રાજકોટ; પુષ્કરધામમાં દારૂના નશામા ધૂત પતિએ પત્નીને ઢોર માર માર્યો

શહેરમાં પુષ્કરધામ વિસ્તારમાં આવેલા કેવલમ ચાર માળીયા કવાર્ટરમાં દારૂના નશામા ધૂત પતિએ પત્નીને ઢોર માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે અન્ય બનાવમાં રામેશ્વર વાડી પાસે બહેનના ઘરે જમવા જતા પરિણીતા પર તેના પતિએ છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પુષ્કરધામ કેવલમ ચાર માળીયા કવાર્ટરમાં રહેતી શિતલબેન જયેશભાઈ પોપટ નામની 39 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પતિ જયેશ પોપટે દારૂના નશામાં શિતલબેન પોપટને ઢોર માર માર્યો હતો. શિતલબેન પોપટને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

જ્યારે બીજા બનાવમાં હરિઘવા રોડ પર રામેશ્ર્વર વાડી પાસે રહેતી મિરાબેન યાજ્ઞિકભાઈ જાટીયા નામની 27 વર્ષની પરિણીતા ગોકુલ પાર્કમાં પોતાની બહેનના ઘરે જમવા માટે ગઈ હતી. ત્યારે પતિ યાજ્ઞીક જાટીયાએ આવી ઝઘડો કરી પત્ની મીરાબેન જાટીયાને છરીના ઉંધા ઘા ઝીંકયા હતાં. પરિણીતાને ઈજા પહોચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે