Abtak Media Google News
  • અલગ-અલગ સાત યુનિયન દ્વારા કરાઇ સંકલન સમિતિની રચના: વિવિધ આંદોલાત્મક કાર્યક્રમ જાહેર: 16મીએ કાળી પટ્ટી ધારણ કરી ધરણાં પ્રદર્શન, 17મીએ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે, 22મીએ પેનડાઉન સ્ટ્રાઇક અને 30મીથી અચોક્કસ મુદ્તની હડતાલ

કોર્પોરેશનના કર્મચારીઓની પડતર માંગણી ઉકેલવામાં વહીવટી વિભાગના વડા દ્વારા દાખવવામાં આવતી ઢીલાશથી કોર્પોરેશનના સાત કર્મચારી યુનિયન દ્વારા સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. દરમિયાન પડતર પ્રશ્ર્નો મામલે આજે સંકલન સમિતિ દ્વારા મ્યુનિ.કમિશનર અમિત અરોરાને નોટિસ ફટકારવામાં આવી છે. જો પેન્ડિંગ પ્રશ્ર્નો ઉકેલવામાં નહિ આવે તો આગામી 16મીથી કર્મચારી યુનિયન દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ તાજેતરમાં કોર્પોરેશનના અલગ-અલગ સાત યુનિયન દ્વારા કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્ર્નો અંગે કર્મચારી યાત્રાના સ્વરૂપે આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દરમિયાન રાજકોટ મહાનગર પાલિકા કર્મચારી પરિષદ, રાજકોટ મહાનગર પાલિકા કર્મચારી મહામંડળ, રાજકોટ મહાનગર પાલિકા પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ, રાજકોટ મહાનગર પાલિકા ચોથા વર્ગ એકતા મંડળ, રાજકોટ મહાનગર પાલિકા ડ્રાઇવર એસોસિએશન, સફાઇ કામદાર જાગૃતિ મંડળ અને એન્જીનીયરીંગ એસોસિએશન દ્વારા યુનિયન સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે વલ્લભભાઇ પીપળીયા અને ઉપાધ્યક્ષ તરીકે બી.બી.જાડેજાની વરણી કરવામાં આવી છે. આજે સંકલન સમિતિ દ્વારા ઔદ્યોગીક તકરાર અધિનિયમની જોગવાઇ હેઠળ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને નોટિસ ફટકારવામાં આવી છે. આગામી 16મીથી આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. જેમાં 16મી સપ્ટેમ્બરે તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર પોકારશે અને ધરણાં પ્રદર્શન કરશે. 17મીએ તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે. 22મીના રોજ તમામ કર્મચારીઓ દ્વારા પેનડાઉન સ્ટ્રાઇક હાથ ધરશે. જ્યારે 30મી સપ્ટેમ્બર સુધીમાં જો પ્રશ્ર્નનો નિકાલ નહીં આવે તો કર્મચારીઓ અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતરી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.