Abtak Media Google News

પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી જ વિધાનસભા ચલાવશે: યુવાનોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના વડપણ હેઠળ ગુજરાત વિધાનસભામાં એક નવો જ પ્રયોગ થવા જઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી 21 જુલાઈએ એક દિવસીય સત્રનું આયોજન કરીને ગુજરાત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આ સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. આ અંગેના આયોજનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે અને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. 21 જુલાઈના રોજ આ કાર્યક્રમ થશે. પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી જ વિધાનસભા ચલાવશે. યુવાનોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને, ચર્ચા કેવી રીતે થાય વગેરે રૂબરૂ શીખી શકાય એ તેનો મુખ્ય હેતુ છે.

વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં કરન્ટ અફેર્સ અને ભારતીય રાજકારણની જાણકારી તથા બોલવાની કળા અંગેની ચકાસણી કરવામાં આવી હતી.

નવા મુખ્યમંત્રી સાથેનું નવું મંત્રીમંડળ

  • મિશ્રી શાહ   (વિધાનસભા અધ્યક્ષ-વડોદરા)
  • રોહન રાવલ   (મુખ્યમંત્રી-અમદાવાદ)
  • ગૌતમ દવે    (વિપક્ષ નેતા-ગાંધીનગર)
  • હર્ષ સાંઘાણી  (કૃષિમંત્રી-અમદાવાદ)
  • મનન ચાવડા  (શિક્ષણમંત્રી-અમરેલી)
  • યશ પટેલ    (રમતગમત મંત્રી-વડોદરા)
  • કશિશ કાપડી (પર્યાવરણ મંત્રી-અમદાવાદ)
  • મેઘાવી દવે   (કૂટીર ઉદ્યોગમંત્રી-ગાંધીનગર)
  • હર્ષિલ રામાણી (આદિજાતિ વિકાસ મંત્રી-અમદાવાદ)
  • જય વ્યાસ    (કાયદા મંત્રી-વડોદરા)
  • રાજન મારૂ   (ગ્રામ્ય વિકાસ-ગૃહ નિર્માણ મંત્રી-રાજકોટ)
  • નિલય ડાઘલ  (શ્રમ અને રોજગાર મંત્રી-સુરેન્દ્રનગર)
  • શ્રેયાલ પટેલ   (બાળ કલ્યાણ મંત્રી-અમદાવાદ)
  • શૃષ્ટિ નિહલાની (પેટ્રોલીયમ મંત્રી-વડોદરા)
  • યશસ્વી દેસાઇ (મત્સ્ય ઉદ્યોગમંત્રી-વડોદરા)
  • પ્રિન્સ  (સામાજીક-ન્યાય અધિકારીતા મંત્રી-અમરેલી)

જુદા-જુદા વિસ્તારમાંથી વિદ્યાર્થીઓની પસંદગી

અમદાવાદ-63, રાજકોટ-37, ગાંધીનગર-21, સુરત-16, વડોદરા-14, કચ્છ-10, અમરેલી-7, ગોંડલ-5, જામનગર-4, મહેસાણા-1, આણંદ-1 અને નડિયાદ-1

રિહર્સલ પણ કરવામાં આવ્યું

એક દિવસ માટે નક્કી કરવામાં આવેલા યુવા વિધાનસભાના કેબિનેટ મંડળના સભ્યો શનિવારના રોજ બપોરે ગાંધીનગર ખાતે આવ્યા હતા. વિધાનસભા ખાતે તમામ સભ્યોએ સાંજના 6.30 વાગ્યા સુધી રિહર્સલ પણ કર્યું હતું. બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન સાથે પણ મુલાકાત કરી હતી.

3500 સ્કૂલોનો સંપર્ક કરી વિધાર્થીઓના ઇન્ટરવ્યૂ કરાયા

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા ઝોનલ વિસ્તારમાં યુવા વિધાનસભા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ માટે સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે સંકળાયેલી 3500 જેટલી સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જે પૈકી 390 સ્કૂલ-સંચાલકોએ પોતાના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં મોકલવા માટે તૈયારી દર્શાવી હતી. આ ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં મુખ્ય શહેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોની સ્કૂલના વિદ્યાર્થીઓને પણ મુખ્ય ઝોન ખાતે જ બોલાવાયા હતા. આ ઈન્ટરવ્યુ પ્રક્રિયા બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.