Abtak Media Google News

આજે ફરી પીજીવીસીએલની ૧ર૯  ટીમો મેદાનમાં: જામજોધપુર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી હાથ ધરાયું વીજ ચેકીંગ

પીજીવીસીએલ દ્વારા ગઇકાલે રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરનાં વિવિધ વિસ્તારોમાં ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં વીજ કર્મીઓએ દુકાન, મકાનો અને કારખાનાઓને ધમરોળીને રૂ ૩૮.૫૩ લાખની વીજ ચોરી પકડી પાડી હતી આજે ફરી પીજીવીસીએલે સુરેન્દ્રનગર, જામજોધપુર અને રાજકોટ શહેર ડીવીઝન-૧ હેઠળના વિસ્તારોમાં ૧૨૯ ટીમો મોકલીને વીજ ચેકીંગ હાથ ધર્યુ છે.

ગઇકાલે રાજકોટ શહેરમાં મવડી, કાલાવડ રોડ, રૈયા રોડ, નાનામવા સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં ૪૦ ટીમો દ્વારા ૭૯૭ વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. ૧૧૮ કનેકશન ગેરરીતી આચરતા હોવાનું માલુમ થતાં ૧૧.૭૮ લાખનો દંડ ફટકારવવામાં આવ્યો હતો. ચેકીંગ ડ્રાઇવમાં કોઠારીયા રોડ ઉપર ભવાનભાઇ ડાયાભાઇ સગર અને બાલા હનુમાનજી આશ્રમના રઘુનાથજી સોમનાથજી તેમજ ગીતાબેન ધનજીભાઇ નામના આસામીઓ મીરટ બાયપાસ કરી થાંભલામાંથી ડાયરેકટ વીજ કનેકશન લેતા ઝડપાયા હતા. તેઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં પટેલ કોલોની, સાત રસ્તા  વિસ્તારમાં વિજ ચેકીંગ દરમિયાન ૧૦૦ કનેકશનોમાં ગેરરીતી જણાતા ૧૦.૫૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના લીમડી, ચુડા, સાયલા અને મુળી સહીતના વિસ્તારોમાંથી રૂ ૧૬.૧૮ લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. આજરોજ વહેલી સવારથી પીજીવીસીએલ દ્વારા ફરી ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી છે. સુરેન્દ્રનગર ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી, થાન સહીતના વિસ્તારોમાં ૩૪ ટીમોએ વીજચેકીંગ હાથ ધર્યુ છે. જામનગર સર્કલના જામજોધપુર ડીવીઝનમાં આવતા પાંચ ફીડરો હેઠળના વિસ્તારોમાં પીજીવીસીએલની ૩૬ ટીમોએ વીજચેકીંગ હાથ ધર્યુ છે. આ ઉપરાંત રાજકોટ શહેર ડીવીઝન-૧ માં આજી-૧, આજી-ર, કોઠારીયા રોડ સબ ડીવીઝન હેઠળ આવતા વિસ્તારોમાં ૩૯ ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સાંજ સુધીમાં ત્રણેય ડીવીઝન હેઠળના વિસ્તારોમાં યોજાયેલી ચેકીંગ ડ્રાઇવમાં પકડાયેલી વીજચોરીના સતાવાર આંકડા જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.