રાજકોટનો ‘વિજય’ વિશ્વાસ ‘રૂપાણી’ને પાંચ વર્ષનું ભાથુ ભરી દીધું

ગૃહમંત્રી અમિતભાઈ શાહે મહાનગરપાલિકાના ચૂંંટણી પરિણામ બાદ વિજયભાઈ રૂપાણીને ફૂલહાર પહેરાવી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીના સુકાની પણ આડકતરી રીતે જાહેર કરી દીધા

અમિતભાઇ શાહે ૨૦૧૬માં મૂકેલો  વિશ્ર્વાસ વિજયભાઇ રૂપાણી સતત સફળતાના શિખરો સર કરી વધુને વધુ મજબૂત બનાવી રહ્યા છે

રાજકોટવાસીઓએ ‘આપ’ ને આવકારી પણ જીતાડી નહીં: આમ આદમી પાર્ટી માટે પરિણામ નિરાશાજનક નહીં પણ ઉત્સાહજનક છે

કોંગ્રેસ યાદ રાખે ર૦૦૦થી જીત સંગઠન શકિતના કારણે મળી હતી: ફરી સંગઠીત બને તો હજી લોકો સ્વીકારી શકે છે

નેતૃત્વના અભાવે કોંગ્રેસમાં શૂન્યવકાશ સર્જાયો, ભાવિ હવે ધુંધળુ: રાજકોટમાં કોંગ્રેસ પ્રમુખનો કાંટાળો તાજ કોણ ધારણ કરશે

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પોતાની ખ્યાતિ પ્રસ્થાપિત કરી ચૂકેલા રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી એક બાદ એક ચૂંટણીજંગ ફતેહ કરી પોતાના હાથ સતત મજબૂત કરી રહ્યાં છે. માદરે વતન રાજકોટમાં જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓના માર્ગદર્શનમાં ભાજપને ૪૮ વર્ષના ઈતિહાસમાં ઐતિહાસિક જીત મળી તે બાદ હવે ભાજપ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પણ વિજયભાઈના નેતૃત્વમાં જ લડે તે વાત નિશ્ર્ચિત બની જવા પામી છે. રાજકોટના વિજય વિશ્ર્વાસે રૂપાણી માટે પાંચ વર્ષનું ભાથુ બાંધી દીધું છે. બીજી તરફ એક બાદ એક કારમી હાર બાદ પણ દેશની સૌથી જૂની  અને હવે ઘરડી કહેવામાં આવે તો કોઈ અતિસ્યોક્તિ નથી તેવી રાજકીય પાર્ટી કોંગ્રેસ કોઈપણ પ્રકારનો બૌધપાઠ લેવાનું મુનાસીબ સમજતી નથી. જેના કારણે સમ્માનભેર હાર મેળવવાનો હક્ક પણ હવે કોંગ્રેસ ગુમાવી રહી હોય તેવું ગુજરાતવાસીઓ મહેસુસ કરી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ઓગષ્ટ ૨૦૧૬માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી પર પસંદગીનું કળશ ઢોળ્યું હતું. એકદમ સૌમ્ય અને સંવેદનશીલ વિજયભાઈ આજે ગુજરાતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી પૈકીના એક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેઓના નેતૃત્વમાં ભાજપ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બહુમતિ સાથે વિજેતા બન્યું હતું. આ ઉપરાંત ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ફરી જીત મેળવવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ અલગ અલગ કારણોસર યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો એક તરફી વિજય થયો છે. રાજ્યસભાની ચૂંટણીમાં પણ ગુજરાતનું વજન વધી રહ્યું છે જે સાબીત કરે છે કે, ગુજરાતવાસીઓએ વિજયભાઈ રૂપાણીની વિકાસલક્ષી રાજનીતિનો સહર્ષ સ્વીકાર કરી લીધો છે અને તેઓ દ્વારા લેવામાં આવતા એક-એક નિર્ણયોને પ્રજા દરેક ચૂંટણીમાં વધુને વધુ જનાદેશ આપીને આવકારી રહી છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો અને આ ૮ બેઠકો ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. વિજયભાઈ રૂપાણી અને સંગઠનની ટીમ માત્રને માત્ર એક જ ઉદેશ સાથે ચૂંટણી જંગમાં ઉતરે છે કે તમામ બેઠકો પર કમળ ખીલવવું.

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાના ૪૮ વર્ષના ઈતિહાસમાં કુલ ૯ વખત સામાન્ય ચૂંટણી યોજાય છે. જેમાં ૮ વખત ભાજપનો વિજય થયો છે અને એકમાત્ર ૨૦૦૦માં કોંગ્રેસનો વિજય થયો છે. ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં ભાજપને બેઠકની દ્રષ્ટિએ સૌથી મોટો વિજય પ્રાપ્ત થયો. ૭૨ બેઠકોમાંથી ૬૮ બેઠકો પર જંગી લીડ સાથે કમળ ખીલ્યું. ૨૦૧૫માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન સત્તારૂઢ હતા ત્યારે રાજકોટમાં ભાજપને ૭૨ માંથી માત્ર ૩૮ બેઠકો પ્રાપ્ત થઈ હતી અને ૪ બેઠકોની પાતળી લીડ સાથે સત્તા પર આવ્યું હતું. જો કે, ૨૦૧૬માં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ  રૂપાણી સત્તારૂઢ થયા બાદ તેઓએ લીધેલા લોકહિતના નિર્ણયોના કારણે આજે માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ૨૦૧૫માં ભાજપ ચાર બેઠકોથી પાતળી લીડ સાથે રાજકોટમાં સત્તા પર આવ્યું હતું તે જ ભાજપે ૨૦૨૧માં કોંગ્રેસના ફાળે માત્ર  ૪ બેઠકો રહેવા દીધી અને ૧૭ વોર્ડની ૬૮ બેઠકો પર પોતાના ઉમેદવારોને તોતીંગ લીડ સાથે વિજેતા બનાવ્યા છે. આ માટે માત્રને માત્ર વિજયભાઈ રૂપાણીની વિકાસની રાજનીતિ જ જવાબદાર છે. તેઓ હરહંમેશા લોકોના સુખાકારી માટેના નિર્ણયો લે છે. ૨૦૧૬માં અમિતભાઈ શાહે મુકેલો વિશ્ર્વાસ વિજયભાઈ રૂપાણી સતત મજબૂત કરી રહ્યાં છે. જે રીતે ગઈકાલે છ મહા પાલિકાઓમાં જાજરમાન જીત બાદ અમિત ભાઈએ વિજય ભાઈને હારતોરા કર્યા તે વાત પરથી એ સાબીત થઈ ચૂક્યું છેે કે, ભાજપ ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી પણ વિજયભાઈના નેતૃત્વમાં લડશે તેમાં શંકાને સ્થાન નથી. ટૂંકમાં રાજકોટના વિજય વિશ્ર્વાસે રૂપાણીને વધુ પાંચ વર્ષનું ભાથુ બાંધી દીધું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જે મુખ્ય ત્રણ નિયમો બનાવવામાં આવ્યા હતા તેના માટે રાજકોટ જ નહીં રાજ્યની તમામ છ મહાપાલિકામાં મોટા માથાની ટિકિટ કપાઈ હતી અને કાર્યકરોમાં વધતા-ઓછા પ્રમાણમાં અસંતોષ ઉભો થયો હતો. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને સ્ટે.કમીટીના પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડે શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો કબજે કરવા માટે જે ચૂંટણીલક્ષી વ્યૂહરચના ગોઠવી હતી તેમાં તે ચૂંટણી ચાણક્ય સાબીત થયા હતા અને રાજકોટમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો.

વિજયી “વરમાળા”

કોંગ્રેસમાં શરૂઆતથી જ ખેંચતાણ ચાલતી હતી. ઉમેદવારોના નામ નક્કી કરવા અને મેન્ડેટ આપવા મામલે છેક સુધી ભારે માથાકૂટ સર્જાઈ હતી. પ્રદેશમાંથી જે નામો આવ્યા હતા તેમાં પણ સ્થાનિક નેતાઓએ ચોકડા મારી દીધા હતા અને પોતાના માનીતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા હતા. ઉતાવળમાં કે જાણી જોઈને કરવામાં આવ્યું હોય તો પણ ભલે એક ઉમેદવારને તો કોરૂ મેન્ડેટ પકડાવી દેવામાં આવ્યું હતું જેના કારણે તેનું ફોર્મ રદ થયું હતું. તો બીજી તરફ વોર્ડ નં.૪ના પોતાના સત્તાવાર ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું ત્યાં સુધી કોંગ્રેસ અંધારામાં હતી. ટૂંકમાં સેનાપતિ વિહોણી કોંગ્રેસને રાજકોટવાસીઓએ જે રીતે જાકારો આપ્યો છે તે ખરેખર પક્ષે નોંધ લેવા જેવી બાબત છે. વર્ષ ૨૦૦૦માં કોંગ્રેસ સંગઠીત થઈને લડ્યું હતું અને તેના પરિણામો પણ પક્ષને મળ્યા હતા. જેમાં ૪૪ બેઠકો જીતી કોંગ્રેસનું શાસન મહાપાલિકામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ કોંગ્રેસ ક્યારેય બેઠી થઈ શકી નથી. આ વખતે ખુદ પ્રમુખ જ ચૂંટણી લડી રહ્યાંના કારણે ૧૮ વોર્ડમાં કોંગ્રેસની સ્થિતિ સુકાની વિનાની સેના જેવી બની જવા પામી હતી. છેલ્લા દિવસોમાં પ્રદેશ હાઈ કમાન્ડ દ્વારા કાર્યકારી પ્રમુખ ચોક્કસ મુક્વામાં આવ્યા પરંતુ ત્યાં ઘણુ મોડુ થઈ ગયું હતું. વોર્ડ નં.૧૫માં જો પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા આખી પેનલ સાથે વિજેતા બન્યું ન હોત તો ખરેખર રાજકોટ સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત બની જાત. હજુ સંગઠીત બનીને મેદાનમાં આવે તો લોકો કોંગ્રેસને સ્વીકારવા તૈયાર છે પરંતુ ચૂંટણી સમયે હમ સાથ સાથ હૈનો નારો લગાવતા કોંગ્રેસના નેતા જેવા ઉમેદવારના જાહેર થાય કે હમ આપ કે હૈ કોનના ટ્રેલરમાં આવી જાય છે. જેના કારણે પ્રજા અનેક મુદ્દા હોવા છતાં કોંગ્રેસનો સ્વીકાર કરી શકતી નથી.

પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને રાજકોટવાસીઓએ આવકારી છે ચોક્કસ પરંતુ વિજેતા બનાવી નથી. જો કે આપ માટે પરિણામ જરાપણ નિરાશાજનક નથી. ઉલ્ટાનું ઉત્સાહજનક છે. જો કે પ્રથમ વખત ચૂંટણી લડવા છતાં તેઓ અનેક વોર્ડમાં બીજા નંબરે રહી છે. જો આગામી પાંચ વર્ષમાં આપ સંગઠીત બની લોકસેવા કરશે તો ૨૦૨૬માં તે ભાજપ માટે મોટો પડકાર ઉભો કરી શકે તેમ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની જોડી જે રીતે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની જોડી કામ કરી રહી છે તે જ તર્જ પર કાર્ય કરી રહી છે અને એક બાદ એક વિજેતા બની રહી છે. વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપનો એક તરફી વિજય થયો જ્યારે રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યો તૂટશે તેવા ડરના માર્યા એક ઉમેદવારો પણ ઉભા ન રાખ્યા જેના કારણે ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા અને ગઈકાલે છ મહાપાલિકાના ચૂંટણી પરિણામોમાં પક્ષની થયેલી જીત સાબીત કરે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ વિજયભાઈના સુશાસન પર મંજૂરીની મહોર મારી છે અને હવે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ વિજયભાઈના નેતૃત્વમાં લડશે તે વાત પણ નિશ્ર્ચિત બની ગઈ છે.