Abtak Media Google News

અબતક, રાજકોટ

Advertisement

મેયર ડો.પ્રદિપભાઈ ડવના મત વિસ્તાર એવા શહેરના વોર્ડ નં.12માં મવડી વિસ્તાર અને 150 ફૂટ રીંગ રોડને જોડતી અલગ અલગ ત્રણ સોસાયટીઓના રસ્તા સમાંતર કરવા માટે 70 જેટલી મિલકતો કપાતમાં લેવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ નક્કી કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ ત્રણેય રસ્તા પહોળા થવાથી ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ભરવાની અને ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં આવેલ અંકુરનગર 24 મીટર ટીપી રોડ, ગોપાલ પાર્કના હયાત 9 મીટરના ટીપી રોડ તથા માધવ પાર્કના હયાત 18 મીટરના ટીપી રોડને 150 ફૂટ રીંગ રોડ સાથે જોડવા માટે જીપીએમસી એક્ટની કલમ 210 હેઠળ લાઈન દોરી નક્કી કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.

તેઓએ ઉમેર્યું હતું કે, વોર્ડ નં.12માં સૌથી વધુ વિગતી એરીયા મવડી વિસ્તારમાં ટૂંકાગાળામાં ખુબજ બહોળો વિકાસ થયો છે. વાહન વ્યવહારમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે. અહીં ટીપી સ્કીમ ન હોવાના કારણે હયાત રસ્તાઓને વ્યવસ્થિત રીતે 150 ફૂટ રીંગ રોડનો એપ્રોચ મળતો નથી જેના કારણે બહોળા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા અને ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થાય છે જેના કારણે ત્રણ રોડ પહોળા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં આરએમટી કવાર્ટર, વૃંદાવન સોસાયટી, ત્રિવેણીનગર, કડીયાનગર, નવલનગર, વિનાયકનગર સોસાયટી તથા અલગ અલગ સોસાયટીને લાગુ અંકુરનગર વિસ્તારમાંથી પસાર થતો 24 મીટરનો હયાત રોડ જે 150 ફૂટ રીંગ રોડને જોડવો જરૂરી છે. આ ઉપરાંત અંકુરનગરની ઉત્તરે આવેલા ગોપાલ પાર્ક વિસ્તારને સમાંતર 9 મીટર સુધી પહોળો કરી 150  ફૂટ રીંગ રોડ સાથે જોડવાની જરૂર છે. સુખસાગર, માધવ વાટીકા, રાણી પાર્ક, કૈલાસ પાક, રૂપ રેસીડેન્સી, ગાયત્રી પાર્ક સહિતની સોસાયટીને લાગુ માધવ પાર્કના હયાત 18 મીટરના રોડને સમયાંતર કરી 150 ફૂટ રીંગ રોડ સાથે જોડવા માટે લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ લાગુ કરવામાં આવશે. આ ત્રણેય હયાત રોડને રીંગ રોડ સાથે જોડવા માટે હયાત મકાનો, ખુલ્લી જમીનો કપાતમાં લેવામાં આવશે. આશરે 70 જેટલી મિલકતો કપાતમાં જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.