રાજકોટ: રીઢા બાકીદારોની 12 મિલકતોની નિલામીનું લીસ્ટ તૈયાર

ગોંડલ રોડ, ભૂપેન્દ્ર રોડ, જવાહર રોડ, મહિલા કોલેજ ચોક અને લીમડા ચોકમાં બાકીદારોની મિલકતને ટૂંકમાં જાહેર હરરાજી

વર્ષોથી વેરો ભરપાઇ ન કરનાર બાકીદારો સામે આકરી કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન દ્વારા ગત વર્ષે ટેક્સ રિક્વરી સેલ બનાવવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ બ્રાન્ચને રૂ.340 કરોડનો તોતીંગ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે અત્યાર સુધીમાં 185 કરોડની આવક થવા પામી છે. વારંવાર તાકીદ કરવા છતા વેરો ભરવાની તસ્દી ન લેનાર રીઢા બાકીદારોની 12 મિલકતોની જાહેર હરરાજી કરવા માટે લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ મિલકતોની હરરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ટેક્સ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાનુસાર રૂ.1 લાખથી વધુનો બાકી વેરો ધરાવતા 12 મિલકત ધારકોની મિલકતની નિલામીની ફાઇલ મ્યુનિ.કમિશનરના ટેબલ પર મૂકી દેવામાં આવી છે. જેમાં ગોંડલ રોડ પર અંજતા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ભૂપેન્દ્ર રોડ પર વિનાયકા પ્લસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, જવાહર રોડ પર ઓપેરા ટાવર, મહિલા કોલેજ ચોક પર કોસ્મો કોમ્પ્લેક્સ, ગોંડલ રોડ પર પ્રમુખ સ્વામી આર્કેડ અને લીમડા ચોકમાં આલાપ બી- કોમ્પ્લેક્સમાં 12 મિલકતો સીલ કરવામાં આવશે.