Abtak Media Google News

રાજકોટ શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ખાળવા અને દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. જેના ભાગરૂપે રાજકોટની સમરસ હોસ્પિટલ ખાતે દર્દીઓને સત્વરે ઓક્સિજન સહિતની તમામ સારવાર મળી રહે તે માટે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20 હજાર લિટર ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સમરસ હોસ્ટેલ ખાતે ઉભી કરવામાં આવી રહી છે.

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ તથા સમાજ અગ્રણીશ્રી રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે, સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું છે તેનો સમાજના હિતાર્થે ઉપયોગ કરવામાં અમે પાછી પાની નહીં કરીએ. સાથે મળીને કોરોનાની મહામારીમાંથી મહામુલી માનવજાતને બચાવવા માસ્ક પહેરીએ, સોશ્યલ ડિસ્ટંસિંગ જાળવીએ, સમયસર હાથ ધોઈએ, સ્વસ્થ રહીએ અને અન્યને સુરક્ષીત રાખીએ. ફાલ્કન પરિવારના જગદિશભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજા રોટલો અને ઓટલો આપવામાં હમેશા આગળ રહી છે. આવી મહામારીના સમયમાં માનવધર્મને બચાવવા માટે ખંભે-ખંભા મીલાવીને માનવજાતને બચાવીએ અને આગળ વધીએ.

સમરસ હોસ્ટેલમાં 20,000 લીટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનાથી  800 લોકોની હોસ્પિટલમાં દૈનિક 200 લોકોને જીવનદાન આપી શકાશે.શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશન અને ફાલ્કન પરિવારનો જિલ્લા વહીવટી તંત્રએ આભાર માન્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે કે હાલમાં સમરસ હોસ્ટેલ ખાતે 1000 લીટરની ક્ષમતાવાળા 8 ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. હજાર લિટરની આઠ ટેન્કોને અત્રેથી મુક્ત કરીને અન્ય સેન્ટર પર કાર્યરત કરવામાં આવશે. મહત્તમ દર્દીઓને સારવાર આપતી વખતે ઓક્સિજનની અછત ના સર્જાય તેવા શુભાશય સાથે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના સહકારથી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેમ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલે  જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.