Abtak Media Google News

વેપારીઓ સામે કેસ દાખલ કરતી મહાપાલિકા

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા જે તે સમયે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા અલગ-અલગ ખાદ્ય સામગ્રીના નમૂના પરીક્ષણમાં નાપાસ જાહેર થતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગત વર્ષે જૂન માસમાં જુના માર્કેટિંગ યાર્ડમાં ગિરિરાજ એન્ટરપ્રાઇઝમાંથી રંગોલી હળદર પાવડરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં કોપરનું પ્રમાણ પણ ધારાધોરણ કરતા વધુ જણાતા નમૂનો સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન નવેમ્બર માસમાં આજી ડેમ પાસે માનસરોવર સોસાયટી પાછળ રામેશ્વર પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર્સમાંથી આકાશ રિફાઇન્ડ કપાસિયા તેલનો નમુનો લેવાયો હતો.જેમાં હલકી કક્ષાના ખાદ્યતેલની ભેળસેળ પરીક્ષણ દરમિયાન પકડાતા નમૂનો ફેઇલ જાહેર કરાયો છે.

જુલાઈ માસમાં જુના માર્કેટિંગ યાર્ડમાં જય ખોડીયાર ટ્રેડર્સમાંથી મહાલક્ષ્મી સિંગતેલનો નમૂનો લેવામાં આવ્યો હતો.જેમાં પણ હાલકી કક્ષાના ખાદ્ય તેલની ભેળસેળ કરવામાં આવી હતી.આ ઉપરાંત લેબલ પર એફએસએસએઆઈ લોગો, લાયસન્સ નંબર તથા બેસ્ટ બીફોર ડેટ છાપેલી ન હોવાથી નમુનો નાપાસ જાહેર થયો હતો.ગત 18 માર્ચના રોજ રૈયા રોડ પર મીરાનગર શેરી નંબર-1માં  જય માર્કેટિંગમાંથી લાઈટ એન્ડ ફિટ બ્રાન્ડ ફુદીના રીંગનો નમુનો લેવાયો હતો.પેકિંગ પર બેચ નંબર તથા પેકિંગ ડેટ ન છાપેલી હોવાથી નમૂનો મિસબ્રાન્ડેડ  ફૂડ જાહેર કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત 3 નવેમ્બરના રોજ નાનામોવા મેઈન રોડ પર પટેલ એગ્રી એક્સપોર્ટ માંથી નટ બત બ્રાન્ડ અખરોટનો નમુનો લેવાયો હતો. પેકિંગ પર વેજીટેબલ સિમ્બોલ દર્શાવવામાં આવ્યો ન હોવાનો કારણે નમૂનો નાપાસ જાહેર કરાયો હતો. પાંચ નમૂના ફેઇલ જતા કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગના એજ્યુડીકેટીંગ ઓફિસર અને અધિક કલેકટર દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.