Abtak Media Google News

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યોજાશે, 70 સ્થળોએ તેના લાઈવ સ્ટ્રીમિંગ સાથે નેતાઓ પણ યોજશે કાર્યક્રમ

18 પ્રકારના કારીગરોને રૂ.15000ની ટુલ કીટ, રૂ.500ના સ્ટાઈપેન્ડ સાથે તાલીમ અને રૂ.1 લાખ સુધીની લોન સહિતના લાભો મળશે: શહેર અને જિલ્લા કક્ષાએ નોંધણી કેમ્પો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મીએ રવિવારે પીએમ વિશ્વકર્મા યોજનાનું લોન્ચિંગ કરવામાં આવશે. જેના રાજકોટ ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ હાજરી આપવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન તા.17ના રોજ દેશભરમાં એક તરફ 70 સ્થળો પર પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરાશે જેમાં દરેક આયોજન સ્થળ પર મંત્રીઓ હાજર રહેશે. જે અનુસંધાને રાજકોટમાં રવિવારે સવારે 10.15 વાગ્યે અટલ બિહારી વાજપેઈ ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજવાનો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ આવશે.

પીએમ વિશ્વ કર્મા યોજના હેઠળ સરકાર રૂ. 1033 કરોડનો ખર્ચ ઉઠાવવાની છે. જેમાં 18 પ્રકારના કારીગરોને રૂ. 15000ની ટુલ કીટ, રૂ. 500 ના સ્ટાઈપેન્ડ સાથે તાલીમ અને રૂ.1લાખ સુધીની લોન સહિતના લાભો મળશે.  આ યોજનામાં 30 લાખ કારીગરોને લાભ આપવામાં આવનાર છે. વધુમાં શહેર અને જિલ્લાના વધુમાં વધુ કારીગરો તેનો લાભ લઇ શકે તે માટે કેમ્પ પણ યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 18 પ્રકારના પારંપરિક કલાના કલાકારોને માત્ર ચાર ટકાના વ્યાજ દરે રૂ. એક લાખની લોન મળવાપાત્ર છે તથા  સરકાર દ્વારા 15 દિવસથી લઈને એક મહિના સુધીની તાલીમ આપવામાં આવે છે, જે માટે પ્રતિદિન રૂ. 500 લેખે સ્ટાઈપેન્ડ પણ ચુકવવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારને રૂ. 15 હજારની સરકાર દ્વારા વિના મૂલ્યે ટૂલ કીટ આપવામાં આવશે.

યોજનાનો કોણ લાભ લઇ શકશે?

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન (પી.એમ.વિકાસ) યોજનામાં 1.સુથાર 2.બોટ નાવડી બનાવનાર 3. લુહાર 4. બખતર/ચપ્પુ બનાવનાર 5. હથોડી અને ટૂલકીટ બનાવનાર 6. તાળા બનાવનાર 7. કુંભાર 8. શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર 9. મોચી/પગરખા બનાવનાર કારીગર 10. કડિયા 11.વાળંદ(નાઇ) 12. બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર/કોપર કારીગર 13. દરજી 14. ધોબી 15. ફૂલોની માળા બનાવનાર માળી 16. માછલી પકડવાની જાળી બનાવનાર 17. ઢીંગલી અને રમકડાંની બનાવટ(પરંપરાગત) 18.સોની જેમ 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યોજનાનો લાભ લેવા શું કરવાનું રહેશે?

ગામ, તાલુકા કે શહેરના આ પ્રકારના કારીગરો પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંક પાસ બુકની ઓરિજિનલ કોપી લઇને કોમન સર્વિસ સેન્ટરમાં જવાનું રહેશે. હાથ વડે કામગીરી કરતા, 18 વર્ષથી ઉપરના તમામ કારીગરો આ યોજનામાં જોડાઇ શકશે. કુટુંબદીઠ એક સભ્યને લાભ મળશે. પ્રધાનમંત્રી સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચુકવણી કરી દીધી હોય તેઓ પછી આ યોજનાનો લાભ મેળવી શકશે. સરકારી નોકરી કરતી વ્યકિત અને તેના પરિવારના સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.