Abtak Media Google News

સુરાપુરાના દર્શન કરવા જતા ત્રણેય ભાઇઓને નડયો જીવલેણ અકસ્માત: બે ગંભીર

સાયલા અને લીંબડી વચ્ચે ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા વાહનની ઠોકર લાગતા સર્જાયેલા અક્સ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલક રાજકોટના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. અકસ્માતમાં મૃતકના બે ભાઇઓ ઘવાતા સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે રહેતા બાબુભાઇ સામતભાઇ સલાટ, નનકુભાઇ સામતભાઇ સલાટ અને કાળુભાઇ સામતભાઇ સલાટ બાઇક પર સુરાપુરાના દર્શન કરવા લીંબડી તરફ જવા નીકળ્યા હતા.

બાઇક સાયલા અને લીંબડી વચ્ચે પહોચ્યું ત્યારે પાછળથી આવતા અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય યુવાનો હવામાં ફંગોળાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાબુભાઇ સામતભાઇ સલાટ નામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં ઘવાયેલા નનકુભાઇ સામતભાઇ સલાટ અને કાળુભાઇ સલાટને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો હતો અને અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.