Abtak Media Google News

નમ્રમુનિ મ.સા.ના હસ્તે પાવનધામમાં ‘ઓલવેઝ કેર’ એનિમલ ક્લિનીક લોન્ચિંગ સાથે અક્ષય તૃતિયા બની પાવન પરમાર્થની તૃતિયા રાષ્ટ્ર સંત નમ્રમૂનિ મહારાજ સાહેબના સાંનિધ્યે

Advertisement

હે પ્રભુ! મને પણ જો તક મળે તો એકવાર વર્ષીતપની આરાધના કરીને મારા ભવને સાર્થક કરી લેવો છે આવી પ્રેરક ભાવના પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ   નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે અક્ષય તૃતીયાના પાવન દિવસે યોજાયેલો વર્ષીતપ પારણા મહોત્સવ તપધર્મની જયકાર વર્તાવીને ભક્તિભાવે ઉજવાયો હતો.

શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામના ઉપક્રમે કાંદીવલી સ્થિત રઘુલીલા મોલ ખાતે આયોજિત વર્ષીતપ પારણા મહોત્સવના આ અવસરે પરમ ગુરુદેવના સાંનિધ્યે પારણું કરવા આવેલાં અનેક તપસ્વી આરાધકોની અનુમોદના કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની સાથે લાઈવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈ ગયાં હતાં.

અક્ષય તૃતીયાના પાવનકારી દિવસે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની કરુણા ભાવના સાથે પાવનધામના આંગણે અબોલ એવા ઘાયલ અને અસ્વસ્થ પશુ પંખીઓની સારવાર હેતુ “ઓલવેઝ કેર” એનિમલ ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવતાં અક્ષય તૃતીયા પાવન પરમાર્થની તૃતિયા બની ગઈ હતી.

એ સાથે જ, મહારાષ્ટ્રના પડઘા સ્થિત પરમધામ સાધના સંકુલ ખાતે નૂતન ગૌશાળામાં પણ આજના અક્ષય તૃતીયાના પાવન દિવસે સેંકડો ગાયોને આશ્રય સ્થાન આપીને એમને શાતા સમાધિ આપવાનું પરમાર્થ કરવામાં આવતાં જાણે સોનામાં સુગંધ ભળી ગઈ હતી. તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરી લેવાનો બોધ આપતાં આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, શરીરને જીર્ણશીર્ણ કરી દેનારી પીડા પર પણ જે વિજય પ્રાપ્ત કરીને, પોતાના મનને મક્કમ કરીને જે તપ સાધના કરે છે તે જ વીર હોય છે, તે જ પરમાત્મા હોય છે.

પરમાત્મા આદિનાથ પ્રભુની પરંપરામાં કરોડો વર્ષોથી થઈ રહેલી વર્ષીતપની આરાધના જે પોતાના જીવનમાં એકવાર કરે છે તેનો ભવ સાર્થક થઈ જાય છે. તપશ્ચર્યા સમયે મુખ પર આનંદ અને પારણામાં હોય દુ:ખ તેની તપશ્ચર્યા સાર્થક થઈ જાય. પદાર્થોની હાજરીમાં પણ એને ભોગવવા માટે જેનું મન ગેરહાજર રહે તે તપસ્વી હોય. ભૂખને સહન કરતાં કરતાં દુ:ખને સહેવાની, પચાવવાની ક્ષમતા એવી પ્રગટ થઈ જતી હોય કે ગમે એવું દુ:ખ પણ સહજતાથી સહન થઈ જતું હોય.

454 દિવસ આયંબિલ તપની મૌન સાથે આરાધના કરનાર કૃપાજી મ.સ.ના પારણા અવસર

વિશેષમાં અખંડ 454 દિવસ સુધી આયંબિલ તપની મૌન સાથે ઉગ્ર આરાધના સાથે ચાર લાખ નમસ્કાર મંત્ર લેખન કરનારા પૂજ્ય શ્રી પરમ કૃપાજી મહાસતીજીને આ અવસરે પારણા કરાવવામાં આવતા સર્વત્ર જયકાર વર્તાયો હતો. સહુના હૃદયમાંથી ઉઠતાં અહોભાવના અને અનુમોદનાના ભાવો વચ્ચે પરમ ગુરુદેવના શ્રી મુખેથી તપશ્ચર્યાની ભાવ આલોચના સાથે તેમના પાવન હસ્તે વર્ષીતપની આરાધના કરનારા અનેક તપસ્વીઓને પારણા કરાવવામાં આવતાં અને શ્રી સંઘ દ્વારા તપસ્વીઓના થયેલા સન્માન સાથે સર્વત્ર પ્રસરતાં આનંદ આનંદ સાથે આ અવસર વિરામ પામ્યો હતો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.