નવરાત્રી મહોત્સવ માટે કોર્પોરેશન આઠ મેદાન-પ્લોટ ભાડે આપશે: ટેન્ડર પ્રસિધ્ધ

રેસકાર્સ મેદાન, નાના મવા સર્કલ અને સાધુ વાસવાણી રોડ પરના પ્લોટનું અપસેટ ભાડું રૂ.6, જ્યારે અમિન માર્ગ, મોરબી રોડ અને રૈયા રોડ પરના પ્લોટનું અપસેટ ભાડું રૂ.5: 10 ઓગસ્ટ સુધી ટેન્ડર ભરી શકાશે

આગામી 24 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી નવરાત્રીના તહેવારમાં રાસોત્સવ માટે રેસકોર્ષ ગ્રાઉન્ડ સહિત અલગ-અલગ આઠ પ્લોટ ભાડે આપવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

જેમાં ચાર પ્લોટનું રોજનું ભાડું પ્રતિ ચોરસ મીટર રૂ.6 અને ચાર પ્લોટનું ભાડું દૈનિક રૂ.5 નક્કી કરવામાં આવ્યું છે. આ અપસેટ ભાડું સૌથી વધુ ભાડું ચૂકવનારને નવરાત્રી મહોત્સવ માટે પ્લોટ કે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવશે. 10મી ઓગસ્ટ સુધીમાં ટેન્ડર ઉપાડી સબમિટ કરવાનું રહેશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નવરાત્રી મહોત્સવ માટે રેસકોર્ષ મેદાનનો ભાગ એ-નો 11430 ચોરસ મીટર ભાગ, રેસકોર્ષ મેદાન બી-નો 11425 ચોરસ મીટર ભાગ, નાના મવા સર્કલ પાસે એચપીસીએલના પેટ્રોલ પંપ પાસેનો 9438 ચો.મી, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામેનો 5388 ચો.મી.નો પ્લોટ, રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમની બાજુનો 3073 ચો.મી.નો પ્લોટ, અમિન માર્ગના કોર્નર પર 4669 ચો.મીનો પ્લોટ, મોરબી રોડ પર મધુવન પાર્ક પાસે ફાઇનલ પ્લોટ નં.6371 ચો.મી.નો પ્લોટ અને ફાઇનલ પ્લોટ નં.95નો 5190 ચો.મી.નો પ્લોટ નવરાત્રીના 10 દિવસ માટે ભાડે આપવામાં આવશે. જેમાં પ્રથમ ચાર મેદાન અને પ્લોટનું અપસેટ ભાડું પ્રતિ દિન, પ્રતિ ચોરસ મીટર રૂ.6 જ્યારે બાકીના ચાર પ્લોટનું ભાડું પ્રતિ દિન, પ્રતિ ચો.મી. રૂ.5 નિયત કરવામાં આવ્યો છે.

ડિપોઝીટ પેટે રૂ.1 લાખ ભરવાના રહેશે. આ ઉપરાંત 10 ટકા વહિવટી ચાર્જ અને 18 ટકા મુજબ જીએસટીની રકમ અલગથી ભરવાની રહેશે. ટેન્ડર 10 ઓગસ્ટ સુધીમાં સબમિટ કરાવવાનું રહેશે.

  • નાના મવા સર્કલે ખાનગી મેળો ન યોજાઈ તેવા સંજોગો
  • બ્રિજનું નિર્માણકામ ચાલુ હોય ટ્રાફિક સહિતની સમસ્યાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા મંજૂરીને બ્રેક

સાતમ-આઠમના તહેવારમાં શહેરમાં અલગ-અલગ ચાર સ્થળોએ ખાનગી મેળા યોજવા માટે પ્લોટ ભાડે આપવા કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં એકમાત્ર નાના મવા સર્કલ ખાતેનો પ્લોટ ભાડે રાખવા માટે ઓફર આવી હતી. જેના થકી કોર્પોરેશનને 15 લાખની આવકનો અંદાજ હતો.

અહિં પણ મેળો યોજાય તેવી શક્યતા જણાતી નથી. કારણ કે અહિં બ્રિજનું નિર્માણકામ ચાલી રહ્યું હોવાના કારણે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફીક સહિતની સમસ્યાને ધ્યાનમાં રાખી મેળાને મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે મેળા પર હાલ સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે.