણી મામલે આજથી સંપૂર્ણપર્ણે નર્મદાના નીર પર આધારીત થઈ ગયું છે. જો કે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં હાલ નર્મદાના પાણી ઠલવાઈ રહ્યાં હોય રાજકોટવાસીઓને ૩૧મી જુલાઈ પાણીની કોઈ જ હાડમારી વેઠવી નહીં પડે.

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.