Abtak Media Google News

કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 24 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

રાજ્ય સરકારના આદેશના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણના રક્ષણ માટે મેયરના અધ્યક્ષસ્થાને સાત સભ્યોની કમીટી રચવામાં આવશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં આ ઉપરાંત અલગ અલગ 24 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ માનવ સિવાયના તમામ જીવોના સરક્ષણ માટેનું કાર્ય કરશે.

ભારત સરકાર દ્વારા વર્ષ 2022માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં કાર્યક્ષેત્રમાં જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના કરવાની જોગવાઈ કરવ્માં આવી છે. જેને રાજ્ય સરકાર દ્વારા પણ 2010માં મંજુરી આપવામાં આવી છે. આ સમિતિની રચના કરવા તથા જરૂરી નાણાંકીય ફંડ આપવાની તમામ સત્તાઓ ગુજરાત બાયોડાયવોસિટી બોર્ડને આપવામાં આવી છે આ સમિતિમાં અધ્યક્ષની મુદત 3 વર્ષની અને સભ્યોની મુદત પાંચ વર્ષની રાખવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશના પગલે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના કરવા, કાર્યો નિયત કરવા અને થયેલી કામગીરીને બહાલી આપવા સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ સમિતિનાં અધ્યક્ષ મેયર ડો.પ્રદીપભાઈ ડવ રહેશે.

જ્યારે બે મહિલા સભ્ય તરીકે પૂર્વ ધારાસભ્ય-કોર્પોરેટર ભાનુબેન બાબરીયા અને વોર્ડ નં.17નાં નગરસેવિકા તથા બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગૌસ્વામી રહેશે. અનુસુચિત જાતિ અને જનજાતિના એક સભ્યનો સમાવેશ ફરજિયાત કરવાનો હોય તેમાં હાર્દિકભાઈ ગોહિલની નિમણૂંક કરવામાં આવશે અને જ્યારે અન્ય બે સભ્ય તરીકે વોર્ડ નં.8ના કોર્પોરેટર અશ્ર્વિનભાઈ પાંભર અનેં વોર્ડ નં.14ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ અને સમિતિના મંત્રી તરીકે ઝૂ સુપ્રીટેન્ડેન્ટ ડો.આર.કે.હિરપરા રહેશે. સમિતિએ તમામ જૈવિક સશાધનોના સુરક્ષણ અને સાતત્યપૂર્ણ ઉપયોગનું કામ કરવાનું રહેશે જૈવિક સંશાધનોંના ગેરકાયદે એકત્રીકરણ અટકાવવું જરૂર પડીએ વિવિધ વિષયો પર અભિપ્રાયો આપવા, અધિનિયમની જોગવાઈ મુજબ પોતાના કાર્યક્ષેત્રમાં રહી વાણિજ્ય હેતુઓ માટે જૈવિક સંશાધનો એકત્રીત કરવા માટે ફી વસુલવી, માહિતી રાખવી, પરંપરાગત જ્ઞાન, જૈવિક સંશાધનોના ઉપયોગ માટે આપવામાં આવેલી પરવાનગી, લાગુ પાડવામાં આવેલ એકત્રીકરણ ફી અને તેનાં લાભોની વહેચણી પ્રક્રિયા અને તેને રજિસ્ટ્રેશન નિભાવવું, દસ્તાવેજીકરણ કરવી સહિતની કામગીરી કરવી પડશે.

રેસકોર્સ સ્થિત છ સિન્થેટીક ટેનીસ કોર્ટ ભાડે અપાશે

કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ સંકુલમાં અલગ અલગ છ સ્ટેનીસ કોર્ટ બનાવવામાં આવી છે જે ભાડે આપવા માટે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અલગ અલગ છ એકેડમી દ્વારા ટેનીસ કોર્ટ ભાડે રાખવા માટે ભાવની ઓફર કરવામાં આવી હતી જેમાં બ્લોક નં.1માં કોર્ટ નંબર એ, બી,  અને સી, માં વર્ષાબેન રંગાણી- આલીયા ટેનીસ એકેડમી દ્વારા જ્યારે બ્લોક નં.2 કોર્ટ નંબર ડી, ઈ અને એફમાં એ.આર.ટેનીસ એકેડમી દ્વારા વધુ ભાવ આપવામાં આવ્યો છે. આ બન્ને એકેડમીને ત્રણ વર્ષ માટે કુલ 6 ટેનીસ કોર્ટ ભાડે આપવામાં આવશે જે પેટે મહાનગરપાલિકાની દર વર્ષે 14.50 લાખની આવક થશે.

ઓડીટ રિપોર્ટમાં રૂા.11.45 લાખના ઓવર પેમેન્ટનો ગફલો પકડાયો

ધી. જી.પી.એમ.સી એકટની કલમ 305ની જોગવાઈ હેઠળ તા.1-7-2021 થી તા.30-9-2021 સુધીનાં ત્રીમાસિક ઓડીટ રિપોર્ટ લક્ષમાં લેવા સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં ડ્રેનેજ શાખા, સોલિડવેસ્ટ શાખા, ગાર્ડન શાખા, વોટરવર્કસ શાખા, સમાજ કલ્યાણ શાખા, સેન્ટ્રલ સ્ટોર શાખા, બાંધકામ શાખા અને આરોગ્ય શાખામાં મુકાયેલા બિલ કરતાં રૂા.11.45 લાખનું પેમેન્ટ વધુ ચુકવાયું હોવાનું બહાર આવ્યું છે. જ્યારે રૂા.1.37 લાખની અંડર પેમેન્ટ થયું હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

અંબિકા ટાઉનશીપમાં કોર્પોરેશન બગીચો-બાલ ક્રિડાંગણ બનાવશે

શહેરનાં વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં વેદાંત એપાર્ટમેન્ટની સામે અને તુલસી એપાર્ટમેન્ટ નજીક મહાપાલિકા દ્વારા રૂા.26.15 કરોડના ખર્ચે બગીચો અને બાલક્રિડાંગણ બનાવવામાં આવશે. આ અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ખર્ચ મંજુરી અંગે દરખાસ્તમાં નિર્ણય લેવામાં આવશે.  વોર્ડ નં.11માં મવડી વિસ્તારમાં અંબિકા ટાઉનશીપમાં ટીપી સ્કીમ નં.26 (મવડી)ના ફાઈનલ પ્લોટ નંબર 13/એ માં બગીચો બનાવવા માટેના અનામત પ્લોટમાં બગીચો અનેં બાલક્રિડાંગણ માટે જરૂરી કામકાજ કરવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.  આ કામ માટે રૂા.32.50 લાખનું એસ્ટીમેન્ટ રાખવામાં આવ્યું હતુ. મુળ એસ્ટીમેન્ટ કરતાં 11.87 ટકા વધુ ભાવ સાથે સોમનાથ એન્ટરપ્રાઈઝે આ કામ 36.35 લાખમાં કરવાની તૈયારી દર્શાવતાં તેને આ કામ સોંપવામાં આવશે.

ઈ-ઓકશનમાં 24 વાહનો હરરાજી માટે મુકાયા, વહેંચાયા માત્ર 12

વધુ ભાવ મળે રહે તે માટે કોર્પોરેશન દ્વારા જુના વાહનો, જુનો ઓટો સ્ક્રેપ, ટયુબ ટાયર અને બડેલા ઓઈલનું ઈ-ઓકશન કરવામાં આવે છે. ગત ઓકટોબર માસમાં અલગ અલગ છ લોટ બનાવી કુલ 24 વાહનો ઈ-ઓકશન માટે મુકવામાં આવ્યા હતાં. જેમાં અલગ અલગ ત્રણ લોટમાં અપશેટ કિંમત કરતાં ઓછા ભાવે વાહન ખરીદી માટેની ઓફર આવી હતી.

જ્યારે અન્ય ત્રણ લોટમાં છ વાહનોની અપશેટ કિંમત રૂા.1.15 લાખ સામે રૂા.1.68 લાખ, લોટ સી માં ત્રણ વાહનોની રૂા.3.45 લાખની અપશેટ કિંમત સામે રૂા.4.04 લાખ અને લોટ ડી માં ત્રણ વાહનોની રૂા.3.50 લાખની અપશેટ કિંમત સામે રૂા.4.82 લાખની ઓફર આવી છે. આમ અલગ અલગ ત્રણ લોટના 12 વાહનોની 8.10 લાખની અપશેટ કિંમત સામે રૂા.10.54 લાખની ઓફર આવતાં આ 12 વાહનોનું વહેચાણની મંજુરી આપવા સ્ટેન્ડીંગમાં દરખાસ્ત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.