Abtak Media Google News

કૃષિ યુનિ.ઓમાં અભ્યાસ અને સંશોધનની ગુણવતા સચવાશે નહીં તેવી ભીતિ: યુવા આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

ગુજરાત રાજ્ય સરકાર ૨૬ જેટલી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ ને અભ્યાસ માટે મંજૂરી આપવા જઇ રહી છે ત્યારે કૃષિ ક્ષેત્રનાં અભ્યાસ સાથે જોડાયેલા વિધાર્થીઓ આ ખાનગી યુનિવર્સિટીઓ ને મંજૂરી આપવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે કારણકે ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ માં અભ્યાસ અને સંશોધન ની ગુણવત્તા સચવાશે નહીં તેની ભીતી સેવાઈ રહી છે ત્યારે આ અંગે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલા ના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખતા જણાવ્યું જણાવ્યું હતું કે  બી.એસસી. (એગ્રીકલ્ચર) નો અભ્યાસક્રમ રાજ્ય સરકાર હસ્તકની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં હાલમાં ચાલે છે, જેનાથી વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ મળી રહે છે.

આમ છતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા માટેની મંજુરી આપવામાં આવેલ છે, જે યોગ્ય નથી. આ બાબતે રાજ્યના શિક્ષણ વિભાગના નાયબ સચિવ દ્વારા પત્ર પણ લખવામાં આવેલ છે.

આ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટની અંદર ઘખલ થયેલ સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં. ૧૫૬૫/૨૦૧૮ સહિત વિવિધ પીટીશનોમાં પણ સ્પષ્ટ આદેશ કરવામાં આવેલ છે કે રાજ્ય સરકાર અને કૃષિ યુનિવર્સિટીની મંજુરી વિના અને આઇ.સી.એ.આરના ધારા ધોરણોનું પાલન કર્યા સિવાય કોઈ પણ ખાનગી યુનિવર્સિટીને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવાની મંજુરી આપી શકાય નહીં. જો ખાનગી યુનિવર્સિટીને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા આડેધડ મંજુરી આપવામાં આવશે તો સરકાર હસ્તકની કૃષિ યુનિવર્સિટીઓનું વજુદ નહીં રહે અને શિક્ષણની ગુણવત્તા સચવાશે નહી. સાથે સાથે એન્જિનિયરીંગ કોલેજોની જેમ કૃષિ સ્નાતકોમાં બેકારીનું પ્રમાણ અતિશય વધી જશે, જે કૃષિક્ષેત્રને ખૂબ જ મોટું નુકસાનકર્તા સાબિત થશે. આથી આ બાબતની ગંભીરતાથી ધ્યાને લઇ યોગ્ય નિર્ણય કરવા માંગ કરી હતી આગામી દિવસોમાં ખેડૂતો અને વિધાર્થીઓનાં હિતમાં રાજ્ય સરકાર નિર્ણય લેવામાં આવે છે કે પછી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.