Abtak Media Google News
  • પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીનું ગઇકાલે સમાધાન થયા બાદ ગળામાં ઇજા સાથે મૃતદેહ મળ્યો
  • પરિવારના સભ્યની ગેર હાજરીમાં મૃતદેહને પાડોશીઓ હોસ્પિટલ લાવ્યા

શહેરની ભાગોળે કુવાડવા નજીક બેડી હડમતીયા ગામની પરિણીતાનો ગળામાં ઇજા સાથેનો મૃતદેહ મળી આવતા મૃતકના પિયર દ્વારા હત્યાની શંકા વ્યક્ત કરતા સનસનાટી મચી ગઇ છે.

Advertisement

મૃતકના પતિ સહિતના પરિવારની ગેર હાજરીમાં પાડોશી મૃતદેહ હોસ્પિટલ લાવતા મોત કંઇ રીતે થયું તે અંગેની ચોક્કસ માહિતી મેળવવા કુવાડવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ વિશેષ વિગત બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેડી હડમતીયા ગામે રહેતી ટિંવકલબેન હરદાસભાઇ ડોડીયા નામની 27 વર્ષની રજપૂત પરિણીતાને ગળામાં ઇજા સાથે મૃતદેહને પાડોશી હોસ્પિટલ લાવ્યા હતા. તે દરમિયાન મૃતકના પડધરી ખાતે રહેતી બહેન મિતલ પણ રાજકોટ હોસ્પિટલ દોડી આવી હતી. પોતાની બહેનની હત્યાની શંકા વ્યક્ત કરતા કુવાડવા પોલીસ મથકના પી.આઇ. ભાર્ગવ ઝણકાત સહિતના સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

પડધરીની ટિંવકલબેના ત્રણ વર્ષ પહેલાં બેડી હડમતીયા ગામના હરદાસ ડોડીયા સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો. તાજેતરમાં જ ટિંકવબેન અને તેના પતિ હરદાસ ડોડીયા વચ્ચે ઝઘડો થતા ટિંકલબેન પિયર જતા રહ્યા હતા અને બે દિવસ પહેલાં જ સમાધાન કરી બેડી હડમતીયા ગામે આવ્યા હતા.

સવારે ટિંવકલબેનનો મૃતદેહ પલંગ ઉપર પડેલો પાડોશીએ જોયો હતો ત્યારે હરદાસ ડોડીયાના પરિવારના કોઇ સભ્ય હાજર ન હતા. ટિંવકલબેન ડોડીયાએ ગળાફાંસો ખાધો હોય તો તેણીનો મૃતદેહ કોને નીચે ઉતાર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. બીજી તરફ મૃતકની બહેન મિતલબેન સહિતના પરિવારે ટિંવકલબેનની હત્યા કર્યાના કરેલા આક્ષેપના કારણે તેણીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

પોસ્ટમોર્ટમ થયા બાદ જ ટિંવકલબેનનું ગળુ દાબી હત્યા કરવામાં આવી છે કે, પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પી.આઇ. ભાર્ગવ ઝણકાંતે જણાવ્યું છે. પતિ-પત્ની વચ્ચે ચારિત્ર્યના પ્રશ્ર્ને ઝઘડો ચાલતો હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.

મૃતકનો પતિ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

બેડી હડમતીયાની ટિંવકલબેન હરદાસ ડોડીયા નામની 27 વર્ષની રજપૂત પરિણીતાના શંકાસ્પદ મોત અંગે મૃતકના પરિવાર દ્વારા હત્યાની શંકા વ્યક્ત કરી જ્યાં સુધી હોસ્પિટલે ટિંવકલબેનનો પતિ હરદાસ ડોડીયા ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. કુવાડવા પોલીસ દ્વારા મૃતકના પિયરના સભ્યોને સમજાવી રહ્યા છે. અને હરદાસ ડોડીયા ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.