Abtak Media Google News

વેન્ટિલેટર પરના દર્દીને ૨૪ કલાકમાં ૩૬ હજાર લીટર ઓક્સિજન વાયુ સ્વરૂપે અપાય છે

PDU ખાતે ૧૧૦૧૦ પ્રવાહી લીટરની ૧ અને ૯૫૦ લીટરની ૬ ટેન્કને સતત ભરી રાખી વેપોરાઇઝર મશીન ૧ લીટર પ્રવાહીમાંથી ૮૬૦ લીટર વાયુ સ્વરૂપમાં ઓક્સિજન બહાર કાઢે છે : હાલ દૈનિક ૧૯,૭૫૦ પ્રવાહી સ્વરૂપ ઓક્સિજનની અવિરત સપ્લાય

રાજકોટમાં જોઈએ એટલો ઓક્સિજન અને દવાનો જથ્થો મંગાવીને કોરોનાના દર્દીઓને બચાવવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા

માનવ શરીરને જીવંત રાખવા  મહત્વના અંગ ફેફસા કુદરતી વાતાવરણમાંથી સતત પ્રાણવાયુ એવો ઓક્સિજન છૂટો પાડીને લોહી (હિમોગ્લોબીન) ને પહોંચાડે છે, પરંતુ કોરોના વાયરસ સંક્રમિત દર્દીના ફેફસાંને નુકસાન થાય છે, અને શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટતું જાય છે, તેવા સમયે કૃત્રિમ રીતે દર્દીને જરૂરિયાત મુજબ ઓક્સિજન આપવામાં આવે છે.

રાજકોટમાં પીડીયુ હોસ્પિટલ ખાતે કોરોનાનો રાજ્યનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓમાં વધારો થતાં રાજ્ય સરકારના પધ્ધતિસરના અદ્યતન સારવારના પૂર્વ આયોજન રૂપે આરોગ્ય વિભાગ, હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલન  હેઠળ આ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય વધારવામાં આવી રહી છે.

રાજકોટ પીડીયુ ખાતે  તા. ૧૯ માર્ચથી કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે. જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ તેમ તેમ હોસ્પિટલમાં સેન્ટ્રલી ઓક્સિજન પુરવઠાની વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. હાલ પીડીયુ હોસ્પિટલના તમામ ૫૬૨ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા છે. આ માટે હોસ્પિટલના ગ્રાઉન્ડમાં કુલ સાત ટેન્ક ઉભી કરવામાં આવી છે. જેમાં  સૌથી મોટી ૧૧,૦૧૦ લીટરની અને બાકીની  ૯૫૦ લીટરની  ક્ષમતાની છે. પ્રવાહી સ્વરૂપમાં વધારે જથ્થો સંગ્રહિત થાય છે એટલે વેપોરાઇઝન મશીનથી તેને વાયુ (ગેસ) સ્વરૂપમાં પરિવર્તિત કરી દર્દી સુધી પહોંચાડવામાં આવે છે. વેન્ટિલેટર પરના દર્દીને ૨૪ કલાકમાં ૩૬ હજાર અને ઓક્સિજનના સાદી જરૂરિયાત વાળાને ૧૦,૦૦૦ લીટર ઓક્સિજન વાયુ સ્વરૂપે અપાય છે.

રાજકોટ PDU માં ૨૦૧૭ થી ઓક્સિજન અને સ્ટોર સર્વિસમાં સેવા આપતા અને હાલ કોવિડ હોસ્પિટલના ઓક્સિજન સપ્લાય બાબતના નોડલ અધિકારી ડો. જે. કે. નથવાણીએ વિશેષ વિગતો આપતાં જણાવ્યું હતું કે, હાલ છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ ૪૫૦ થી ૪૬૩ દર્દીઓને ઓક્સિજનની વત્તા ઓછા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. દૈનિક ૧૯.૭૫૦ ટન એટલે કે ૧૯ હજાર ૭૫૦ લીટર પ્રવાહી સ્વરૂપ ઓક્સિજનની જરૂરિયાત રહે છે અને બહારથી ટેન્કર મારફત રોજેરોજ ટેન્ક ભરવામાં આવે છે.

એક લિટર પ્રવાહીમાંથી ૮૬૦ કિલો વાયુ સ્વરૂપે ઓક્સિજન મેળવી શકાતો હોવાથી દૈનિક સરેરાશ ૧.૬૮કરોડ લીટર (૧ કરોડ ૬૮ લાખ લીટર) જેટલો પ્રાણવાયુ એવો ઓક્સિજન વાયુ દર્દી નારાયણની સેવા માટે વાપરવામાં આવે છે. આ દર્શાવે છે કે, રાજ્ય સરકાર કોરોનાના દર્દીઓને બચાવવા સમર્પિત છે.

દર્દીને કુલ ત્રણ પ્રકારે ઓક્સિજન આપવામાં આવે છે. ઓક્સિજનનું પ્રમાણ પલ્સ ઓક્સિમીટરથી માપવામાં આવે છે. આ સુવિધા પણ દરેક બેડ પર ઉપલબ્ધ છે.  શરીરમાં એસપી ઓટુનું પ્રમાણ (સંતૃપ્તા) ૯૫ ટકાથી નીચે ઉતરે ત્યારે દર્દીને શ્વાસોશ્વાસમાં તકલીફ જણાતા પ્રથમ સ્ટેજમાં સાદી રીતે માસ્ક સાથે ઓક્સિજન આપવામાં આવે છે. વધારે તકલીફ જણાતા તેમને બીજા સ્ટેજમાં બાયપેપ પર મૂકી ઓક્સિજનનો ફોર્સ વધારવામાં આવે છે. પછીના તબક્કા વેન્ટિલેટર  મારફતે ઓક્સિજન ફોર્સ અને લાઇફ સપોર્ટ સિસ્ટમના છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન સપ્લાયની બાબતમાં પણ સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કોરોનાની અદ્યતન સારવાર માટે દવાનો પૂરતો જથ્થો અને જોઈએ તેટલો પુરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે સંક્રમિત લોકોને પુનઃ નિરોગી જીવન બક્ષવા, મહામારી સામે લોકોની સાવધાની વધારવા તબીબો, કર્મયોગીઓ અને લોકોના સહકારથી જનઆંદોલન છેડયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.