Abtak Media Google News
  • રણુજા મંદિરે માતાજીના માંડવાનું વીડિયો રેકોર્ડીંગ કરી વિરપુર જતા નડયો જીવલેણ અકસ્માત
  • ગમખ્વાર અકસ્માતમાં મોટા ભાઇની નજર સામે જ નાનો ભાઇ કાળનો કોળીયો બન્યો

શહેરની ભાગોળે આવેલા નવા રીંગ પરના ટીલાળા ચોકડી પાસે ટ્રક અને કાર ધડાકાભેર સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિરપુરના બે યુવાનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અન્ય એક યુવકને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વહેલી સવારે રાજકોટથી નવા રીંગ રોડ પર થઇ વિરપુર જઇ રહેલી કાર ટીલાળા ચોકડી પાસે પહોચી ત્યારે સામેથી કાળ બની ઘસી આવેલા ટ્રક સાથે અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો. ગોજારા અકસ્માતમાં વિરપુરના આશિષ જયંતીભાઇ મેર નામના 19 વર્ષના યુવાન અને તેમના મિત્ર જીતેન્દ્રભાઇ મેઘજીભાઇ વરમોરા નામના 42 વર્ષના યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે મૃતક આશિષ મેરના ભાઇ આકાશ જયંતીભાઇ મેર નામના 22 વર્ષના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Img 20221114 Wa0005

આકાશ તેનો ભાઇ આશિષ અને મિત્ર જીતેન્દ્ર વરમોરા રણુજા મંદિર ખાતે માતાજીનો માંડવો હોવાથી વીડિયો શુટીંગ માટે ત્રણેય મિત્રો કાર લઇને રણુજા મંદિર ખાતે આવ્યા હતા. માતાજીના માંડવાનું વીડિયો રેકોર્ડીંગ કરી વહેલી સવારે ત્રણેય મિત્રો ટ્રાફિકથી બચવા માટે રણુજા મંદિરેથી વિરપુર જવા નવા રીંગ રોડ પર નીકળ્યા હતા. કાર નવા રીંગ રોડ પર ટીલાળા ચોકડી પાસે પહોચી ત્યારે સામેથી ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ટીલાળા ચોકડી પાસે ટ્રક અને કાર અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોચી કટ્ટરની મદદથી કારના પતરા કાપી આશિષ અને જીતેન્દ્રના મૃતદેહ બહાર કાઢી લોધિકા પોલીસને સોપતા પોલીસે બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લોધિકા હોસ્પિટલ ખસેડયા હતા જ્યારે ઘવાયેલા જીતેન્દ્ર વરમોરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મૃતક આશિષ મેરને વિરપુરમાં ગેલ ફિલ્મ નામનો સ્ટુડીયો છે. પોતાના મોટા ભાઇ સાથે મળી આઉટ ડોર ફોટોગ્રાફિકના ઓર્ડર લઇને કામ કરે છે. રણુજા મંદિર ખાતે યોજાયેલા માતાજીના માંડવાનું વીડિયો શુટીંગનું કામ રાખ્યુ હોવાથી બંને ભાઇઓ પોતાના મિત્ર સાથે રણુજા મંદિરે આવ્યા બાદ પરત જતી વેળાએ માર્ગ અકસ્માતમાં કાળનો કોળીયો બની જતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે. લોધિકા પોલીસે ગોજારો અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.