Abtak Media Google News

ગુજસીટોક, જીએસટી, ગુજરાત નેશનલ લો યુનિ. સુધારા વિધેયક રજુ કરાશે

ગુજરાતની 14મી વિધાનસભાની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થવાની છે દિવાળી બાદ તુરત જ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે ત્યારે આગામી ર1 અને રરમી સપ્ટેમ્બરના રોજ બે દિવસ માટે વિધાનસભાનું ટુંક ચોમાસુ સત્ર મળશે જેમાં ત્રણ સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. અંતિમ સત્રમાં વિવિધ મુદ્દે ભાજપ સરકારને ઘેરવા વિપક્ષ કોંગ્રેસે અત્યારથી જ સત્ર સજાવવાનું શરુ કરી દીધું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને ગઇકાલે મળેલી રાજય સરકારના મંત્રી મંડળની બેઠકમાં આગામી ર1 અને રર સપ્ટેમ્બર એમ બે દિવસ વિધાનસભાનું ટુંક ચોમાસુ સત્ર બોલાવવાનો નિર્ણય લેવામા: આવ્યો છે આ અંગે રાજયપાલને પણ જાણ કરી દેવામાં આવી છે ચોમાસુ સત્ર દરમિયાન ગુજરાત સંગઠીત ક્રાઇમ (નિયંત્રણ) સુધારા વિધેયક-2022 (ગુજરાત ટોક બિલમાં સુધારો), ગુજરાત જીએસટી સુધારા વિધેયક-2022, ગુજરાત મ્યુનિસિપાલીટીઝ સુધારા વિધેયક-2022 અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક 2022 પસાર કરવામાં આવશે.

આગામી ર1 અને રર સપ્ટેમ્બરે મળનારા ચોમાસુ સત્રને 14મી વિધાનસભાનું અંતિમ સત્ર માનવામાં આવી રહ્યું છે. કારણ કે આગામી ર0મી ડિસેમ્બરે વિધાનસભાની મુદત પુર્ણ થઇ રહી છે. દિવાળી બાદ ગમે ત્યારે ચુંટણી જાહેર કરી દેવામાં આવશે. ચોમાસુ સત્રમાં મોંધવારી, બે રોજગારી, લમ્પી વાયરસ, લઠ્ઠાકાંડ, ડ્રગ્સ સહીતના મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસ રાજય સરકાર પર તડાપીટ બોલાવશે. વિપક્ષોએ શસ્ત્રો સજાવી લીધા છે બીજી તરફ સરકાર પણ વિપક્ષના આક્રમણને ખાળવા સજજ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.