Abtak Media Google News

પ્રજાને અસર કરતા હોય તેવા નહીં પરંતુ તમને ગમતા હોય તેવા પ્રશ્ર્નો પુછતા હોવાનો વિપક્ષનો શાસક પક્ષ પર આક્ષેપ: ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો બોર્ડમાં આમને-સામને

18 કોર્પોરેટરોના 40 પ્રશ્ર્નો પૈકી રાબેતા મુજબ માત્ર એક જ પ્રશ્ર્નની ચર્ચામાં બોર્ડનો પ્રશ્ર્નોતરીકાળ વેડફાયો

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત મગરની પીઠ જેવી બની ગઈ છે. જેનો કોંગ્રેસે નવતર વિરોધ ર્ક્યો હતો. કોંગી કોર્પોરેટરો હાથ, પગ અને માથે પાટાપીંડી કરી સભાગૃહમાં આવ્યા હતા. ખખડધજ રાજમાર્ગો, વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને બેસુમાર ગંદકી પ્રશ્ર્ને તેઓએ સભાગૃહમાં હંગામો મચાવ્યો હતો. વેલ સુધી ધસી આવેલા કોંગ્રી કોર્પોરેટરોને માર્શલ બોલાવી સભાગૃહની બહાર ધક્કા મારી હડસેલી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ રહી રાજકોટના વિકાસ માટે અનેક કામો કરનાર વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપતો અને ઋણ સ્વીકાર કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

શહેરમાં ચાલુ સપ્તાહે પડેલા અનરાધાર વરસાદના કારણે તમામ રાજમાર્ગોની દશા ગામડાના રસ્તાઓથી પણ બદતર થઈ જવા પામી છે. સ્માર્ટ સિટીમાં રોડ-રસ્તાનો સત્યાનાશ નિકળી ગયો છે. ખખડધજ રાજમાર્ગોના કારણે રોજ સંખ્યાબંધ અકસ્માતો સર્જાય છે. બિસ્માર રોડ-રસ્તા મુદ્દે આજે વિરોધ પક્ષ કોંગ્રેસે બોર્ડમાં નવતર વિરોધ ર્ક્યો હતો. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા અને કોપોરેટર કોમલબેન ભારાઈ હાથે, પગે તથા માથે પાટાપીંડી કરી સભાગૃહમાં આવ્યા હતા.

બોર્ડનો આરંભ થતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો રીતસર આમને-સામને આવી ગયા હતા. વિપક્ષે શાસકો પર એવો આક્ષેપ લગાવ્યો હતો કે, શાસક પક્ષના નગરસેવકો લોકોને અસરકર્તા પ્રશ્ર્નો પુછવાના બદલે પોતાને ગમે તેવા પ્રશ્ર્નો જનરલ બોર્ડમાં પુછે છે. કોંગ્રેસે બોર્ડમાં સૌપ્રથમ રોડ-રસ્તા-પાણી અને ગંદકીના પ્રશ્ર્ને ચર્ચા કરવાની માગણી કરી હતી.

આ ઉપરાંત તેઓએ રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ દરમિયાન રાજકોટના વિકાસ માટે કરેલા કામો માટે અભિનંદન આપતા ઠરાવ પસાર કરવા અરજન્સ બિઝનેશ દરખાસ્ત રજૂ કરી હતી જે શાસક પક્ષની બહુમતિ હોય બહુમતિથી નામંજૂર કરવામાં આવી હતી. શહેરમાં બિસ્માર રાજમાર્ગો, વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને બેસુમાર ગંદકી પ્રશ્ર્ને વિપક્ષી નગરસેવકોએ સભાગૃહમાં બેનરો ફરકાવી શાસકો વિરુધ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને મેયરની વેલ સુધી ધસી આવ્યા હતા.

મેયર ડો.પ્રદિપ ડવે કોંગ્રેસના કોર્પોરેટરોના માથા અને હાથ પરથી પાટા ખેંચી લઈ ખોટા ઢોંગ બંધ કરો તેવી ટકોર કરી હતી. છતાં વિપક્ષે હોબાળો ચાલુ રાખતા તાત્કાલીક અસરથી માર્શલ બોલાવી કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટરોને સભાગૃહમાંથી ધક્કા મારી બહાર હડસેલી દેવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે કોંગ્રેસને જવાબ આપતા સભાગૃહમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યાં છે. પરંતુ કોંગ્રેસને દેખાતુ નથી તેવો ખોટો વિરોધ કરી રહ્યાં છે.

વર્ષોથી જનરલ બોર્ડમાં વણલખી પરંપરા રહી છે કે, પ્રશ્ર્નોતરીકાળમાં ગમે તેટલા પ્રશ્ર્નો રજૂ કરવામાં આવે પરંતુ એક જ પ્રશ્ર્નની ચર્ચામાં એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ વેડફી નાખવો, આ વણલખી પરંપરા આજે પણ જોવા મળી હતી. ભાજપના 14 કોર્પોરેટરોએ 28 પ્રશ્ર્નો અને કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ 12 પ્રશ્ર્નો રજૂ ર્ક્યા હતા. જેમાં ભાજપના નગરસેવક પરેશ પીપળીયાના એકમાત્ર ફૂડને લગતા પ્રશ્ર્ન અને તેના પેટા પ્રશ્ર્નમાં પ્રશ્ર્નોતરીકાળનો એક કલાકથી વધુનો સમય વેડફાઈ ગયો હતો. ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ સામ-સામી આક્ષેપબાજી અને ખોટા દેકારો કર્યો હતો. બોર્ડમાં પ્રજાને સીધી અસર કરતા એકપણ પ્રશ્ર્ન મુદ્દે ચર્ચા થઈ શકી ન હતી. બોર્ડ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી ચાર નિયમીત દરખાસ્ત ઉપરાંત એક અરજન્ટ દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ભાજપના ત્રણ નગરસેવકો અને કોંગ્રેસના એક નગરસેવક આજે બોર્ડમાં ગેરહાજર રહ્યાં હતા.

વિપક્ષે જનરલ બોર્ડમાં રસ્તા, પાણી અને ગંદકીના મુદ્દે બેનરો ફરકાવ્યા: વેલ સુધી ધસી આવેલા કોંગી કોર્પોરેટરોના પાટા મેયરે ખેંચી લીધા: માર્શલ બોલાવી ધક્કા મારી બહાર કઢાયા

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપતો અને ઋણ સ્વીકાર કરતો ઠરાવ પસાર

વિપક્ષી કોંગ્રેસે વિજયભાઈને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવા મુકેલી અરજન્ટ બિઝનેશ દરખાસ્ત શાસકોએ નામંજૂર કર્યા બાદ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈએ અભિનંદન-ઋણ સ્વીકાર કરતો ઠરાવ મુક્યો જે સર્વાનુમતે કર્યો મંજૂર

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષમાં રાજકોટના વિકાસ માટે અનેક નિર્ણયો લેનાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટની જનતા વતી અભિનંદન પાઠવતો તથા ઋણ સ્વીકાર કરતો ઠરાવ આજે રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા બોર્ડ સમક્ષ એક અરજન્ટ બિઝનેશ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી પદે સત્તારૂઢ હતા ત્યારે તેઓએ કરેલા રાજકોટના વિકાસકામો માટે લીધેલા નિર્ણય બદલ અભિનંદન આપતો ઠરાવ બોર્ડમાં પસાર કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.

જેને પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ ટેકો આપ્યો હતો. દરમિયાન આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે ગુજરાતના સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પીએમ તરીકેના પોતાના પાંચ વર્ષના શાસનકાળમાં સમાજલક્ષી અનેક નિર્ણયો ર્ક્યા છે.

રાજકોટ અને ગુજરાતને અનેક યોજનાઓની ભેટ આપી છે. રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યાનો ક્યારેય સામનો ન કરવો પડે તે માટે આજી અને ન્યારી ડેમને સૌની યોજના સાથે જોડી નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પાણીની સમસ્યાને કાયમ માટે ભૂતકાળ બનાવી દીધો છે.

આ ઉપરાંત ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, બસ પોર્ટ, સિવિલ હોસ્પિટલ, જનાના હોસ્પિટલનું નવિનીકરણ, નવી જીઆઈડીસી, શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે ઓવરબ્રિજ, અંડરબ્રિજની ભેટ, શહેરના વિકાસ માટે આર્થિક સહયોગ આપવા બદલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શહેરીજનો વતી અભિનંદન અને ઋણ સ્વીકાર કરતો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જે અરજન્ટ બિઝનેશ દરખાસ્તને વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય મનિષભાઈ રાડીયાએ ટેકો આપતા બોર્ડમાં આ દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.