Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતા સપ્તાહની ગુજરાતની મુલાકાત મહત્વપૂર્ણ બનશે: કેટલાકને ‘સાચવી’ લેવાશે, તો  કેટલાકને સાઈડ લાઈન કરાશે

કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે ગુજરાતમાં પણ મંત્રી મંડળમાં મોટાપાયે ફેરબદલની સર્જાતી સંભાવના: શાહ, વાળા અને પટેલની દિનચર્યા કોના ‘મામેરા’ ભરશે?

મોદીના રાજમાં કેન્દ્રમાં ગુજરાતનું વજન વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ સિવાય કેન્દ્રીય મંત્રી મંડળમાં ચાર કેબીનેટ મંત્રી અને ત્રણ રાજય કક્ષાના મંત્રી જનતાની સેવા કરી રહ્યા છે ગત બુધવારે કરવામાં આવેલા કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં વડાપ્રધાને પોતાના હોમસ્ટેટ ગુજરાતને ધર્યા કરતા સવાયું નવજનપ આપ્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ સમાજ અને તમામ ઝોનને સાચવી લેવાના પ્રયાસો કરવામા આવ્યા છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ રાજય સરકાર પણ મંત્રી મંડળમાં મોટાપાયે ફેરફાર કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. અમીત શાહ (જગન્નાથજી), વજૂભાઈ વાળા (બલરામ) અને આનંદીબેન પટેલ (સુભદ્રા)ની રથયાત્રા અર્થાંત ગુજરાતની મૂલાકાત બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રસાદની વાટ જોશે કોના મામેરા ભરાઈ જશે અને કોણ નીજ દ્વારે પાછા ફરશે તેના પર અત્યારથી જ રસપ્રદ ચર્ચાઓ થવા માડી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આવતા સપ્તાહની ગુજરાતની મુલાકાત આ સમગ્ર દિનચર્યામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

રાજય સરકાર દ્વારા કેટલીક આકરી શરતોને આધીન અષાઢી બીજની રથયાત્રા યોજવા માટેની મંજૂરી આપતાની સાથે જ જે રીતે ભાવીકોનાં હૈયા હરખાય રહ્યા છે. બસ તે રીતે જ બૂધવારે સાંજે કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થતાની સાથે જ ગુજરાતનાં કેટલાક નેતાના હૈયાનો હરખ કયાંય સમાતો નથી. ભાજપના ચાણકય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. મધ્યપ્રદેશના ગર્વનરનાં વધારાના ચાર્જમાંથી મૂકત થતાની સાથે જ આનંદીબેન પટેલ પણ હવે ગુજરાતની ઉડાન ભરવા તલપાપડ થઈ રહ્યા છે. રાજય સરકારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તેઓ પોતાના નજીકનાને મંત્રી પદ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ગુજરાતનાં રાજકારણમાં પક્ષ માટે ગમે ત્યારે અને ગમે તેવું બલીદાન આપવા માટે હંમેશા તૈયાર રહેતા વજૂભાઈ વાળા કર્ણાટકના રાજયપાલ પદથી નિવૃત થતાની સાથે તેઓ પણ માદરે વતનમાં આવી ચૂકયા છે.

જે રીતે અષાઢીબીજે ભગવાન જગન્નાથજી, ભાઈબલરામ અને બેન સુભદ્રા નગરચર્યાએ નિકળે છે. અને પ્રજાની સ્થિતિ અંગે માહિતી મેળવે છે. તે રીતે આ ત્રણેય મોટામાથા શાહ, પટેલ અને વાળા હવે ગુજરાતમાં રાજકીય નગરચર્યાએ નિકળવાના મૂડમાં છે.તેમની દિનચર્યા પોતાના જૂથના મનાતા નેતાઓની સુખાકારી સાચવી લેવા પૂરતી હશે.

કોણ કોનો રથ ખેંચી તેને આગળ વધારશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જોકે આખરી નિર્ણય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ લેશે કે કોના મામેરા ભરવા અને કોને પ્રસાદ આપવી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નજર આ રાજકીય રથયાત્રા અને નગરચર્યાના અંતે મળનારી પ્રસાદી પર રહેશે. ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે દોઢ વર્ષથી પણ ઓછો સમય ગાળો બચ્યો છે. કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતના બે સાંસદોને રાજય કક્ષાના મંત્રીમાંથી કેબીનેટ મંત્રી તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું અને અન્ય ત્રણ સાંસદોને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવે તેની પાછળ સંપૂર્ણ પણે ચૂંટણી લક્ષી વ્યૂહરચના અપનાવવામાં આવી છે. મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજયપાલ બનાવી આદિવાસી બેઠકને સાચવી લેવામાં આવી છે. તો મંત્રી મંડળના વિસ્તરણમાં મનસુખ માંડવીયા અને પૂરૂષોતમ રૂપાલાને કેબીનેટમાં સ્થાન આપી લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજને પૂરતુ માન-સન્માન આપવામાં આવ્યું છે. દર્શના જરદૌશને રાજયકક્ષાના મંત્રી બનાવી મહિલાઓ સાથે દક્ષિણ ગુજરાતને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાને મંત્રી બનાવી વિધાન સભાની 45 બેઠકો પર જે સમાજના મતદારોની ભૂમીકા નિર્ણાયક છે. તેવા કોળી સમાજને યોગ્ય ન્યાય આપી દેવામાં આવ્યો છે. જયારે ખેડાના સાંસદ દપુસિંહ ચૌહાણને મંત્રી પદ આપી ઉતર ગુજરાતને સાચવી લેવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળના વિસ્તરણની જે વાતો ચાલી રહી છે. તેને પૂરતો વેગ મળી રહ્યો છે. શાહ, વાળા અને પટેલની ચાલૂ સપ્તાહે ગુજરાતની રાજકીય રથયાત્રા આ માટે ખૂબજ સૂચક માનવામા આવી રહી છે. જે રીતે કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતનું વજન વધ્યું છે. અને કોઈ એક સમાજને અન્યાય થયાની ફરિયાદ કરવાની તક સુધ્ધા આપવામાં આવી નથી. બસ આ જ ફોર્મ્યુલા પર ગુજરાતમાં પણ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં તમામને પ્રસાદી આપી સાચવી લેવાનો વ્યૂહ અપનાવવામાં આવશે. જો કોઈ નેતા એકયા બીજા કારણોસર મંત્રી મંડળમાં સ્થાન નહીં મેળવી શકે તો તેને સંસદીય સચિવ પદે બેસાડી દેવાશે. જયારે ટિકિટ ફાળવણી વેળાએ કોઈ નમાથુથ ખોટો સળવળાટ ઉભો ન કરે તે માટે તેને બોર્ડ-નિગમની ખૂરશી આપી દેવામાં આવશે.

ગુજરાતમાં નઆપથના આગમન બાદ ભાજપ વધુ સર્તક બન્યું છે. કોઈ જોખમ લેવાના મૂડમાં ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. માદરે વતનમાં હારની વાતતો દૂર બેઠકોમાં ઘટાડો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસાય તેમ નથી. આવામા તેઓએ મોટામાથાઓ પાસે ગુજરાતની નગરચર્યા શરૂ કરાવી છે. મંત્રી પદ આપનારને તેમના સમાજને સાચવી લેવાની જવાબદારી સોંપી દેવામાં આવશે. ગુજરાતમાં રાજકીય રથયાત્રા કોઈપણ નેતા કાઠે પરંતુ તેનો પ્રસાદ માત્રે માત્ર ભાજપને જ મળવો જોઈએ તેવી વ્યૂહ રચના અપનાવવામાં આવી રહી છે.

77 આઇપીએસ અધિકારીઓની ગમે ત્યારે બદલીનો તખ્તો તૈયાર

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના પોલીસ કમિશનર, રેન્જના વડા અને એસપી કક્ષાના પોલીસ અધિકારીઓની બદલીનું લીસ્ટ તૈયાર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાત બાદ બદલીના ઓર્ડર નીકળશે.

રાજયમાં વિધાન સભાની ચૂંટણીને ધ્યાને લઇ તેમજ લાંબા સમયથી એક જગ્યા પર રહેલા આઇપીએસ અધિકારીની બદલીની ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદ સુપ્રસિધ્ધ જગન્નાથ રથયાત્રા બાદ 77 જેટલા આઇપીએસ અધિકારીની બદલીનું લીસ્ટ તૈયાર થઇ ગયું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત બાદ બદલીનો ઘાણવો આવી રહ્યાના નિર્દેશ મળી રહ્યા છે. બદલીની સાથે કેટલાક પોલીસ અધિકારીઓને બઢતી પણ મળનાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી અને બઢતીનું લીસ્ટ તૈયાર થયાનું સુત્રો જણાવી રહ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનરની બદલી થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે. ત્રણ વર્ષ જેટલા સમયથી રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા મનોજ અગ્રવાલની બદલી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વિધાનસભા 2022ની ચૂંટણી યોજવામાં આવે તે પૂર્વે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવે તો ચૂંટણી દરમિયાન નવા પોસ્ટીંગ સાથેના શહેરથી પરિચીત થઇ શકે તેવા હેતુસર ચૂંટણી પૂર્વે જ બદલી કરવામાં આવતી હોય છે. જગન્નાથ રથયાત્રા બાદ બદલીઓનો ઘાણવો કાઢવામાં આવનાર છે. રાજયના ચારેય મહાનગરના પોલીસ કમિશનર ઉપરાંત રેન્જ આઇજી, એસપી અને ડીસીપીની બદલી થનાર છે. તેમજ ડીવાય.એસ.પી.કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવનાર છે. ડીવાય.એસ.પીને બઢતી અપાયા બાદ પીઆઇ ટુ ડીવાય.એસ.પી. અને પી.એસ.આઇ ટુ પીઆઇને પણ પ્રમોશન સાથે બદલી કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.