Abtak Media Google News

ઉદ્યોગો રાષ્ટ્રના હિતમાં રોજગારી પુરી પાડી, આર્થિક  વૃધ્ધિ માટે મદદરૂપ બને તે માટે સરકારે  ઉદભવેલા વિવિધ પ્રશ્ર્નોને ધ્યાને લઈ યોગ્ય  રાહતો મળી રહે તે લક્ષમાં લેવું જરૂરી

હાલના સંજોગોમાં આપણા રાષ્ટ્રમાં કોરોના મહામારીના કારણે જુદા જુદા રાજય સ્તરે વેપાર ઉદ્યોગને બંધ કરી મહામારી રોકવા કરવામાં આવતા પ્રયત્નોના કારણે વેપાર ઉદ્યોગની સમગ્ર પ્રવૃતિ બંધ જેવી સ્થિતિમાં આવી ગયેલ છે. કારણ કે, જુદા જુદા રાજયોમાં જુદા જુદા સમય દરમ્યાન લોકડાઉન જાહેર કરવામાં આવતા આંશીક લોકડાઉનને કારણે વેપાર ઉદ્યોગ પોતાના ઉત્પાદનો સરળતાથી પરીવહન કરી અન્ય રાજયોમાં મોકલી શકતા નથી અને જે-તે રાજયોમાં ઉદ્યોગ દ્વારા ઉત્પાદીત થતી પ્રોડકટ પહોંચી શકતી નથી તેમજ લોજીસ્ટીક વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થયેલ હોય, પુરવઠાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. આવા સંજોગોમાં સ્થાનીક કક્ષાએ શહેરોમાં લાગુ પાડવામાં આવેલ આંશીક લોકડાઉનના ભાગરૂપે ઉદ્યોગોને ચલાવવાની છુટ મળેલ છે. પરંતુ વેપારીઓની દુકાનો બંધ રાખવાની હોવાથી ઔદ્યોગીક ઉત્પાદનોનો નિકાલ કરવો મુશ્કેલ બને છે. જેને કારણે નાના ઉદ્યોગની મુડીનું ટર્નઓવર થઇ શકતું નથી. અથવા તો મંદ ગતીમાં થાય છે. આમ નાના વેપારી અને નાના ઉદ્યોગકારોને બેવડી મુશ્કેલી અનુભવવાની થાય છે. આ ઉપરાંત જુદા જુદા રાજયોમાં જુદા જુદા સમયગાળામાં લોકડાઉન હોવાના કારણે પણ વેપાર અટકી જાય છે. જેથી પણ વેપારને આર્થિક મુશ્કેલીઓ ઉભી થાય છે. જેના પરીણામ સ્વરૂપે નાના ઉદ્યોગોને પણ ઉદ્યોગ ચલાવવામાં ખુબ જ મુશ્કેલી પડી રહેલ છે.

Advertisement

આમ ઉદ્યોગોમાં લોકડાઉન જાહેર થયા વગરની લોકડાઉનની સ્થિતિ રહેલ છે. આમ પણ ઉદ્યોગ ચલાવવામાં જુદા જુદા પરીબળો મહત્વના રહેલ છે. આ પરીબળો એટલે ચાર એમ આધારીત છે.

પહેલો એમ  એટલે ઉદ્યોગો દ્વારા ઉત્પાદીત થતા માલની માર્કેટ ડિમાન્ડ. હવે જો ડિમાન્ડને અસર થાય અને મંદ પડે તો ઉદ્યોગ ચલાવવા મુશ્કેલ રહે. તે સ્વાભાવિક પ્રક્રિયા છે. જે હાલમાં ઉદ્યોગકારો અનુભવી રહેલ છે.

બીજો એમ એટલે મેઇન પાવર એટલે કે, ઉદ્યોગોમાં કામ કરતા કામદારો અને કર્મચારી સહેલાઇથી મળી રહે તેવું વાતાવરણ સર્જાય તે જરૂરી છે. ત્યારે હાલના સંજોગોમાં આપણા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ મોટા ભાગે પરપ્રાંતના વતની રહેલ છે. અને આ વિસ્તારના અસ્થાયીરૂપે રોજગારી મેળવવા આવેલા હોય છે. હવે જયારે હાલમાં કોરોનાના કારણે ભયયુકત વાતાવરણ સર્જાયેલ છે ત્યારે આ સર્વે કામદાર વર્ગના લોકો સ્વાભાવિકપણે પોતાના કૌટુંબીક કાયમી નિવાસસ્થાન તરફ પ્રેરાઇ જતા રહેતા હોય છે. તેની અસર ઉદ્યોગોના ઉત્પાદન પર થાય છે. અને ઉત્પાદીત માલો સમયસર ઉત્પાદીત થઇ શકતા ન હોય, વેપારી પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. અને મુડીનું રોકાણ પણ વધતુ હોય છે.

ત્રીજો એમ એટલે મુડી રોકાણ. આ સ્થિતિમાં પુરતા પ્રમાણમાં ઔદ્યોગીક ઉત્પાદન થઇ શકતુ ન હોય, તેમજ ઉત્પાદન સાઇકલમાં સમયની જરૂરીયાત વધારે રહેતી હોય, સ્વાભાવિકપણે મુડીનું રોકાણ વધારે કરવું જરૂરી બને. તેથી મુડીની અછત સર્જાય. આવા સંજોગોનો સામનો કરવા હાલમાં રીર્ઝવ બેન્ક ઓફ ઇન્ડીયા તરફથી આંશીક રાહતરૂપ પગલાના ભાગરૂપે જાહેરાત કરવામાં આવેલ છે કે, જે ઉદ્યોગોને પ્રથમ તબક્કાના કોરોનાને કારણે બેન્કો તથા નોન બેન્કીંગ કંપનીઓ તરફથી નાના ઉદ્યોગોને રૂપીયા બે કરોડ સુધીની રકમ મંજુર કરવામાં સરળતાના પગલા જાહેર કરેલ. તેવી યોજના અંતગર્ત ચાલુ રહેલ નાણાકીય વ્યવસ્થાને સમયમર્યાદા ધ્યાને લીધા વગર ફરી વધારાનો સમય માટે રીસ્ટ્રકચર કરવામાં આવશે. આમ જાહેરાત થયેલ છે. પરંતુ આવી નાણાકીય સગવડ પર વ્યાજ અંગે કોઇ સ્પષ્ટતા થયેલ નથી. અમારા માનવા પ્રમાણે આવી રકમ પર ગત સમયમાં વધુમાં વધુ 9 ટકાના વ્યાજનો દર લાગુ પાડવામાં આવેલ. તે જ દરે હાલમાં પણ આ સગવડતા આપવામાં આવતી હોવી જોઇએ. પરંતુ આ વ્યાજનો દર પણ ઉદ્યોગોને પરવડે તેમ નથી તેથી જ તો ઉદ્યોગો ગત સમયમાં મેળવેલ ધીરાણ સમયસર ભરપાઇ કરી શકેલ નથી. અને હવે આ ધીરાણનો સમય વધારવામાં આવે તો ઉદ્યોગોને વ્યાજ ચુકવવું પોષાય તેમ નથી. તેથી આ ધીરાણ પર સરકારશ્રી તરફથી સબસીડાઇઝ કરી વ્યાજનું ભારણ ઓછુ કરવા પ્રયત્ન કરવો જોઇએ.

ચોથો એમ એટલે મેનેજમેન્ટ તથા વ્યાજબી ભાવે કાચા માલની વ્યવસ્થા ખુબ જ જરૂરી બની રહે છે. હાલમાં ગત વર્ષના કોરોના મહામારીના પ્રથમ તબક્કા બાદ દરેક પ્રકારના કાચા માલ તે ઉદ્યોગોના વપરાશ માટે હોય છે. તે કાચા માલના ભાવોમાં ખુબ જ મોટા પ્રમાણમાં વધારો થયેલ છે. જેમ કે, રાજકોટના ઉદ્યોગોમાં મહદઅંશે વપરાતા આર્યન અને કાસ્ટ આર્યન સ્ક્રેપ જેવા માલો કે પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા પ્લાસ્ટીક જેન્યુન વગેરે કાચા માલમાં લગભગ 90 થી 95 ટકા જેવો ભાવવધારો હાલના સંજોગોમાં અનુભવી રહેલ છે. તેથી જ સ્વાભાવીક રીતે ઉદ્યોગોને તેના પ્રોડકટ કોસ્ટમાં વધારો થયેલ છે. અને પ્રોડકટના ભાવ વધારવા ફરજ પડેલ છે. જેની અસર તૈયાર માલની માંગ પર પડેલ છે. તેથી મંદી સર્જાયેલ છે. આમ કાચા માલના ભાવો પર સરકારે નિયંત્રણ કરી યોગ્ય ભાવે ઉદ્યોગકારોને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. તેમજ કાચા માલ તથા તૈયાર માલના પરીવહન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દ્વારા થતો હોય છે. હવે જયારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં વપરાશ થતા પેટ્રોલ ડિઝલ તથા સ્પેરપાર્ટસના ભાવમાં કુદકેને ભુસકે થયેલ વધારાના પરીણામે નુરભાડામાં પણ લગભગ 100 ટકા જેવો વધારો થયેલ છે. જે અંતે તો વસ્તુની ઉત્પાદન કિંમતમાં વધારો કરે છે. તે ધ્યાને લઇ તેને પણ નિયંત્રીત કરવો જરૂરી છે. આમ ઉદ્યોગકારના મેનેજમેન્ટમાં વ્યસ્થીત સંકલન કરી સરકાર દ્વારા યોગ્ય પગલા લઇ વ્યવસ્થાપન કરવામાં આવે તો જ ઉદ્યોગો વ્યવસ્થીત ચલાવી શકાય અને તો જ રાજય સરકાર તથા કેન્દ્ર સરકારને જી.એસ.ટી. જેવા વેરાની આવક વ્યવસ્થીત મળી રહે. આથી સરકારે ઉપરોકત ઉદભવેલ પ્રશ્નોને સમજી ધ્યાને લઇ મધ્યસ્થી કરી ઉદ્યોગને યોગ્ય રાહતો મળી રહે તે લક્ષમાં લેવું જરૂરી છે. અને તો જ ઉદ્યોગ સારી રીતે કામ કરી રાષ્ટ્રના હિતમાં રોજગારી પુરી પાડી તથા આર્થિક વૃધ્ધી કરી મદદરૂપ બની શકશે.આમ ઉપરોકત દર્શાવેલ વાસ્તવીક ઉદ્યોગોની સ્થિતિ જોતા સરકાર તથા જુદા જુદા સ્ત્રોતોના સંચાલકો સાથે મળી પ્રયત્ન કરવો જરૂરી છે. કારણ કે, ઔદ્યોગીક ઉત્પાદન અને ઉત્પાદીત માલો અંગે ઉપર જણાવ્યા મુજબ અનેક પહેલુ કાર્યરત રહેલ છે. તેથી દરેક પહેલુએ રાષ્ટ્ર નિર્માણ માટે યોગ્ય સ્તરે વાસ્તવિકતામાં રહી કાર્યરત રહેવુ જરૂરી છે. આ કાર્યમાં માત્ર સરકાર પર જ આધાર રાખી શકાય તેમ નથી. તેથી સરકાર સાથે સમન્વયથી અને સહકારથી સંબંધ મીલાવવામાં આગળ આવવું જરૂરી છે. જેથી આપણા વેપાર ઉદ્યોગો પૂર્વવત સ્થિતિમાં કાર્ય કરતા થઇ શકે.

તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.