Abtak Media Google News

ઉપપ્રમુખ તરીકે સવિતાબેન વાસાણી, કારોબારી અધ્યક્ષ તરીકે સહદેવસિંહ જાડેજા, પક્ષના નેતા તરીકે વિરલ પનારા અને દંડક તરીકે અલ્પાબેન તોગડીયાનું નામ જાહેર

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને નામની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી. જો કે આ મામલે સર્જાયેલા સસ્પેન્સ ઉપરથી ગત રાત્રે પડદો ઊંચકી ગયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં પ્રમુખ પદ સૌથી પ્રબળ ગણાતા એવા ભુપત બોદરને જ આપવામાં આવ્યું હોવાની જાહેરાત થઈ છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં એક સમયે કોંગ્રેસે 34 બેઠકો કબજે કરી ભાજપના ભાગે માત્ર 2 જ બેઠકો આવવા દીધી હતી. ગત ચૂંટણીનું આ ચિત્ર આ વખતેની ચૂંટણીમાં તદ્દન વિપરીત બન્યું હતું. ભાજપે 25 બેઠકો ઉપર કેસરિયો લહેરાવી કોંગ્રેસના ભાગમાં માત્ર 11 બેઠકો જ આવવા દીધી હતી. આમ આ વખતની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરતા જિલ્લા પંચાયતમાં રાજ કરવાનું કોંગ્રેસનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.

ભાજપ પાસે 25 સભ્યોનું સંખ્યાબળ હોવાથી હોદેદારોની પસંદગીની તક મળી હતી. અગાઉ પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ ત્રણ ત્રણ નામો મુકાયા હતા. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં હોદેદારોની વરણીને લઈને ગહન ચર્ચા પણ કરવામાં આવી હતી. અગાઉ પ્રમુખ પદ માટે ભુપતભાઇ બોદર સામે પ્રવીણભાઈ કયાડા રેસમાં હતા. આ દરમિયાન આંતરિક વિવાદ સર્જાવાના પણ એંધાણ જણાઈ રહ્યા હતા. પણ સદનસીબે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય શાંતિપૂર્ણ રીતે પ્રમુખની પસંદગી કરવામાં આવી છે.

ગત રાત્રીએ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખારચિયાએ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના નામોની જાહેરાત કરી દીધી છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કસ્તુરબાધામ બેઠક ઉપરથી ચૂંટાયેલા સભ્ય ભુપતભાઇ બોદરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉપપ્રમુખ પદે જસદણ તાલુકાની પીપરડી બેઠકના સવિતાબેન વાસાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કારોબારી અધ્યક્ષ તરીકે જસદણ તાલુકાની કોલીથડ બેઠકના ચૂંટાયેલા સભ્ય સહદેવસિંહ જાડેજા, પક્ષના નેતા તરીકે ઉપલેટા બેઠકના ચૂંટાયેલા સભ્ય વિરલ પનારા, દંડક તરીકે લોધિકાની બેઠકમાંથી ચૂંટાયેલા સભ્ય અલ્પાબેન તોગડીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

હોદેદારોની વરણીને લઈને જે સસ્પેન્સ સર્જાયું હતું. તે ગતરાત્રીના હટી ગયું છે. હોદેદારોના નામો જાહેર થઈ જતા અટકળો ઉપર બ્રેક લાગી છે. જે હોદેદારોના નામ જાહેર થયા છે. તેઓ તમામે આજે સવારે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ વિધિવત ફોર્મ ભર્યું છે.

ભૂપત બોદરની રાજકીય અને સામાજીક સફર

Bhupat 2

ખેતીના વ્યવસાયમાં પ્રવૃત અને વેપાર સાથે પણ જોડાયેલા ભૂપતભાઇ બોદર અગાઉ પણ સક્રિય રાજનીતિમાં રહી જ ચુકયાં છે. ર00પમાં તેઓ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.18માંથી કોર્પોરેટર તરીકે ચુંયાયા હતા અને ડ્રેનેજ સમિતિનાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓ રાજકોટ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ રહી ચુકયાં છે. વોર્ડ પ્રભારી અને એસ.ટી. બોર્ડ સલાહકાર સમિતિનાં સભ્ય તરીકે પણ રહી ચુકયાં છે. રાજકારણની ઉંડી સમજ અને સુઝ ધરાવતાં ભુપતભાઇ બોધર જો કે, એક નિષ્ઠાવાન લોકસેવક અને દાતા તરીકે પણ જાણીતા છે. તેઓ દુધીબેન જશમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે. જેના પ્રમુખ પણ તેઓ જ છે. આ ટ્રસ્ટ દ્વારા તેમણે 2018 માં 18 દીકરીઓના સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કર્યુ હતું. તેમના વતન બેલડલામાં આરોગ્ય કેન્દ્ર મંજુર થયું પણ એ બનાવવા જમીન ન હતી ત્યારે તેમણે આ ટ્રસ્ટના નેજા હેઠળ જ રૂપિયા 60 લાખની કિંમતની 1400 વાર જગ્યા ક્ષણવારમાં દાનમાં આપી દીધી હતી.

ભૂપતભાઇ બેડલા સહકારી મંડળીના કારોબારી સભ્ય છે તથા તેઓ ગુજરાતી ફિલ્મ નિર્માતા પણ છે તેઓએ બાપા સિતારામ ફિલ્મ અને બીજી પાંચ ફિલ્મ પણ બનાવી ચુકેલા છે. અને દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમમાં સલાહકાર પણ છે વ્હાલુડીના વિવાહ નામના સંસ્થાના લગ્નોત્સવમાં જે યુગલોના લગ્ન થાય તે 44 યુગલોને તેઓ પોતાના ખર્ચે દર વર્ષ હરિદ્વાર ફરવા મોકલે છે.

ઉલ્લેખનીય છે કે ભૂપતભાઇએ 1999માં રાજકોટ શહેર યુવા ભાજપમાં જવાબદારી સંભાળી હતી. વર્ષ 2005માં કોર્પોરેશનમાં પ્રથમ ચુંટણી અને વર્ષ 2010માં બીજી ચુંટણી લડયા હતા. ડ્રેનેજ કમીટીમાં પણ તેઓએ સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત વર્ષ 2015માં રાજકોટ તાલુકામાં 5્રભાવી તરીકે તેઓએ જવાબદારી સંભાળી હતી.

કાલે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાશે, હોદેદારોના નામની સત્તાવાર ઘોષણા થશે

આવતીકાલે રાજકોટ જિલ્લા પંચાયતની પ્રથમ સભા યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ ઉપસ્થિત રહેવાના છે. તેઓની અધ્યક્ષતામાં હોદેદારોની વરણીની પ્રક્રિયા કરવામાં આવનાર છે. જો કે કોંગ્રેસ પોતાના કોઈ ઉમેદવારોને હોદા માટે મેદાનમાં ઉતારવાની ન હોય ભાજપે જે નામ જાહેર કર્યા છે.તે હોદેદારો બિનહરીફ જાહેર થનાર છે. આ બેઠકમાં હોદેદારોની સત્તાવાર ઘોસણા કરી દેવાશે. આ ઘોસણા બાદ નવનિયુક્ત હોદ્દેદારો સાશનની ધૂરા સંભાળી લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.