Abtak Media Google News

માંગરોળ બંદરે શહેરભરના ઠલવાતા કચરા અને તેમાંથી ઉતપન્ન થતા ધુમાડાને લીધે રહેવાશીઓને વેઠવી પડી રહેલી હાલાકી બાબતે મહીલાઓએ આક્રમક રૂખ અપનાવ્યો હતો. તંત્ર કોઈ રજૂઆતો ધ્યાનમાં ન લેતું હોવાના આક્ષેપ સાથે સાંજે મહીલાઓએ ન.પા.ના ટ્રેકટરોને કચરો ઠાલવ્યા વિના પરત મોકલી દીધા હતા. તો ખાતર ઉપાડતા કોન્ટ્રાક્ટરના વાહનોની ચાવી કાઢી લીધી હતી. આખરે ખારવા સમાજના પટેલની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.

Admin Ajax 2

આ અંગેની વિગતો મુજબ બંદરના રહેણાંક વિસ્તાર બઈ નજીક છેલ્લા લાંબા સમયથી શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. ગંદકી ઉપરાંત મૃત પશુઓ, હાડકા, ફાઈબર વેસ્ટ સહિતના કચરાથી ભયંકર દુર્ગંધ ફેલાય છે.  આ કચરો સળગતા ધુમાડાના ઉઠતા ગોટેગોટાથી આજુબાજુના વિસ્તારના લોકોનું રહેવું દુષ્કર બની ગયું છે. બાળકો, વૃદ્ધો શ્ર્વાસની બિમારીઓનો ભોગ બન્યા છે. આ મામલે અનેક આવેદનો અપાયા છે. આ પેચીદા પ્રશ્ને મામલતદાર તથા જીલ્લા કલેકટર સમક્ષ પણ અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે કચરો ઠાલવવા નજીકમાં બે જગ્યાઓ નીમ કરવામાં આવી છે. જેની કાગળની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

2 7

દરમ્યાન વહિવટી પ્રક્રિયામાં ઘણો સમય પસાર થતા આ વિસ્તારમાં રહેતી મહીલાઓએ ધીરજ ગુમાવી હતી. “ન.પા. હાય હાય”ના સુત્રોચ્ચાર સાથે મોડી સાંજે એકત્રિત થયેલી મહીલાઓએ કચરો ઠાલવવા આવેલા ન.પા.ના ટ્રેકટરોને કચરો ઠાલવવા દીધા ન હતા. જયારે ખાતર ઉપાડતા કોન્ટ્રાક્ટરના વાહનોની ચાવી કાઢી લીધી હતી. હંગામો થતા પોલીસ પણ દોડી આવી હતી. જો કે ત્રણ કલાક સુધી ન.પા.ના અધિકારી કે એક પણ પદાધિકારી ઘટનાસ્થળે ફરકયા ન હતા. આખરે ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવાએ ચિફ ઓફીસર સાથે ટેલિફોનિક વાત કરી બે દિવસમાં આ મુદ્દે મિટીંગ કરી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ જગ્યા પર કચરો ન ઠાલવવા કે ખાતર ન ઉપાડવાની ચિફ ઓફિસરે મૌખિક બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.