Abtak Media Google News

બિમાર પત્ની, પુત્રને સાજા કરવાનું કહી પાંચ શખ્સોએ રોકડ અને 83 તોલા ઘરેણાં તફડાવ્યા

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના ખેડૂત સાધુના સ્વાંગમાં આવેલી ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા. પોતાના બીમાર પત્ની અને પુત્રની સારવાર માટે તેમજ એકના ડબલ બનાવી દેવાની લાલચ આપીને એક કરોડ 28 લાખ જેટલી માતબર રકમ અને સોનું પડાવી લઇ છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચર્ચા જાગી છે.

Advertisement

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા તેમજ ગીગણી ગામના સરપંચ તેમજ ગીંગણી સહકારી મંડળીમા ઉપપ્રમુખનો હોદો ધરાવતા રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયા નામના 67 વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાની સાથે છેતરપિંડી કરી 1,28,71,500 ની રોકડ રકમ સહિતની માલમતા પડાવી લેવા અંગે બોલેરો કારમાં સાધુના સ્વાંગમાં આવેલા ત્રણ શખ્સો સહિત પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સાધુના સ્વાંગમાં આવેલા શખ્સ કે જેણે સૌ પ્રથમ ફરિયાદીના પત્ની અને પુત્ર કે જેઓ બીમાર હોવાથી તેઓની બીમારી દૂર કરવા માટેની જડીબુટ્ટી આપવાનું બહાનું કરી તેઓ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ તેઓને ચમત્કાર ના માધ્યમથી એકના ડબલ સહીત કરોડો રૂપિયા બનાવી આપશે તેવું પ્રલોભન આપીને ખેડૂત બુઝુર્ગ પાસેથી કટકે કટકે 87,14,000 જેટલી રકમ પડાવી લીધી હતી.

એટલું જ માત્ર નહીં 83 તોલા સોનાના દાગીના કે જેને કીમત 41,57,500 જેટલી થવા જાય છે. જે સોનાના દાગીના પણ પડાવી લીધા હતા, અને તેની પત્ની તથા પુત્ર કે જેની બીમારીમાં કોઈ ફેર પડ્યો ન હતો, તેમ જ કરોડો રૂપિયા બનાવવાની લાલચ આપી હતી, પરંતુ એક પણ રૂપિયો પરત મળ્યો નહોતો અને ખેડૂત સંપૂર્ણપણે સાફ થઈ ગયા હતા.

આખરે આ મામલો જામજોધપુર પોલીસ મથકે લઈ જવાયો છે, અને બોલેરો માં આવેલા સાધુ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.