Abtak Media Google News

અબતક, નવી દિલ્હી : ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા આઠ કરોડ અનૌપચારિક ક્ષેત્રના કામદારોમાંથી 92 ટકા થી વધુની માસિક આવક રૂ. 10,000 અથવા તેનાથી ઓછી છે. જેમાં 72 ટકા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વર્ગના કામદારોનો સમાવેશ થાય છે. ઈ-શ્રમ પોર્ટલ દેશમાં અસંગઠિત કામદારોનો વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવામાં મદદ કરવા માટે છે. પોર્ટલનો ઉદ્દેશ્ય દેશના 38 કરોડથી વધુ અસંગઠિત કામદારોને કલ્યાણ યોજનાઓનો લાભ આપવાનો છે. આ પોર્ટલ 26 ઓગસ્ટ, 2021 ના ​​રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

પોર્ટલ પર 8.01 કરોડ જેટલા અનૌપચારિક ક્ષેત્રના કામદારો નોંધાયેલા છે અને દર્શાવે છે કે આ અસંગઠિત કામદારો અત્યંત ગરીબી હેઠળ જીવે છે અને તેમાંથી મોટા ભાગના સામાજિક રીતે પછાત સમુદાયોના છે. ડેટા દર્શાવે છે કે નોંધાયેલા અનૌપચારિક કામદારોમાંથી 92.37% ની માસિક આવક રૂ. 10,000 અથવા તેનાથી ઓછી છે, જ્યારે 5.58 ટકાની માસિક આવક રૂ.10,001થી રૂ. 15,000 વચ્ચે છે.

ઇ-શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલા 8.01 કરોડ જેટલા અસંગઠીત કામદારોનું વિશ્લેષણ જાહેર : ઓછા વેતન ધરાવતા કામદારોમાં ઓબીસી, અનુ. જાતી, અનુ. જનજાતિનો 72 ટકા હિસ્સો

ડેટાના સામાજિક શ્રેણીનું વિશ્લેષણ દર્શાવે છે કે 72.58 ટકા નોંધાયેલા કામદારો સામાજિક રીતે પછાત વર્ગોથી નીચે છે, જેમાં 40.44 ટકા ઓબીસી, 23.76 ટકા અનુસૂચિત જાતિ અને 8.38 ટકા અનુસૂચિત જન જાતિનો સમાવેશ થાય છે. સામાન્ય વર્ગના કામદારોનું પ્રમાણ 27.41% છે.

ડેટા એ પણ દર્શાવે છે કે પોર્ટલ પર નોંધાયેલા 86.58% કામદારોએ બેંક ખાતાની વિગતો પ્રદાન કરી છે. ડેટાનું વય-વાર વિશ્લેષણ દર્શાવે છે કે પોર્ટલ પર નોંધાયેલા 61.4% કામદારો 18 વર્ષથી 40 વર્ષની વયના છે, જ્યારે 22.24% 40 વર્ષથી 50 વર્ષની વયના છે. 50 વર્ષથી વધુ વયના નોંધાયેલા કામદારોનું પ્રમાણ 12.59 ટકા છે. જ્યારે 3.77 ટકા કામદારો 16થી 18 વર્ષની વચ્ચેની વય શ્રેણીના છે. જાતિ વિશ્લેષણ દર્શાવે છે કે નોંધાયેલા કામદારોમાં 51.66 ટકા સ્ત્રી અને 48.34 ટકા પુરૂષ છે.

ઓછું વેતન ધરાવતા સૌથી વધુ કામદારો ઓબીસી અને સામાન્ય વર્ગના !!

ઇ-શ્રમ પોર્ટલ ઉપર 8 કરોડથી વધુ અસંગઠીત કામદારોનું રજિસ્ટ્રેશન થયા બાદ જાહેર થયેલી વિગતો મુજબ રૂ. 10 હજાર કે તેનાથી ઓછું વેતન મેળવતા કામદારોમાં સૌથી વધુ કામદારો ઓબીસી અને સામાન્ય વર્ગના છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો ઓછું વેતન મેળવતા કામદારોમાં 40.44 ટકા કામદારો ઓબીસીના છે. જ્યારે સામાન્ય વર્ગના કામદારો 27.41 ટકા છે. 23.76 ટકા અનુસૂચિત જાતિ અને 8.38 ટકા અનુસૂચિત જન જાતિના કામદારો છે.

30 લાખથી વધુ કામદારો 16થી 18 વર્ષના !!

વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે કે પોર્ટલ પર નોંધાયેલા 61.4 ટકા કામદારો એટલે કે 4.91 કરોડ કામદારો 18 વર્ષથી 40 વર્ષની વયના છે. જ્યારે 22.24 ટકા એટલે કે 1.78 કરોડ કામદારો 40 વર્ષથી 50 વર્ષની વયના છે. 50 વર્ષથી વધુ વયના નોંધાયેલા કામદારોનું પ્રમાણ 12.59 ટકા એટલે કે તેઓની સંખ્યા 1 કરોડથી વધુ છે, જ્યારે 3.77 ટકા એટલે કે 30 લાખથી વધુ કામદારો 16થી 18 વર્ષની વચ્ચેની વય શ્રેણીના છે. આમ ભણવાની ઉંમરે કામ કરતા કામદારોની સંખ્યા 30 લાખથી વધુ હોય તે ચિંતાનો વિષય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.