Abtak Media Google News
  • અતિ રોમાંચક ફાઇનલમાં છેલ્લા બોલે સુરત મેયર ઇલેવનને બે રને પરાજય આપી પ્રથમવાર ખિતાબ જીત્યો
  • સુકાની પુષ્કર પટેલ મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-ર0 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024ના ફાઇનલ મુકાબલામાં સુરત મેયર ઇલેવનને બે રને પરાજય આપી રાજકોટ મેયર ઇલેવન ચેમ્પિયનશીપ હાંસલ કરી છે. ફાઇનલ મેચ સહિત સમગ્ર ટુર્નામેન્ટમાં બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરનાર સુકાની પુષ્કરભાઇ પટેલને મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સીરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.

ઇન્ટર કોર્પોરેશન ટી-ર0 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કવાર્ટર ફાઇનલ મેચમાં રાજકોટ મેયર ઇલેવને ભાવનગરને અને સેમીફાઇનલમાં અમદાવાદ મેયર ઇલેવનને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગઇકાલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં રાજકોટ મેયર ઇલેવનના સુકાની પુષ્કરભાઇ પટેલે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત ર0 ઓવરના અંતે રાજકોટ મેયર ઇલેવને 9 વિકટના ભોગે 153 રન બનાવ્યા હતા. કવાર્ટર ફાઇનલમાં ભાવનગર સામે આક્રમક સદી અને સેમિફાઇનલમાં અમદાવાદ સામે 99 રન ફટકારનાર સુકાની પુષ્કરભાઇ પટેલે ફાઇનલમાં પણ માત્ર 3ર બોલમાં 60 રન ફટકાર્યાહતા.

154 રનના વિજયી લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી સુરત મેયર ઇલેવનની ટીમે બરાબરની ટકકર આપી હતી. મેચના અંતિમ બોલ પર સુરતને જીતવા માટે પાંચ રનની આવશ્યકતા હતી. જો બેટસમેન સિકસર મારે તો સુરત ચેમ્પિયન બને અને ચોકકો લાગવે તો ફાઇનલ મેચનું રિઝલ્ટ ટાઇ આવે અને સુપર ઓવરની ફરજ પડે દરમિયાન મેચના અંતિમ બોલે સુરતના બેટસમેન માત્ર બે રન બનાવવામાં સફળ રહેતા અત્યંત રોમાંચક બનેલા ફાઇનલ મેચમાં રાજકોટ મેયર ઇલેવનનો બે રને વિજય થયો હતો સુરત મેયર ઇલેવને નિર્ધારીત ર0 ઓવરના અંતે 151 રન બનાવ્યા હતા. ફાઇનલમાં 60 રન બનાવનાર પુષ્કર પટેલે બે વિકેટો પણ ઝડપી હતી.

આ ઉપરાંત કાળુભાઇ કુગશીયાએ બે અને દિલીપભાઇ લુણાગરીયાએ એક વિકેટ મેળવી હતી.રાજકોટ મેયર ઇલેવનને ઇન્ટર કોર્પોરેશન ટી-ર0 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવવામાં સુકાની પુષ્કરભાઇ પટેલનો સિંહ ફાળો રહ્યો હતો.

ટુર્નામેન્ટના કુલ ત્રણ મેચ રમાયા હતા. જેમાં ત્રણેયમાં પુષ્કરભાઇ પટેલ મેચ ઓફ ધી મેચ બન્યા હતા. ત્રણ મેચમાં 268 રન બનાવવા ઉપરાંત ચાર વિકેટો હાંસલ કરનાર પુષ્કર પટેલને મેચ ઓફ ધી સીરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મેયર ઇલેવન પ્રથમવાર ઇન્ટર કોર્પોરેશન ટી-ર0 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું છે.

મોડી રાત સુધી ટીમના સભ્યો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી. ફાઇનલ મેચ નિહાળવા અને ટીમનો ઉત્સાહ વધારવા માટે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, પૂર્વ મેયર પ્રદિપભાઇ ડવ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર ખાસ સ્ટેડીયમ ખાતે હાજર રહ્યા હતા. દરમિયાન આવતીકાલે મેયર નયનાબેન પેઢડીયાને ચેમ્પિયન ટીમ ટ્રોફી અર્પણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.