Abtak Media Google News

મોદી મંત્રી મંડળમાં ગુજરાતના સાત સાંસદો, તમામ સમાજને સાચવી લેવાયા: કચ્છને બાદ કરતાં તમામ ઝોનને સમાન મહત્વ

મનસુખ માંડવીયા અને પુરૂષોતમ રૂપાલાને કેન્દ્રીય કેબિનેટ બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને સાચવી લીધા: હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ વિજયભાઇના નેતૃત્વમાં જ લડે તે નિશ્ચિત

મોદી મંત્રીમંડળમાં ગુજરાતનું વજન વઘ્યું છે. રાજયકક્ષાના મંત્રી મનસુખભાઇ માંડવીયા અને પુરૂષોતમભાઇ રૂપાલાને કેબીનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય ત્રણ સાંસદોને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતના સાંસદ અમીત શાહ અને એસ. જયશંકર અગાઉથી કેબીનેટમાં વજનદાર ખાતાઓ ભોગવી રહ્યા છે. મંત્રીમંડળનું વિસ્તરણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એક તીરે અનેક પક્ષીઓને માર્યા છે. સાથો સાથ ગુજરાતમાં વિજયપથ કંડારી દીધો છે. રૂપાણી માટે 2022 ની રાહ આસાન બનાવી દીધી છે. હવે ગુજરાત વિધાનસભાની આવતા વર્ષે યોજનારી ચૂંટણી ભાજપ વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં લડે તે વાત ફાઇનલ કરી દીધી છે.

રાજયમાં સૌથી વધુ વસતી ધરાવતા પાટીદાર સમાજે તાજેતરમાં એવો રાગ આલોપ્યો હતો કે મુખ્યમંત્રી અમારો હોવો જોઇએ, અન્ય સમાજ પણ મુખ્યમંત્રી પદ માટેની માંગણી કરી રહ્યા છે. સામાન્ય રીતે મુખ્યમંત્રીની પસંદગી જ્ઞાતિ-જાતિના સમીકરણોને નહી પરંતુ કોબેલીયતના આધારે કરવામાં આવતી હોય છે. અગાઉ કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજયકક્ષાના મંત્રી તરીકે જવાબદારી અદા કરી રહેલા લેઉવા પટેલ સમાજમાંથી આવતા મનસુખભાઇ માંડવીયા અને કડવા પટેલ સમાજના પુરૂષોતમભાઇ રૂપાલાને કેબીનેટ મંત્રી બનાવી મહત્વપૂર્ણ વિભાગો આપવામાં આવ્યા છે.

આ સાથે મોદી-શાહે ગુજરાતમાં એક મેસેજ પાસ કરી દીધો છે કે રાજયમાં પાટીદાર સમાજને ભાજપ મુખ્યમંત્રી પદ આપશે તે નકકી નથી. બન્ને મંત્રીઓના કદમાં વધારો કરી આડકતરી રીતે પાટીદાર સમાજને સાચવી લેવામાં આવ્યો છે. અને આ બન્ને ચહેરાઓ ર0રર થી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદે માટે દાવેદારી ન કરે તેવા સમીકરણો રચી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મંડળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તમામ સમાજ અને કચ્છને બાદ કરતાં તમામ ઝોનને સાચવી લીધા છે. ઉત્તર ગુજરાતમાંથી અમીતભાઇ શાહ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. સાથો સાથ તેઓને નવા રચાયેલા સહકાર મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી સુરતના સાંસદ દર્શના જશદોશને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. મધય ગુજરાતમાંથી ખેડાના સાંસદ દેવુસિંહ ચૌધરીને રાજય કક્ષાના મંત્રી પદે બેસાડી દેવામાં આવ્યા છે. જયારે ગુજરાત વિધાન સભાની 4પ બેઠકો પર જે જ્ઞાતિનું વર્ચસ્વ છે તે કોળી સમાજને સાચવી લેવા માટે સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાને પણ રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા એસ.જયશંકર અગાઉથી જ વિદેશમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

ગત મહિને રાજયે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ રૂપાણીને સરતાજ બનાવી દીધા હતા. ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જ્ઞાતિ જાતીના કોઇ સમીકરણો પરિણામ પર અસર ન કરે અને કોઇ મોટું માથુ મુખ્યમંત્રી પદની માંગણી કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઠાસુઝનો ઉપયોગ કરી એક કાંકરે અનેક પક્ષીઓના વધ કર્યા છે. ભાજપ 2022 વિધાનસભાની ચુંટણી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં જ લડશે તે વાત 100 ટકા ફાઇનલ થઇ ગઇ છે. મંત્રી મંડળના વિસ્તરણ સાથે જ ગુજરાતમાં વિજય પથ કંડરાઇ ગયો છે.

ગુજરાતના જે સાંસદોને મંત્રીપદ આપવામાં આવ્યા છે તેને હવે રાજયમાં તેઓના સમાજને ભાજપના પડખે અડિખમ રાખવાની જવાબદારી પણ સોંપી દેવામાં આવશે. વિજયભાઇની રાહ વધુ આસાન બની ગઇ છે. તેઓને ચુંટણી કે જ્ઞાતિ સમીકરણોની ચિંતા કર્યા વિના લોકહિતના કામો કરવાની છુટ આપી દેવામાં આવી છે. ચુંટણી પહેલા કોઇ મુદ્દો ઉભો થશે તો અને સંભાળી લેશું તેવો સંકેત મોદી-શાહની જોડીએ આપી દીધો છે બે દિવસ પૂર્વ મંગુભાઇ પટેલની મઘ્યપ્રદેશના ગર્વનર તરીકે નિમણુંક કરી આદિવાસી સમાજને સાચવી લેવાયા છે.

કેન્દ્રમાં ગુજરાતનું કદ વધ્યું વડાપ્રધાનનો આભાર માનતા મુખ્યમંત્રી

નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું યોગદાન આપશે: વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રીય મંત્રી મંડળના થયેલા વિસ્તરણમાં ગુજરાતના રાજ્યસભા, લોકસભા સાંસદોની થયેલી નવનિયુક્તિ માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ આપ્યું છે. તે માટે પ્રધાન મંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં ગુજરાતના ત્રણ ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે. મુખ્યમંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી

કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા  મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમભાઈ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા આ વિસ્તરણમાં ગુજરાતના લોકસભાના ત્રણ સાંસદ દર્શનાબેન જરદોશ (સુરત),  દેવુસિંહ ચૌહાણ (ખેડા) અને ર્ડા.મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)નો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવા અંગે પણ અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ આ નવનિયુક્ત મંત્રીઓ ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું યોગદાન અને રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ કરતા રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.