રાજકોટ: ગ્રીનલેન્ડ ચોકડી પાસે ખાનગી બસમાંથી જામનગરના યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો

સુરતથી જામજોધપુર જતી સ્લીપર કોચ બસમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ક્રિષ્ના ખાનગી બસ જીજે – ૨૪ એક્ષ – ૨૬૪૧માંથી જામનગરના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટના બી – ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. ઘટનાના પગલે હત્યાની શંકા દર્શાવી મોતનું સચોટ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલમાં ખસેડયો છે.

સુરતથી આવતી સ્લીપર કોચ બસમાંથી રાજકોટ સ્ટેશન આવતા પેસેન્જર ઉતરી રહ્યા હતા ત્યારે લોહીના ડાઘા દેખાતા તેઓએ બસના ડ્રાઈવરને જાણ કરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ સવારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થતી ક્રિષ્ના ખાનગી સ્લીપર કોચ બસમાંથી નીચેના કોચમાંથી જામનગરના પ્રવીણ વાઘેલા નામના યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ડીસીપી પ્રવીણકુમાર મીણા, એસીપી એસ.આર.ટંડેલ અને પીઆઈ એમ.સી. વાળા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

પોલીસે ઘટનાની નોંધ કરી મોતનું સચોટ કારણ જાણવા માટે યુવાનનો મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સુરતથી જામજોધપુર જતી ક્રિષ્ના સ્લીપર કોચ બસમાંથી એક યુવાનની લાશ મળી હતી. યુવાનના ગળાના ભાગે બ્લેડના છરકાના નિશાન મળી આવતા હત્યાની શંકાએ જોર પકડ્યું છે.

આ અંગે પોલીસમાં જન થતા તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યા મુજબ મૃતક જામનગરનો રહેવાસી પ્રવીણ વાઘેલા હોવાનુ જાણવા મળ્યુ હતું. પોલીસે યુવાનની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથધરી મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે.

થોડા દિવસ પહેલા સ્લીપર કોચ બસમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

ગુનાખોરીના વધતાં જતાં બનાવ સામે તેને આચરવાના પણ અનેક નવા રસ્તાઓ પણ નીકળી રહ્યા છે. આજરોજ વહેલી સવારે સ્લીપર કોચ બસમાંથી એક યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો. તો બીજી તરફ થોડા દિવસ પહેલા જ રાજકોટની સગીરાને સ્લીપર કોચ બસમાં બેસાડી ઢગાએ હવસનો શિકાર બનાવ્યો હતો. ક્રાઇમ સ્પોટ બાદ હવે હાઇવે પર દોડતા વાહનો જેમાં ખાસ સ્લીપર કોચ બસમાં વધતાં જતાં ગુનાહોના પગલે પોલીસ અને આરટીઓ શાખાએ ખાસ ધ્યાન દોરવાની નોબત ઊભી થઈ છે.