રાજકોટ: સિવિલ હોસ્પિટલના ઈલેકટ્રીક પેનલમાં નોળિયો ઘૂસી જતા ભડાકા

શોર્ટ-સર્કિટના કારણે નોળીયાનું મોત: તંત્રમાં નાસભાગ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમએસવાય બિલ્ડિંગમાં અચાનક નોળિયો ઘૂસી ગયાની ઘટના સામે આવી હતી. જેને પગલે સ્ટાફમાં નાસભાગ મચી જવા પામી હતી. એ સમયે નોળિયો પણ બિલ્ડીંગની અંદર આવેલ ઈલેક્ટ્રીક પેનલના રૂમમાં ઘૂસી ગયો હતો.

જેને પગલે શોર્ટ સર્કિટ સર્જાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જોકે શોર્ટ સર્કિટના કારણે ઇલેક્ટ્રીક પેનલના રૂમમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. એ સમયે સિક્યુરિટીની સ્ટાફ દ્વારા મૃત નોળીયાને બહાર કાઢવામાં આવ્યો હતો અને ફાયર સ્ટાફ દ્વારા ઇલેક્ટ્રીક સર્કિટમાં લાગેલી આગને બુઝાવવામાં આવી હતી.જેને પગલે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમએસવાય કોવિડ બિલ્ડીંગમાં નોળિયો ઘૂસી જવાની ઘટના સામે આવતા શરૂઆતમાં કોઈને આ વાતનું ધ્યાન ન ગયું હતું. પરંતુ હોસ્પિટલના સ્ટાફના ધ્યાનમાં જતા નોળિયાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી એ વખતે નોળિયો આમ તેમ ફરતા બિલ્ડિંગમાં નાસભાગ મચી જવા પામ્યો હતો.