Abtak Media Google News

બોરનું પાણી કેમિકલયુકત અને લાલ કલરવાળું હોવાના કારણે ચામડીના રોગ ફાટી નિકળ્યા: લાભાર્થીઓનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું

કોર્પોરેશન દ્વારા અલગ-અલગ યોજના અંતર્ગત આવાસ બનાવવામાં આવે છે પરંતુ તેમાં લાભાર્થીઓને પુરતી સગવડતા પુરી પાડવામાં આવતી ન હોવાના કારણે લોકો પોતાના સપનાનું એવું ઘરનું ઘર છોડી ફરી ભાડે રહેવા માટે મજબુર બન્યા છે. શહેરના વોર્ડ નં.૪માં આવેલી ભકતકવિ નરસિંહ મહેતા ટાઉનશીપના લોકાર્પણના ત્રણ મહિના બાદ પણ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. બોરનું પાણી કેમિકલયુકત અને લાલ કલરવાળું હોવાના કારણે ચામડીનો રોગચાળો ફાટી નિકળ્યો છે. આજે વોર્ડના કોંગી કોર્પોરેટર રેખાબેન ગજેરાની આગેવાનીમાં લાભાર્થીઓએ ડે.મેયરને ઉગ્ર રજુઆત કરી હતી.

Advertisement

આ રજુઆતમાં જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૪માં કુવાડવા રોડ પર આવેલી ભકતકવિ નરસિંહ મહેતા ટાઉનશીપમાં ઈ-૮૪ તથા શહિદ ઉઘ્ધમસિંહ ટાઉનશીપ ઈ-૮૬માં અનેક પ્રશ્ર્નો છે. નરસિંહ મહેતા ટાઉનશીપનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા ૩ મહિના પહેલા કરવામાં આવ્યું છે છતાં આજદિન સુધી અહીં પીવાના પાણી જેવી જરૂરીયાત ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. નળ કનેકશન આપવા માટે બાંહેધરી આપવામાં આવી હોવા છતાં આજ સુધી નળ કનેકશન મળ્યા નથી. આ ટાઉનશીપમાં ૬૫ જેટલા પરીવારો વસવાટ કરી રહ્યા છે જેને પીવાનું પાણી ન મળતું હોવાના કારણે અંદાજે ૧૦ હજાર જેટલા પરીવારો અહીંથી પુન: ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા છે. બોર દ્વારા વિતરિત થતું પાણી કેમિકલયુકત અને કલરવાળું હોવાના કારણે તે પીવાલાયક નથી. આ પાણીના ઉપયોગથી ચામડીનો રોગચાળો ફાટી નિકળ્યો છે.તેઓએ રજુઆતમાં વધુમાં ઉમેર્યું હતું કે, ટાઉનશીપમાં ઈલેકટ્રીક સિટીના પાવર વોલ્ટેજ પુરા મળતા ન હોવાના કારણે અવાર નવાર લીફટ તથા ઈલેકટ્રીક ઉપકરણો બંધ થઈ જાય છે. ભુગર્ભ ગટર ભરાઈ જવાના કારણે વારંવાર કુંડીઓ ઉભરાઈ છે અને ગંદકી ફેલાવાથી રોગચાળો ફાટી નિકળ્યો છે. સેફટી ટેન્કના લીકેજની પણ સમસ્યા છે. છતમાંથી પણ પાણી ટપકે છે જેના કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના કે જાનહાની થવાની ભીતિ રહેલી છે. ટાઉનશીપના પ્લાનમાં સિકયોરીટીની ઓફિસનો ઉલ્લેખ છે છતાં આવી કોઈ જ વ્યવસ્થા ટાઉનશીપમાં નથી. આ તમામ સમસ્યાઓનું તાકીદે નિરાકરણ લાવવા રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.