Abtak Media Google News
  • ખાદીભવન પાસે ધોળકીયા ઝેરોક્ષ દુકાન ન ખુલતા ભાઇએ તપાસ કરવા ઘરે આવ્યા ત્યારે પતિ, પત્ની અને પુત્ર તરફડીયા મારતા જોયા
  • વ્યાજખોરો દ્વારા દેવામાં આવતી ધમકીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો પરિવારનો આક્ષેપ
  • ધોળકિયા પરિવારે ઝેરી દવા પીધાંની જાણ થતાં મોટી સંખ્યામાં સોની સમાજના લોકો સિવિલ હોસ્પિટલે દોડી ગયા

શહેરમાં પોલીસ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બનતા ચોર, લૂંટારા, ગઠીયા અને વ્યાજખોર બેફામ બન્યા છે. સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગર શેરી નંબર 2માં રહેતા સોની પરિવારની ત્રણ વ્યક્તિઓએ સજોડે ઝેરી દવા ગટગાવી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સોની પરિવારના પતિ, પત્ની અને પુત્ર દ્વારા કરાયેલા સામુહિક આપઘાતના પ્રયાસની ઘટનાની સોની સમાજમાં જાણ થતા મોટી સંખ્યામાં તેઓ હોસ્પિટલમાં દોડી ગયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગર શેરી નંબર 2માં રહેતા કિર્તીભાઇ હરકિશનભાઇ ધોળકીયા નામના 47 વર્ષના સોની પ્રૌઢ, તેમના પત્ની માધુરીબેન (ઉ.વ.42) અને તેમનો પુત્ર ધવલ કિર્તીભાઇ ધોળકીયાએ પોતાના ઘરે ઝેરી પી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

કિર્તીભાઇ ધોળકીયાને ખાદી ભવન પાસે ધોળકીયા ઝેરોક્ષ નામની દુકાન ધરાવે છે. આજ સવારથી જ ઝેરોક્ષની દુકાન ખોલી ન હોવાથી બાજુમાં જ દુકાન ધરાવતા કિતીભાઇ ધોળકીયાના ભાઇ બકુલ ધોળકીયાએ ફોન કર્યો હતો પરંતુ કિર્તીભાઇ કે તેમના પુત્ર ધવલે મોબાઇલ રિસિવ કર્યો ન હતો. આથી બકુલભાઇ ધોળકીયા મિલાપનગરમાં કિતીભાઇ ધોળકીયાના ઘરે ગયા હતા. ત્યારે કિર્તીભાઇ ધોળકીયા, તેમના પત્ની માધુરીબેન ધોળકીયા અને પુત્ર ધવલ ધોળકીયા મકાનમાં બેભાન હાલતમાં જોવા મળતા તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.

કિર્તીભાઇ ધોળકીયાએ કેટલાક માથાભારે શખ્સો પાસેથી મોટી રકમ વ્યાજે લીધી હોવાના કારણે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બકુલભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું.

કીર્તીભાઇ ધોળકીયા અને તેમના પત્ની તેમજ પુત્ર ભાનમાં આવ્યા બાદ જ કોની પાસેથી કેટલી રકમ વ્યાજે લીધી હતી અને કેટલુ વ્યાજ ચુકવતા હતા તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. ધવલ ધોળકીયાના પત્ની અમરેલી પિયર આટો દેવા માટે ગઇ હોવાથી પરિવારની ત્રણ જ વ્યક્તિઓ ઘરે હોવાથી તેઓએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે.

યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.બી.જાડેજા અને પી.એસ.આઇ. રત્નુ સહિતનો સ્ટાફ તપાસ અર્થે હોસ્પિટલ દોડી ગયા છે.

મિલાપનગરમાં ધોળકિયા પરિવારે ઝેરી પી કરેલા સામૂહિત આપઘાતના પ્રયાસની જાણ સોની સમાજને થતાં સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સોની સમાજ દોડી ગયો હતો. કિર્તીભાઇ ધોળકિયાએ કોની-કોની પાસેથી કેટલી રકમ અને શા માટે વ્યાજે લીધી તે અંગેની તરેહ-તરેહની ચર્ચા જગાડી છે. બીજી તરફ કિર્તીભાઇ ધોળકિયાએ શહેરના કેટલાંક માથાભારે પાસેથી મોટી રકમ વ્યાજે લીધી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. તેઓ ભાનમાં આવ્યા બાદ જ વ્યાજખોરો કોણ છે તે જાણી શકાય તેમ છે. આ પહેલા પણ વ્યાજ ધંધાર્થીઓના ત્રાસના કારણે સામૂહિક આપઘાતના બનાવો બન્યા છે પરંતુ કમરતોડ વ્યાજ વસૂલ કરતા વ્યજંકવાદીઓ પાસે કાયદાના હાથ ટૂંકા પડી રહ્યા હોય તેમ શું ધોળકિયા પરિવારને તંત્ર વ્યાજની ચુંગલમાંથી બચાવી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તેઓ પણ સવાલ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.