Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટ તાલુકાનાં બે ગામોમાં જમીન ઉપર દબાણ કરનાર ત્રણ મહિલા સહિત ૧૩ શખ્સો સામે લેન્ડ લેવલિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.મવડી ગામનાં સર્વે નં. ૯૯/૧૦૦ના બિનખેતી પ્લોટ નં. ૩૯ અને ૪૪નાં ૧૨૦૦ વાર જગ્યામાં ગેરકાયદે દબાણ કરી બાંધકામો ખડકી દેવામાં ૩ મહીલા સહીત ૧૦ શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં અને અમરગઢ ભીચરી ખેતીની બાર એકર ગુઠા જમીન પર કબજો જમાવનાર પિતા-પુત્ર સહિત ત્રણ સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધી તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માવડી સર્વે નં. ૯૯/૧૦૦ના બિનખેતી પ્લોટ નં. ૩૯ અને ૪૪ની ૧૨૦૦ વાર જગ્યામાં ગેરકાયદે બાંધકામો ખડકી દેનાર બે દંપતી સહિત 10 ની અટકાયત

વધુ વીગત મુજબ શહેરનાં રામકૃષ્ણનગરમાં રહેતા હરેશ વનમાળીદાસ કાપડીનાં માતા કાંતાબેન કાપડીની માલીકીનાં મવડી રેવન્યુ સર્વે નં. ૯૯/૧૦૦ના બિનખેતી પ્લોટ નં. ૪૪ની ૬૦૦ વાર જગ્યામાં ભીખા લાખા મકવાણા અને રંભા ગોહીલ મેવાડા તેમજ હરેશભાઇ કાપડીનાં પુત્ર પ્રતીકભાઇ કાપડીનાં માલીકીનો સર્વે નં. ૯૯/૧૦૦નો બિનખેતી પ્લોટ નં. ૩૯ નાં ૫૯૭ ચોરસ વાર જમીન પર બીપીન જીવણ વઘેરા, સુરેશ જીવણ વઘેરા, જયાબેન જીવણભાઇ વઘેરા, લક્ષ્મણ સવા રાતડીયા, રેખાબેન લક્ષ્મણ રાતડીયા, ગોવીંદ દાના સોલંકી, ભીખા લાખા મકવાણા અને રંભાબેન ગોવીંદ મેવાડા એ જમીન પર ગેરકાયદે કબજો જમાવી દબાણ કર્યા અંગેની જીલ્લા કલેકટરને અરજી કરી હતી.

જીલ્લા કલેકટર કચેરીમાં મળેલી બેઠકમાં આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધવા આપેલા આદેશને પગલે દક્ષીણ વિભાગનાં મદદનીશ પોલીસ કમીશ્નર જે.એમ. ગેડમનાં માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસ મથકનાં પીઆઇ કે.એન. ભુકણ અને પીએસઆઇ વી.કે. ઝાલા સહીતનાં સ્ટાફે ૩ મહીલા સહીત ૧૦ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે કુવાડવા રોડ પર રહેતા વિજયાબેન મનસુખભાઈ ગજેરાએ અમરગઢ ભીચરી ગામના ગોવિંદ નારણ ડાંગર અને તેના પુત્ર નીરુ ડાંગર તેમજ વનરાજ ડાંગર સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી વિજયાબેનની અમરગઢ ભીચરી ગામે બાર એકર અને ૨૦ ગુંઠા જમીન ઉપર પિતા અને તેના બે પુત્રએ ગેરકાયદે કબજો કરી ફરિયાદીને પ્રવેશ ન કરવા દઈ પારકી જમીન પચાવી પાડવા અંગેની કલેક્ટરમાં અરજી કરી હતી. જે અરજી અંતર્ગત કલેકટર કચેરીમાં કમિટીની મળેલી બેઠકમાં ગુનો નોંધવા આપેલી સૂચના પરથી એસીપી એસ.આર.ટંડન ના માર્ગદર્શન હેઠળ કુવાડવા રોડ પોલીસ મથક પીઆઈ એન.એન. ચુડાસમા, પી.એસ.આઈ.એન. આર. વાણીયા અને એ.એસ.આઇ જગેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે એ પિતા-પુત્રો સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.