Abtak Media Google News

ટ્રાયલ ફિડ વેળાએ રોડ નીચે અલગ-અલગ પાઇપલાઇન હોવાના કારણે રોડની લગોલગ નવી ડીઆઇ પાઇપલાઇન ફીટ કરી દેવાઇ: સિટી એન્જીનિયરની સાઇટ વિઝીટ દરમિયાન ભગો સામે આવ્યો

શહેરના વોર્ડ નં.1માં નાગેશ્રવર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પીવાના પાણી માટે કરોડો રૂપિયાના ખર્ચે નવી ડીઆઇ પાઇપલાઇન બિછાવવામાં આવી છે. એક મહિના પહેલા આ કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. દરમિયાન પાઇપલાઇન નાખવાના કામમાં લોચ્ચો મરાયો હોવાનું ધ્યાન આવતા હવે 265 મીટરની પાઇપલાઇનનું શિફ્ટીંગ કરવાની નોબત ઉભી થવા પામી છે.

વોર્ડ નં.1માં નાગેશ્રવર મેઇન રોડ પર 350 મીટર એરિયામાં ડીઆઇ પાઇપલાઇન નાંખવાનું હાલ ચાલી રહ્યું છે. જેમાં અગાઉ ટ્રાયલ ફીડ દરમ્યાન રોડની બંને બાજુ ખોદકામ વેળાએ પાણીની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન અને મોબાઇલ કં5નીઓની પાઇપલાઇન બિછાવવામાં આવેલી હોવાના કારણે ઇજનેરો દ્વારા કોન્ટ્રાક્ટરને રોડની લગોલગ ડીઆઇ પાઇપલાઇન બિછાવવા માટે સૂચના આપવામાં આવી હતી. તાજેતરમાં વેસ્ટ ઝોન કચેરીના સીટી એન્જીનીંયરે કામની મુલાકાત લીધી હતી. તેઓના ધ્યાનમાં એ વાત આવી હતી કે ડીઆઇ પાઇપલાઇન 24 મીટરના રોડની બરોબર બાજુમાં બિછાવવામાં આવી રહી છે. જો ભવિષ્યમાં રોડને પહોળો કરવામાં આવે તો પાઇપલાઇનના કારણે કેટલીક મુસીબત ઉભી થાય તેમ છે. ભવિષ્યમાં કોઇ મુસીબત ઉભી ન થાય તે માટે સંબંધિત એજન્સીને 265 મીટર ડીઆઇ પાઇપલાઇન જે બિછાવી દેવામાં આવ્યું છે. તે તાત્કાલીક અસરથી શિફ્ટીંગ નાંખવાની સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો સિટી એન્જીનીંયરે કામની સ્થળની મુલાકાત ન લીધી હોત અને કામ પૂરું થઇ ગયું હોત તો ભવિષ્યમાં જ્યારે આ 24 મીટરનો રોડ પહોળો કરવાની ફરજ પડે ત્યારે મહા મુસીબત ઉભી થાત.

હાલ 265 મીટર પાઇપલાઇનના શિફ્ટીંગ માટે કોન્ટ્રાક્ટરને અલગથી કેટલીક રકમ પણ ચૂકવવી પડશે. સામાન્ય રીતે જ્યારે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું અને કામ શરૂ કરાયું ત્યારે જો સિટી એન્જીનીંયરે સ્થળ વિઝીટ કરી લીધી હોત તો આવી કોઇ સમસ્યા ન સર્જાઇ હોત.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.