Abtak Media Google News

ટીમ ઈન્ડિયાની ધ વોલ ચેતેશ્વર પુજારા બન્યો સૌરાષ્ટ્રનો આધાર: અણનમ ૧૩૧ રન ફટકારી બન્યો મેન ઓફ ધ મેચ: સેલડન જેકશનની પણ શાનદાર સદી: ફાઈનલમાં વિદર્ભ સામે ટકકર

 

ઓસ્ટ્રેલીયા સામે ૭૧ વર્ષ બાદ ભારતને ટેસ્ટ શ્રેણી જીતાડવામાં સિંહફાળો ભજવનાર અને મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ હાંસલ કરનાર ટીમ ઈન્ડિયાની ધ વોલ ચેતેશ્વર પુજારાની શાનદાર અણનમ સદી અને આક્રમક બેટ્સમેન સેલડન જેકશનની મદદથી બેંગ્લુરુ ખાતે રમાઈ રહેલા રણજી ટ્રોફીના સેમી ફાઈનલના મેચમાં કર્ણાટકને ૫ વિકેટ પરાસ્ત કરી સૌરાષ્ટ્રની ટીમે વટભેર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઈનલમાં હવે સૌરાષ્ટ્રનો મુકાબલો વિદર્ભ સામે થશે.

ગત ૨૪મી જાન્યુઆરીથી બેંગ્લુરુ ખાતે શરૂ થયેલી રણજી ટ્રોફીની મેચમાં કર્ણાટકના સુકાની મનિષ પાંડેએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કર્ણાટકે પોતાના પ્રથમ દાવમાં ૨૭૫ રન બનાવ્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે સ્નેલ પટેલના ૮૫, જેકશનના ૪૬ અને ચેતેશ્ર્વર પૂજારાના ૪૫ રનની મદદથી ૨૩૬ રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં કર્ણાટકની ટીમને ૩૯ રનની લીડ મળી હતી. કર્ણાટકનો બીજો દાવ ૨૩૯ રનમાં સમેટાઈ ગયો હતો.

જાડેજાએ ૭૮ રનમાં ૫ વિકેટ અને સુકાની જયદેવ ઉનડકટે ૩૫ રનમાં ૩ વિકેટ ખેડવી હતી. સૌરાષ્ટ્રને સેમી ફાઈનલ મેચ જીતી ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે ૨૭૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બીજા દાવમાં સૌરાષ્ટ્રની શરૂઆત ખૂબજ ખરાબ રહી હતી. સ્કોરબોર્ડ પર માત્ર ૨૩ રન જ નોંધાયા હતા. ત્યાં સૌરાષ્ટ્રના બન્ને ઓપનર સહિત કુલ ૩ વિકેટ ધરાશાયી થઈ ગઈ હતી. જો કે, ત્યારબાદ ટીમ ઈન્ડિયાની ધ વોલ ચેતેશ્વર પૂજારા સૌરાષ્ટ્રનો આધાર બની ઉભરી આવ્યો હતો. કવાર્ટર ફાઈનલમાં સૌરાષ્ટ્રની રેકોર્ડબ્રેક જીત અપાવનાર પુજારા અને જેકશનની જોડીએ સેમીફાઈનલમાં પણ રંગ રાખ્યો હતો. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે ૨૧૪ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. આ દરમિયાન પુજારાએ પોતાની ફર્સ્ટ કલાસ ક્રિકેટની વધુ એક આકર્ષક સદી ફટકારી હતી. મેચના ૪થા દિવસે ૯૦ રન સાથે અણનમ રહેલા વિકેટ કીપર બેટસમેન સેલડન જેકશને આજે અંતિમ દિવસે પોતાની સદી પુરી કરી હતી તે ૧૦૦ રનના સ્કોરે વિનય કુમારની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારબાદ અર્પીત વસાવડા ૧૨ રનની વિકેટ ખૂબ ઝડપથી પડી ગઈ હતી. જો કે સામા છેડે સૌરાષ્ટ્રના આધાર બનેલા ચેતેશ્વર પુજારાએ મકકમતાપૂર્વક કર્ણાટકના તમામ બોલરોનો સામનો કર્યો હતો તે ૧૩૧ રન સાથે અણનમ રહ્યો હતો.

સૌરાષ્ટ્રની ટીમે ૯૧.૪ ઓવરમાં ૫ વિકેટના ભોગે ૨૮૨ રન બનાવી વટભેર રણજી ટ્રોફીના ફાઈનલમાં મેચમાં પ્રવેશ કરી લીધો હતો. કર્ણાટકની ટીમમાં વિનય કુમાર જેવા સ્ટાર બોલરો હતા, બીજી તરફ ચોથા અને પાંચમાં દિવસે વિકેટનો મીજાજ પણ કંઈક અલગ હોવા છતાં સૌરાષ્ટ્રના બેટ્સમેનોએ એ વાત સાબીત કરી દીધી હતી કે કોઈપણ વિકેટ પર સૌરાષ્ટ્રની ટીમ સ્કોર ચેજ કરવા સક્ષમ છે. રણજી ટ્રોફીનો ફાઈનલ મેચ આગામી ૩ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાશે. સૌરાષ્ટ્રની ટીમે ત્રીજી વખતે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે પરંતુ હજુ સુધી એક પણ વખત ચેમ્પીયન બની શકી નથી. જે રીતે આ વખતે સૌ રાષ્ટ્રના બેટ્સ્ટમેનોનો ફોર્મ છે એવું જોતા લાગી રહ્યું છે કે, સૌરાષ્ટ્ર આ વખતે રણજીમાં ચેમ્પીયનશીપ હાંસલ કરવા માટે પ્રબળ દાવેદાર મનાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.