ઈતિહાસમાં પ્રથમવાર ધો.12નું 100 ટકા પરિણામ

ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને આતુરતાનો અંત આજે આવી ગયો છે. આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થયું છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીણામના પ્રિન્ટની કોપી કાઢીને આપવામાં આવી રહી છે. આજે સવારથી જ સ્કૂલમાં પરીણામ લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનના કારણે ઈતિહાસમાં પ્રથમ વખત ધો.12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરીણામ આવ્યું છે. આ પરીણામમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના 691 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ, 9495 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ જ્યારે 1,29,781 વિદ્યાર્થીઓએ સી-1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે સી-2 ગ્રેડ મેળવનારા 1,08,299 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ આજે જાહેર થયું છે. એકંદરે વિદ્યાર્થીઓએ સારૂ પરીણામ મેળવ્યુ છે. હાલ પરીણામની માત્ર સ્કૂલો દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવી રહી છે. પ્રિન્ટ કરેલ માર્કશીટ પર સ્કૂલના સહી-સિક્કા ર્ક્યા બાદ જ માર્કશીટ આગળ પ્રવેશ માટે માન્ય ગણાશે. અત્યારે માત્ર કાચી માર્કશીટ આપવામાં આવી છે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટની સ્કૂલોને વહેંચણી કર્યા બાદ વિદ્યાર્થીઓને ઓરિઝનલ માર્કશીટ આપવામાં આવશે.

રાજ્યભરમાં ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં રાજકોટ ફરી એક વખત અવ્વલ રહ્યું છે. ધો.12 સાયન્સના પરીણામમાં રાજ્યભરમાં રાજકોટનો ડંકો હતો અને સાયન્સમાં 829 છાત્રોએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે સામાન્ય પ્રવાહમાં પણ રાજકોટ અવ્વલ રહેતા 231 છાત્રોએ એ-1 ગ્રેડ મેળવ્યો છે.

આ ઉપરાંત બીજીબાજુ વાત કરીએ તો 99થી વધુ પર્સન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3999, 98થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 8007, 96થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 16167, 94થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 24043, 92થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 32478, 90થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 39876, 80થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 80,180, 70થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,20,542, 60થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,60,187, 50થી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,98,743 છે.

વિદ્યાર્થીઓ સવારથી જ પરીણામ જોવા માટે આતુર બન્યા હતા. પરંતુ આ વર્ષે માસ પ્રમોશનના કારણે મોબાઈલ પરથી પરીણામ જોઈ શક્યા નહોતા. પરીણામ ચેક કરવા માટે તેઓએ ડેસ્ટોપનો ઉપયોગ કરવો પડ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓને હાલ તો ઓરીજનલ માર્કશીટ  આપવામાં આવી નથી પરંતુ આગામી સપ્તાહમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જાય તે પ્રકારનું શિક્ષણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને જો કોઈ વિદ્યાર્થી પરીણામથી અસંતુષ્ટ હશે તો 15 દિવસમાં પોતાનું પરીણામ બોર્ડને જમા કરાવીને ફરીથી પરીક્ષા આપી શકશે.

સૌરાષ્ટ્રનું ગ્રેડ વાઈઝ પરિણામ

જિલ્લો કુલ વિદ્યાર્થી એ-1 એ-2 બી-1 બી-2
અમરેલી 8392 8 197 890 2083
જામનગર 8113 16 291 1044 2146
જૂનાગઢ 11778 31 364 1633 3248
ભાવનગર 17051 31 529 2242 4630
રાજકોટ 24339 231 1688 4049 6681
સુરેન્દ્રનગર 9842 15 201 859 2187
પોરબંદર 3533 4 115 366 751
બોટાદ 4536 3 86 422 1096
દ્વારકા 3572 1 81 401 906
ગિર સોમનાથ 9575 5 135 750 2282
મોરબી 6513 15 254 852 1637

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.