Abtak Media Google News

રિસામણે રહેલી પત્નીને તેડવા ગયા બાદ આવેલા ટોળાએ કર્યો હુમલો

શહેરના કુવાડવા રોડ પર બેનનુ ઉપરાણું લઈ ભાઈઓ સહિતના સાગરીતોએ માતા પુત્રને ઢીબી નાખ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. રિસામણે ગયેલી પરિણીતાને તેડવા ગયા બાદ આવેલા ભાઈઓ સહિતના ટોળાએ બનેવી અને તેની માતાને માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા અને મોલમાં નોકરી કરતા વિશાલભાઈ કિશોરભાઈ મૂળિયાં (ઉ.વ.28) અને તેની માતા રમાબેન મૂળિયાં (ઉ.વ.55) પર પ્રતીક, ભોલો પરમાર અને કિશન સહિતના ટોળાએ માર મારતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની વધુ મળતી વિગત મુજબ વિશાલની પત્ની દ્રષ્ટિ રિસામણે જતી રહી હતી. જેથી વિશાલ અને તેના પરિવારજનો સમાધાન કરવા માટે દ્રષ્ટિના પિયર રાજલક્ષ્મી સોસાયટી ગયા હતા. પરંતુ સમાધાન ન થતા પરત આવી ગયા હતા. ત્યાર બાદ રાત્રીના 11:30 આસપાસ દ્રષ્ટિના ભાઈ પ્રતીક, ભોલો અને કિશન સહિતનું ટોળું વિશાલના ઘરે આવ્યું હતું.

જ્યાં માથાકૂટ કરી આ તમામ શખ્સોએ વિશાલ અને તેની માતા રમાબેન પર હુમલો કર્યો હતો. જેમાં ઘવાતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.