Abtak Media Google News

જયંતિભાઇ કવાડિયા, બ્રિજરાજસિંહ ઝાલા અને આદ્યશક્તિબેન મજમુદાર નિરિક્ષક તરીકે આવશે: સવારથી સાંજ સુધી ચાલશે સેન્સ પ્રક્રિયા

રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહિતના તમામ પાંચેય પદાધિકારીઓની મુદ્ત આગામી 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે નવા પદાધિકારીઓની નિયુક્તી કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા આવતીકાલે સેન્સ લેવામાં આવશે. શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે સવારે 9:00 વાગ્યાથી રાતના 9:00 વાગ્યા સુધી પ્રદેશ દ્વારા નિરિક્ષક તરીકે નિયુક્ત કરાયેલ પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયા, પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ ઝાલા દ્વારા ભાજપના કોર્પોરેટરોને સાંભળવામાં આવશે.

સામાન્ય રીતે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, લોકસભા કે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરતી વેળાએ દાવેદારોને સાંભળવામાં આવે છે અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીના રેકોર્ડબ્રેક પરિણામ બાદ ભાજપમાં ખટપટ વધી જવા પામી છે. જેના કારણે હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાના હોદ્ેદારો નિયુક્ત કરતા પહેલા જે-તે જિલ્લા અને મહાનગરોમાં પ્રદેશ નિરિક્ષકોને મોકલીને સેન્સ લેવામાં આવી રહી છે. આજથી આ પ્રક્રિયાનો આરંભ થયો છે. દરમિયાન આવતીકાલે સવારે 9 કલાકે શિતલ પાર્ક ખાતે આવેલા શહેર ભાજપ કાર્યાલયે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયા, ભાવનગર જિલ્લાના સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, જૂનાગઢના પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર દ્વારા સેન્સ લેવામાં આવશે. મોડી રાત સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે. જેમાં ભાજપના ચૂંટાયેલા તમામ 68 કોર્પોરેટરોને પ્રદેશ નિરિક્ષકો સાંભળશે. મહાનગરના સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય અને પ્રદેશના હોદ્ેદારો આ સેન્સ પ્રક્રિયામાં સામેલ થશે.

પ્રદેશની સૂચના મુજબ મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમ ત્રણ હોદ્ાઓ માટે સેન્સ લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.12/03/2021ના રોજ રાજકોટના 22માં મેયર તરીકે ડો.પ્રદિપ ડવની નિમણુંક કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યૂટી મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઇ ઘવા અને પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિયુક્તી કરવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા ડો.દર્શિતાબેન શાહે ડેપ્યૂટી મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેઓના સ્થાને કંચનબેન સિધ્ધપુરાની ડેપ્યૂટી મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. આ પાંચેય પદાધિકારીઓની ટર્મ આગામી 12મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે.

ત્યારે હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે નવા પદાધિકારીઓની નિમણુંક કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવતા વર્ષે લોકસભાની સામાન્ય ચુંટણી યોજાવાની હોય જ્ઞાતિ અને જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી નવી નિયુક્તી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓના વર્તમાન પદાધિકારીઓની મુદ્ત આગામી 9 થી 12 સપ્ટેમ્બર દરમિયાન પૂર્ણ થઇ રહી છે. ત્યારે આવતા સપ્તાહે પદાધિકારીઓની પસંદગી કરવા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જે મહાપાલિકાની મુદ્ત પૂર્ણ થાય છે તે દિવસે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

મેયર અને ડેપ્યૂટી મેયરની સંભવત: 12મીએ ચૂંટણી

રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની નિમણુંક કરવા માટે આગામી 12મી સપ્ટેમ્બરના રોજ જનરલ બોર્ડની બેઠક મળે તેવી સંભાવના જણાઇ રહી છે. વર્તમાન મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા આવતા સપ્તાહે બોર્ડ માટેનો એજન્ડા પ્રસિધ્ધ કરી દેવામાં આવશે. વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્ત 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી હોય આ દિવસે જ નવી નિયુક્તી માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં સભા અધ્યક્ષ તરીકે વર્તમાન મેયર ડો.પ્રદિપ ડવ નવા મેયરની વરણી માટેની નિમણુંકની પ્રક્રિયા હાથ ધરશે. જેમાં કોઇ એક કોર્પોરેટર પ્રદેશમાંથી આવેલા નામની દરખાસ્ત કરશે અને તેને અન્ય એક કોર્પોરેટર ટેકો આપશે. સર્વાનુમતે નવા મેયરની નિમણુંક દેવાયા બાદ તેઓને ચાર્જ આપી દેવામાં આવશે. ત્યારબાદ નવ નિયુક્ત ડેપ્યૂટી મેયરની વરણી માટે અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિયુક્તી માટેની પ્રક્રિયા હાથ પર લેશે. ત્યારબાદ એક પખવાડીયામાં અલગ-અલગ 15 સમિતિઓના સભ્યોની વરણી માટે ખાસ બોર્ડ બોલાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.